ડટન, ક્લૅરેન્સ એડવર્ડ (જ. 15 મે 1841, વૉલિંગફૉર્ડ, કનેક્ટિકટ; અ. 4 જાન્યુઆરી 1912, ઍંગલવુડ, ન્યૂ જર્સી) : અમેરિકન ભૂસ્તરશાસ્ત્રી; વિશેષત: ભૂકંપશાસ્ત્રના પ્રણેતા અને લશ્કરી અફસર. પશ્ચિમ અમેરિકાનાં ભૂમિસ્વરૂપોનાં નિરીક્ષણો અને અન્વેષણોના નિષ્ણાત. યેલ યુનિવર્સિટીમાંથી 1860માં સ્નાતક થયા પછી યેલ ધર્મશાસ્ત્રીય પરિસંવાદોની કામગીરીમાં જોડાયા અને અમેરિકી આંતરવિગ્રહ શરૂ થયો ત્યાં સુધી રહ્યા. આંતરવિગ્રહ દરમિયાન તેના સેવાદળમાં સ્વેચ્છાએ જોડાઈને અધિકારી તરીકે તેમણે સેવાઓ આપી. લશ્કરમાં સેકંડ લેફ્ટનન્ટ તરીકે જોડાયા. આંતરવિગ્રહ બાદ યુ.એસ.ના વૉશિંગ્ટન તત્વજ્ઞાન મંડળ-(Washington Philosophical Society)ની બેઠકમાં યુ.એસ.ના ભૂસ્તરશાસ્ત્રી, પ્રકૃતિશાસ્ત્રી અને આરોહક જ્હૉન વેઝલી પોવેલ સાથે તેમનો મેળાપ થયો. ભૂસ્તરશાસ્ત્રના વિષયમાં ડટનને રસ પડતો જોઈને પોવેલે તેમને માટે 1875માં રોકીઝ પર્વત વિસ્તારના ભૌગોલિક અને ભૂસ્તરીય સર્વેક્ષણમાં કામ કરવાની વ્યવસ્થા ગોઠવી આપી. પોવેલ સર્વેક્ષણ તરીકે જાણીતા થયેલા અભિયાનમાં તેમણે સારી રીતે કામ કર્યું. ત્યારબાદ 1879માં યુ.એસ ભૂસ્તરીય સર્વેક્ષણ સાથે સંકળાયેલા પશ્ચિમ વિસ્તારો માટેનાં વિવિધ સમવાયી સર્વેક્ષણોમાં પણ ડટનને મૂકવામાં આવ્યા, જ્યાં તેઓ 1890 સુધી રહ્યા. આ ગાળા દરમિયાન 1880માં યુ.એસ. ભૂસ્તરીય સર્વેક્ષણના તે સભ્ય બન્યા અને ત્યાં જ 1887માં જ્વાળામુખી અને ભૂકંપીય વિભાગના વડા બન્યા. 1886માં થયેલા ચાર્લ્સટનના ભૂકંપની તલસ્પર્શી માહિતીનો વૈજ્ઞાનિક અભ્યાસ કર્યો અને 1889માં તેનો અહેવાલ બહાર પાડ્યો. 1891માં ફરીથી તેઓ લશ્કરમાં જોડાયા. 1899થી 1901 સુધી મુખ્ય લશ્કરી અધિકારી તરીકે સેવાઓ આપી. 1901માં મેજરની પદવી પરથી તેઓ નિવૃત્ત થયા.
ડટને ભૂકંપ અને જ્વાળામુખી પર ઘણું કામ કર્યું અને તેને વિશે લેખો લખ્યા. જ્વાળામુખી પરની કામગીરીમાંથી તેમણે તારવ્યું કે પેટાળમાં રહેલાં કિરણોત્સારી ખનિજોના ક્ષય દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય છે, જે ખડકોનું ભૂરસમાં રૂપાંતર કરે છે, તૈયાર થયેલો ભૂરસ ઉપર રહેલાં ખડકઆવરણોના બોજને કારણે સપાટી તરફ ધકેલાય છે અને જ્વાળામુખીક્રિયા થાય છે. પોવેલ સર્વેક્ષણ દરમિયાન તેમણે યુટા, એરિઝોના અને ન્યૂ મેક્સિકોમાં જ્વાળામુખી વિશે અભ્યાસ કર્યો. 1889માં ઑરેગૉન અને કૅલિફૉર્નિયાના જ્વાળામુખીનો સર્વાંગી અભ્યાસ કર્યો. સ્મિથસોનિયન સંસ્થાએ હવાઈના જ્વાળામુખીનાં અન્વેષણો તેમને માટે મોકલેલાં. ડટને તેમના ચાર્લ્સટનના 1886ના ભૂકંપના અભ્યાસ દરમિયાન ભૂકંપના કેન્દ્રની ઊંડાઈ નક્કી કરવાની પદ્ધતિની શોધ કરી આપી. તે ઉપરાંત તેમણે ભૂકંપીય તરંગગતિ પર તેના પ્રકાર અને વેગ વિશે પણ માહિતી બહાર પાડી. વળી પોપડામાં થતાં ઊર્ધ્વગમન, અવતલન, ગેડીકરણ વિશે પણ તેમણે કામ કર્યું.
ભૂસ્તરશાસ્ત્રના વિષયમાં આગળ પડતી ગણાતી સૈદ્ધાંતિક સંકલ્પના માટે સંતુલન(isostasy) પર્યાયની શોધ તેમની પોતાની છે. ‘Geology of High Plateaus of Utah, 1880ના પોતાના અહેવાલમાં તેમણે સ્પષ્ટ રીતે સમજાવ્યું છે કે પૃથ્વીની સમતુલા તેના ખડકોના ઘટત્વ પરથી નક્કી થાય છે. ખંડો, પર્વતો, ઉચ્ચ-સપાટ પ્રદેશો જેવાં હલકાં દ્રવ્યો ઉપર તરફ રહે છે, જ્યારે મહાસાગરતળ જેવાં થાળાંનું ભારે દ્રવ્ય નીચે તરફ દબાય છે. 1892માં ‘On Some of the Greater Problems of Physical Geology’ નામક લેખમાં તેમણે સમતુલાનો સિદ્ધાંત સમજાવેલો છે.
ગ્રાન્ડ કૅન્યન પરનો તેમનો અહેવાલ (1882) યુ. એસ. સર્વેક્ષણ ખાતાનો પ્રથમ અધ્યયનલેખ હતો, જેમાં તેમણે પોવેલ અને ગિલ્બર્ટની જેમ ઘસારાનાં પરિબળોના ફાળા પર ભાર મૂકેલો છે. સમવાયી સર્વેક્ષણો માટે તેમણે જલશાસ્ત્ર (hydrology) પર પણ માર્ગદર્શન આપેલું છે.
ગિરીશભાઈ પંડ્યા