ડલહાઉસી, લૉર્ડ જેમ્સ અડ્ર્યૂ બ્રૂન રામ્સે

January, 2014

ડલહાઉસી, લૉર્ડ જેમ્સ અડ્ર્યૂ બ્રૂન રામ્સે (જ. 22 એપ્રિલ 1812, ડલહાઉસી કૅસલ, સ્કૉટલૅન્ડ; અ. 19 ડિસેમ્બર 1860, ડલહાઉસી કૅસલ, સ્કૉટલૅન્ડ) : ભારતના ગવર્નર-જનરલ અને બ્રિટિશ મુત્સદ્દી.  તેમણે હૅરો સ્કૂલ અને ઑક્સફર્ડની ક્રાઇસ્ટચર્ચ કૉલેજમાં અભ્યાસ કર્યો હતો. 1837માં તે આમસભામાં ચૂંટાયા; પરંતુ 1838માં પિતાના મૃત્યુ પછી ડલહાઉસીનું ઉમરાવપદ વારસામાં મળતાં તે ઉમરાવસભાના સભ્ય બન્યા.

1845માં રૉબર્ટ પીલના ટોરી પ્રધાનમંડળમાં તેમની બૉર્ડ ઑવ્ ટ્રેડના પ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવી. 1846માં પીલના પ્રધાનમંડળે રાજીનામું આપ્યું, પરંતુ ડલહાઉસીની વહીવટી ક્ષમતાને લીધે વ્હિગ પ્રધાનમંડળે તેમને 1847માં ભારતના ગવર્નર-જનરલ તરીકે નિયુક્ત કર્યા. અત્યાર સુધીમાં આવી ગયેલા ગવર્નર-જનરલોમાં તે સૌથી નાની વયના હતા.

જાન્યુઆરી, 1848માં તે ભારત આવ્યા અને થોડા જ સમયમાં તેમણે પોતાની સામ્રાજ્યવાદી નીતિનો પરિચય કરાવ્યો. નવેમ્બર, 1848માં દ્વિતીય શીખ વિગ્રહ શરૂ થયો અને 1849માં તેમણે શીખોને હરાવીને પંજાબને ખાલસા કર્યું. ત્યારપછી તેમણે વ્યાપારને લગતા વિવાદના બહાના હેઠળ 1852માં બર્મા (હાલનું મ્યાનમાર) સામે યુદ્ધ જાહેર કર્યું. આ દ્વિતીય બર્મા વિગ્રહને અંતે 1853માં અંગ્રેજોએ પેગુ પ્રાંત પર કબજો જમાવ્યો. આમ, મ્યાનમારમાં બ્રિટિશ સામ્રાજ્યવાદી પકડ મજબૂત બની.

સામ્રાજ્યવાદી નીતિને સુસંગત ડલહાઉસીએ ભારતનાં કેટલાંક દેશી રાજ્યોને એક યા બીજા બહાના હેઠળ ખાલસા કર્યાં. એ રીતે 1848થી 1856 સુધીમાં સતારા, જેતપુર, સંબલપુર, ભગત, નાગપુર, ઝાંસી, કરૌલી અને અયોધ્યાના પ્રદેશોને બ્રિટિશ ભારતના પ્રદેશોમાં જોડી દેવાની જાહેરાત કરવામાં આવી. પેશવા બાજીરાવ બીજાના દત્તક પુત્ર નાનાસાહેબનું સાલિયાણું બંધ કરવામાં આવ્યું અને નિઝામ પાસેથી વરાડનો પ્રાંત લઈ લેવામાં આવ્યો.

આ વિસ્તારવાદી નીતિને સુસંગત તેમણે ઇંગ્લૅન્ડમાં આવેલી ઔદ્યોગિક ક્રાંતિને અનુલક્ષીને  ભારતમાં કાચો માલ પેદા કરતા પ્રદેશો સુધી સરળતાથી પહોંચવા તેમજ મૂડીરોકાણના સાધન તરીકે અને લશ્કરી ર્દષ્ટિએ મહત્વના વ્યૂહાત્મક વિસ્તારોને સાંકળવાના હેતુસર રેલવેલાઇન નાખવાની શરૂઆત કરી. આ ઉપરાંત રસ્તા, નહેરો, પુલો, તાર-ટપાલ વગેરે વાહનવ્યવહાર અને સંદેશાવ્યવહારનાં અન્ય સાધનોને વિકસાવીને બ્રિટનના ઉદ્યોગપતિઓના દબાણ હેઠળ તેમણે ભારતમાં વ્યાપાર-વાણિજ્યને ઉત્તેજન આપ્યું. એ રીતે તેમણે બ્રિટનનાં આર્થિક અને રાજકીય સામ્રાજ્યવાદી પરિબળોના સાચા પ્રતિનિધિ તરીકે મહત્વનો ભાગ ભજવ્યો. આ ઉપરાંત શૈક્ષણિક, વહીવટી તેમજ સામાજિક સુધારા દાખલ કરીને ડલહાઉસીએ ભારતમાં પશ્ચિમીકરણની પ્રક્રિયાને વેગ આપ્યો. તેમની આર્થિક અને રાજકીય સામ્રાજ્યવાદી નીતિને પરિણામે ફેલાયેલા અસંતોષે છેવટે ભારતમાંથી તેમની વિદાય પછીના એક જ વર્ષમાં (1857) વિપ્લવનું સ્વરૂપ લીધું.

યતીન્દ્ર દીક્ષિત