ઠાકોર, પિનાકિન (જ. 24 ઑક્ટોબર 1916, મ્યોમ્યાં; અ. 26 નવેમ્બર 1995, અમદાવાદ) : ગુજરાતી કવિ. વતન અમદાવાદ. માધ્યમિક શિક્ષણ વડોદરામાં લઈ 1934માં મૅટ્રિક થયા અને ત્યાંની કૉલેજમાં એક વર્ષ અભ્યાસ કરી પુણેમાંથી 1938માં કૃષિવિજ્ઞાનના વિષય સાથે બી.એસસી. થયા. 1940માં મ્યોમ્યાંમાં સોના-ઝવેરાતનો વેપાર શરૂ કર્યો. 1941થી અમદાવાદમાં ઝવેરાતની દુકાન નાખી સ્થિર થયા. 1942ની લડતમાં તથા અમદાવાદની સેવાદળ તથા નટમંડળ સંસ્થાઓમાં પણ સક્રિય રહ્યા હતા. 1956થી 1977માં નિવૃત્ત થયા ત્યાં સુધી આકાશવાણી, અમદાવાદના નાટ્યવિભાગમાં નિર્માતા તરીકે સંકળાયેલા રહ્યા હતા. આ દરમિયાન તેઓ ગૂજરાત વિદ્યાપીઠમાં ખેતીવાડીનું અધ્યાપન પણ કરાવતા હતા. એમણે નૃત્યની પણ તાલીમ લીધેલી. કવિતા અને નાટક એમના રસના પ્રમુખ વિષયો રહ્યા હતા.
વડોદરામાં કૉલેજકાળ દરમિયાન રાજેન્દ્ર શાહની મૈત્રી અને અમદાવાદમાં સ્થિર થયા પછી ‘કુમાર’નો પરિચય હતો. ‘બુધસભા’એ એમના કવિ તરીકેના ઘડતરમાં મહત્વનો ફાળો આપ્યો છે. એમનાં કાવ્યોમાં તત્કાલીન સૌન્દર્યાભિમુખતાનો પ્રકટ ઝોક ઝિલાયો છે. સૉનેટ, ગીત, મુક્તક અને છાંદસ દીર્ઘકાવ્યોમાં પ્રેમ, પ્રકૃતિ અને પ્રભુ એમના મુખ્ય કવનવિષયો રહ્યા છે. ગીતોમાં એમનું બાનીમાધુર્ય અને લયપ્રભુત્વ આહલાદક છે. દેશપ્રેમ અને અધ્યાત્મ પણ એમનાં કાવ્યોમાં ડોકાય છે. સાતમા–આઠમા દાયકાના નૂતન કવિતાપ્રવાહ સાથે રહી એમણે કેટલાંક ગદ્યકાવ્યો પણ આપ્યાં છે. એમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘આલાપ’ 1952માં પ્રકટ થયો હતો. ત્યારપછી ‘રાગિણી’ (1966), ‘ઝાંખી અને પડછાયા’ (1971) તથા ‘એક જ પલક અજંપ’ (1988) કાવ્યસંગ્રહો પ્રકટ થયા. ‘ફોરાં અને ફૂલ’ (1975) એમનાં બાળકાવ્યોનો સંગ્રહ છે તો ‘ઝાંઝર ઝલ્લક’(1987)માં 6 અને ‘મહેનતનો રોટલો મજાનો’માં બાળકો માટેની 2 નૃત્યનાટિકાઓ સંગૃહીત થઈ છે. ‘ભીના શબ્દો’ (1982) એમનાં મુક્તકોનો અને ‘આશિષ-મંગલ’ (1982) મંગલાષ્ટકોનો સંગ્રહ છે. ‘રાગિણી’માં આછા કથાતંતુની આસપાસ ગૂંથાયેલ 16 નૃત્યનાટિકાઓ છે. ‘શ્રી લકુલીશ-સ્મરણયાત્રા’ (1972) લકુલીશને કેન્દ્રમાં રાખતી ભક્તિપ્રધાન નૃત્યનાટિકા છે.
એમની કવિતામાં લાગણીની ભીનાશ સાથે હળવું ચિંતન અને ક્યારેક વ્યંગ પણ જોવા મળે છે. પરંપરાગત શૈલી સાથે એમણે પ્રયોગાત્મક આધુનિક શૈલીનાં કાવ્યો પણ રચ્યાં છે.
ધીરુ પરીખ