ડંગવાલ, વીરેન [જ. 5 ઑગસ્ટ, 1947, ટેહરી-ગઢવાલ(હવે ઉત્તરાંચલ)નું કીર્તિનગર] : હિંદી કવિ અને અનુવાદક. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘દુષ્ચક્ર મેં સ્રષ્ટા’ બદલ 2004ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે હિંદીમાં એમ.એ. અને ડી.ફિલ.ની ડિગ્રી પ્રાપ્ત કરેલી. તેઓ અંગ્રેજીની જાણકારી ધરાવે છે. 1971માં બરેલી કૉલેજમાં અધ્યાપક હતા.
1968–69થી તેમનાં કાવ્યો અને વાર્તાઓ મુખ્ય સાહિત્યિક સામયિકોમાં પ્રકાશિત થતાં હતાં. તેમણે 2 કાવ્યસંગ્રહો આપ્યા છે. ‘ઈસ દુનિયા મેં’ અને ‘દુષ્ચક્ર મેં સ્રષ્ટા’. તેમણે નાઝિમ હિકમતનાં કાવ્યો અનૂદિત કર્યાં છે. તેમને રઘુવીર સહાય સન્માન, શ્રીકાંત વર્મા પુરસ્કાર તથા સમશેર સન્માનથી વિભૂષિત કરવામાં આવ્યા છે.
તેમની પુરસ્કૃત કૃતિ ‘દુષ્ચક્ર મેં સ્રષ્ટા’ 114 કાવ્યોનો સંગ્રહ છે. તેમાં કવિએ વર્તમાન સમયની વિટંબણાઓ અને વિવિધ વિસંગતતાઓની કાવ્યાત્મક ગૂંથણી કરી છે. સ્થાનિક સંબંધોથી માંડીને વિશ્વફલક પર પ્રસરેલી વિષમતાઓ પ્રત્યે કવિએ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમાં માનવદ્રોહી ષડ્યંત્રો રેખાંકિત કરીને તેના પરના પ્રહારોની સાર્થકતા અને સૂક્ષ્મ ચિત્રો રજૂ કરવાની તેમની ક્ષમતાને કારણે આ કૃતિ હિંદીમાં લખાયેલ ભારતીય કવિતાનું ચોક્કસપણે મુખ્ય પ્રદાન રહ્યું છે.
બળદેવભાઈ કનીજિયા