ઠાકોર, બળવંતરાય પ્રમોદરાય (જ. 21 ઑગસ્ટ 1878, અમદાવાદ; અ. 21 જાન્યુઆરી 1939) : રાષ્ટ્રપ્રેમી કેળવણીકાર અને સ્વાતંત્ર્યસેનાની. આર. સી. હાઈસ્કૂલમાં શિક્ષણ પ્રાપ્ત કરી ગુજરાત કૉલેજમાં જોડાયા અને બી.એ. થયા. ત્યારપછી શિક્ષણવિદ્યામાં એસ.ટી.સી. પદવી મેળવી. 1908માં સરકારી નોકરીમાં સ્વમાનભંગ થતાં તેનો ત્યાગ કર્યો અને પ્રોપ્રાયટરી હાઈસ્કૂલની સ્થાપના કરી. 1920માં સ્વાતંત્ર્યની લડતમાં જોડાયા અને પોતે સ્થાપેલી પ્રોપ્રાયટરી શાળાને ગૂજરાત વિદ્યાપીઠની સાથે જોડીને રાષ્ટ્રીય શાળા બનાવી.
1919થી 1930ના ગાળા દરમિયાન અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં સરદાર વલ્લભભાઈ પટેલની સાથે કામ કર્યું અને સ્કૂલબોર્ડના ચૅરમૅન તરીકે સરકાર સામે લડત આપી. 1930માં ગાંધીજીપ્રેરિત મીઠાના સત્યાગ્રહમાં ધરાસણામાં લડતની આગેવાની લીધી અને છ માસનો કારાવાસ વેઠ્યો. 1932ની સત્યાગ્રહની લડતમાં પણ ભાગ લઈ નાસિકમાં એક વર્ષની જેલની સજા ભોગવી.
1930માં પ્રોપ્રાયટરી શાળાને ખાનગી સંસ્થામાંથી જાહેર ટ્રસ્ટમાં ફેરવી નાખી. શિક્ષણક્ષેત્રે તેમનું યોગદાન મહત્વનું ગણાય છે. 1933માં મુંબઈ વિશ્વવિદ્યાલયમાં સેનેટર તરીકે ચૂંટાયા. અમદાવાદ એજ્યુકેશન સોસાયટીની સ્થાપનામાં તેમનો ફાળો મહત્વનો હતો.
1937માં અમદાવાદમાંથી મુંબઈ ધારાસભામાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા. પત્રકારત્વક્ષેત્રે ‘પ્રજાબંધુ’ સાપ્તાહિક અને ‘ગુજરાત સમાચાર’ દૈનિકપત્ર શરૂ કર્યાં, જેના વિકાસમાં તેમનો ફાળો અમૂલ્ય છે. અમદાવાદના સંસ્કારઘડતરમાં ગાંધીયુગના એક અગ્રણી નાગરિક તરીકે તેમનો હિસ્સો નોંધપાત્ર છે.
પંકજ દેસાઈ