ડનેત્સ્ક (ડોનેક ઑબ્લાસ્ટ) : યુક્રેન(ઉક્રેન)નો વહીવટી પ્રદેશ તથા ડોનેત્સ્ક નદીના તટપ્રદેશનું મોટામાં મોટું નગર. ભૌગોલિક સ્થાન : 48o 00´ ઉ. અ. અને 37o 48´ પૂ. રે.. તે યુક્રેન પ્રજાસત્તાકમાં ઉત્તરે આવેલું છે. વહીવટી પ્રદેશની રચના 1938માં થઈ હતી. વિસ્તાર 26,500 ચોકિમી. તથા શહેરી વિસ્તાર 358 ચોકિમી. છે. શહેરની વસ્તી 9,01,645 (2018) તથા મહાનગરની વસ્તી 15,60,000 છે (2018).
સમગ્ર વહીવટી પ્રદેશ ઊંચાઈ પર આવેલો છે અને મોટા ભાગનો વિસ્તાર ખેડવાણ છે. આ સમગ્ર પ્રદેશમાં (મુખ્ય મથક ડનેત્સ્ક શહેર) ડોનોકટ બેસિનના કોલસાના ક્ષેત્રનો તથા પશ્ચિમ તરફનો અડધો ભાગ અને તેની સાથેના ઔદ્યોગિક વિસ્તારનો સમાવેશ થાય છે.
અહીં જમીનના ઉપરના ભાગમાં પાણીનું પ્રમાણ ઓછું છે. ઉનાળામાં નાના ઝરાઓ સુકાઈ જતા હોય છે. ખેતી-ઉત્પાદનોમાં શિયાળુ ઘઉં, બાજરો અને સૂર્યમુખીનું ઉત્પાદન મહત્વનાં છે. શહેરની આસપાસ બગીચાઓ ખૂબ જ વિકાસ પામેલા છે. આ વિસ્તારના અર્થકારણમાં કોલસાનાં ક્ષેત્રો, લોખંડ અને સ્ટીલનાં ઉત્પાદનો, ભારે એન્જિનિયરિંગ અને કેમિકલ ઉદ્યોગોનો ફાળો મહત્વનો છે.
ઓગણીસમી સદીના આઠમા દાયકામાં સ્થપાયેલ આ નગર 1935 સુધી યુઝફકા તરીકે અને ત્યાર પછી 1961 સુધી સ્ટાલિનો શહેર તરીકે ઓળખાતું. 1872માં ત્યાં જ્હૉન હ્યુજીસ દ્વારા લોખંડનું કારખાનું નખાયું. અહીં રશિયન રેલવે માટે પાટા તૈયાર થતા. 1914 સુધીમાં અહીં કારખાનાં અને કોલસાની ખાણો સ્થપાયેલાં. 1961માં ઉદ્યોગોના આધુનિકીકરણ ને ઉત્પાદનોમાં વૃદ્ધિ થઈ. આ વિકાસ નોંધપાત્ર અને ઝડપી થયો. અત્યારે ડનેત્સ્કમાં 40 કરતાં પણ વધારે કોલસાની ખાણો આવેલી છે. આધુનિક ડનેત્સ્ક કાચી ધાતુમાંથી લોખંડ મેળવવાની પ્રક્રિયા, પોલાદ બનાવવાની ભઠ્ઠીઓ અને સ્ટીલ બનાવવાનાં કારખાનાંને કારણે યુક્રેન પ્રજાસત્તાકનું મોટામાં મોટું ધાતુકર્મનું કેન્દ્ર બન્યું છે.
રસાયણ-ઉદ્યોગમાં પ્લાસ્ટિક બનાવવા માટે મૂળભૂત જરૂરિયાત કોલસાની ઉપપેદાશોની હોય છે. ડનેત્સ્કમાં કારખાનાં, યંત્રોમાં રેફ્રિજરેટર તથા ખાણ માટેનાં ઓજાર બનાવાય છે. આ ઉપરાંત ખાદ્ય પ્રક્રમણ અને હળવા ઇજનેરી ઉદ્યોગ પણ ત્યાં છે. અહીં વિશ્વવિદ્યાલય, પૉલિટૅકનિક, 30 કરતાં પણ વધારે વિજ્ઞાનસંશોધનની સંસ્થાઓ અને યુક્રેનિયન પ્રજાસત્તાકની વિજ્ઞાનશાખાનો સમાવેશ થાય છે.
મનોરંજન માટેની સાંસ્કૃતિક પ્રવૃત્તિ નાટ્યગૃહ અને નગરગૃહ પણ અહીં છે.
ગિરીશ ભટ્ટ