ડન, જૉન (જ. 1572, લંડન; અ. 31 માર્ચ 1631, લંડન) : આંગ્લ કવિ અને ધર્મોપદેશક. ધર્મચુસ્ત કૅથલિક પરિવારમાં જન્મ. ઑક્સફર્ડ તથા કેમ્બ્રિજ ખાતે શિક્ષણ લીધા પછી લંડનમાં કાયદાશાસ્ત્રનો અભ્યાસ કર્યો. 1598માં ટૉમસ ઇગરટનના સેક્રેટરી નિમાયા. તેમને માટે ઉજ્જ્વળ કારકિર્દીની તકો ઊભી થઈ હતી પણ એ રોળાઈ ગઈ. પોતાના જ આશ્રયદાતાની ભત્રીજી સાથે છૂપું લગ્ન કરવાના (1601) પરિણામે નોકરીમાંથી બરતરફી પામી તેમણે થોડો વખત જેલમાં જવું પડ્યું. મિત્રોની તથા પત્નીનાં સગાંવહાલાંની સહાયના આધારે થોડો વખત કાઢ્યા પછી, આખરે તેમણે કૅથલિક સંપ્રદાય ત્યજી ઍંગ્લિકન સંપ્રદાય સ્વીકાર્યો અને 1615માં ધર્મોપદેશકનું પદ સ્વીકાર્યું. તેમની અસ્ખલિત અને છટાદાર વાક્પટુતાના કારણે તેઓ ખૂબ ખ્યાતિ પામ્યા. તેમનું ગદ્ય તથા પદ્ય સ્વરૂપનું મોટાભાગનું લખાણ તેમના અવસાન પછી 1633થી 1651 દરમિયાન પ્રગટ થયું.
તેમનું ગદ્ય તેમની કવિતા જેટલું જ ઉત્તમ છે અને તેમાં ‘એસેઝ ઇન ડિવિનિટી, ડિવોશન્સ અપૉન ઇમરજન્ટ અકેઝન્સ, લેટર્સ’ તથા 160 ઉપરાંત ધાર્મિક ઉપદેશનો સમાવેશ થાય છે. હેમિંગ્વેએ જેમાંથી ‘ફૉર હુમ ધ બેલ ટૉલ્સ’ જેવી ઉક્તિની શીર્ષક રૂપે પસંદગી કરી તે પછી એ વિશેષ લોકભોગ્ય બન્યા છે. મધુર ગદ્ય, વિચારોનો ક્રમબદ્ધ વિકાસ તથા વિરોધાભાસી વિચારોની નાટ્યસહજ અને બેધડક સહોપસ્થિતિ જેવી લાક્ષણિકતાથી આ ધર્મોપદેશ નોંધપાત્ર નીવડ્યા છે. આ શૈલી તેમણે કવિતારચનામાં વિકસાવેલી જ હતી. ‘ઑવ ધ પ્રોગ્રેસ ઑવ્ ધ સોલ’, ‘સેટાયર્સ’ તથા ‘ડિવાઇન પોએમ્સ’ જેવાં તેમનાં અગાઉનાં કેટલાંક કાવ્યોમાં મુખ્ય કથનવિષય છે ધર્મશાસ્ત્ર; પરંતુ ‘સેટાયર્સ’, ‘સૉંગ્ઝ સૉનેટ્સ’ તથા ‘એલિજિઝ’ જેવાં ધર્મેતર કાવ્યોમાં બહુશ્રુતતા, નજાકત, વિનોદવૃત્તિ તથા ઉપહાસ વગેરેનો તદ્દન જુદો જ સૂર છે. તેમાં માનવચિત્ત વિશેની ગહન સૂઝ વ્યક્ત થાય છે. તેમાં મોટા ભાગે પ્રણયકાવ્યો છે અને પૅટ્રાર્કના આદર્શરંગી અભિગમ કરતાં તેમાં સાવ ઊલટો ભાવ છે. પ્રણયમાં વ્યક્ત થતી શરીર તથા આત્માની લાગણીઓની ભિન્નતા પર તેમજ પ્રેમની તીવ્ર સંવેદના પર ડને ભાર મૂક્યો છે. તેમણે ચવાયેલી ઉપમાઓ સામે વિરોધ ઉઠાવી, કૃત્રિમ આલંકારિતાને બદલે સમગ્ર કાવ્યબંધના અંતર્ગત ભાગ રૂપે ઉપમાને સ્થાપી. તેમની કવિતા ‘મેટાફિઝિક્લ પોએટ્રી’ એટલે કે તત્વાન્વેષી કવિતા તરીકે પંકાઈ, કારણ કે એમાંની ચમત્કૃતિજનક તથા ચાતુર્યભરી ઉપમા કે રૂપકરચના પ્રયોજવામાં બહુધા તત્વજ્ઞાન, માનસશાસ્ત્ર તથા ધર્મશાસ્ત્રની ચિંતનસામગ્રી ઉપયોગમાં લેવાઈ છે. આ ઉપરાંત તેમણે સ્વરભાર તથા લયને પ્રચલિત છંદશાસ્ત્રમાંથી મુક્ત કર્યા અને રોજિંદી વ્યવહાર-ભાષાના સ્વરભેદ (intonation) તથા લય ઝડપવા-ઝીલવા નવતર સ્વરાઘાત(accent)નો આગ્રહ રાખ્યો.
સમકાલીનો પરત્વે તેમનો પ્રભાવ ત્રણ પ્રકારે ઝિલાયો. કેટલાક પ્રણયકવિઓને તેમની પાસેથી ચિંતનશીલતા તથા ગૂઢ મનોભાવો શીખવા મળ્યાં. કેટલાક ધાર્મિક કવિઓએ પોતાનાં કાવ્યોમાં તત્વાન્વેષી શૈલીતત્વોની પ્રયુક્તિ પ્રયોજી. તેમની સાંગોપાંગ કાવ્યપ્રેરણા ઝીલનારા ડ્રાયડન અને પોપ જેવા કટાક્ષકવિઓ નામાંકિત બન્યા. કૉલરિજ, બ્રાઉનિંગ તથા હોપકિન્સ તેમજ અન્ય આધુનિક કવિઓ પર તેમનો વ્યાપક તેમજ ગહન પ્રભાવ પડ્યો છે. ટી.એસ. એલિયટે ડનની કવિતાની પુન:સમીક્ષા કર્યા પછી તેમની કૃતિઓ વિશેષ વંચાવા–વખણાવા પામી છે.
મહેશ ચોકસી