ડબરાલ મંગલેશ (જ. 16 મે 1948, કાફલપાની, જિ. ટિહરી ગઢવાલ, ઉત્તરાંચલ) : હિંદી લેખક અને કવિ. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘હમ જો દેખતે હૈં’ બદલ 2000ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો. તેમણે પત્રકારત્વને તેમની આજીવિકાનું સાધન બનાવ્યું.

‘પહાડ પર લાલ ટેન’, ‘ઘર કા રાસ્તા’, ‘હમ જો દેખતે હૈં’, ‘આવાજ ભી એક જગહ હૈં’ તેમના જાણીતા કાવ્યસંગ્રહો છે. ‘એક બાર આયોવા’ તેમની પ્રવાસકથા છે. ‘રેત ઘડી’, ‘કવિતા ઉત્તરશતી’ તેમના સંપાદિત કાવ્યસંગ્રહો છે. ‘લેખક કી રોટી’ (ગદ્યસંગ્રહ), ‘યહ મૃત્યુ ઉપત્યકા નહીં હૈં મેરા દેશ’, ‘સિદ્ધાર્થ’ અનૂદિત કૃતિ છે. 1991માં તેમણે આયોવા વિશ્વવિદ્યાલય, સંયુક્ત રાજ્ય અમેરિકાના આંતરરાષ્ટ્રીય લેખનકાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમને 1995માં સમશેર સ્મૃતિ સન્માન તથા 1998માં શ્રીકાંત વર્મા પુરસ્કાર પ્રાપ્ત થયાં છે.

તેમની પુરસ્કૃત કૃતિ ‘હમ જો દેખતે હૈં’માંનાં કાવ્યોનું પોતાપણું વાચકોને સીધું સ્પર્શે છે. એમાં એક એવો સંસાર નિરૂપાયો છે જે સંતોષ આપે છે કે આપણું કોઈ બચ્યું છે. આ કૃતિ હિંદી કાવ્યક્ષેત્રમાં મહત્વપૂર્ણ પ્રાપ્તિ ગણાય છે.

બળદેવભાઈ કનીજિયા