ઠાકોર, ઇલાક્ષી (જ. 12 એપ્રિલ 1936, પુણે) : ભરતનાટ્યમનાં વિખ્યાત નૃત્યાંગના. પિતા ઠાકોરદાસ જયકિસનદાસ. તેઓ નામાંકિત હસ્તાક્ષરનિષ્ણાત હતા. તેમની તથા બહેન જયબાળાની પ્રેરણાથી તેમણે શાસ્ત્રીય નૃત્યક્ષેત્રમાં નાની ઉંમરે પદાર્પણ કર્યું. માતાનું નામ ધનલક્ષ્મી. તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પુણે ખાતે થયું હતું. કથક નૃત્યની પ્રારંભિક તાલીમ તેમણે 6–7 વર્ષ સુધી પુણેનાં વિખ્યાત નૃત્યાંગના રોહિણી ભાટે પાસેથી મેળવ્યા બાદ 1953માં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ભારતીય સંગીત-નૃત્ય-નાટ્ય મહાવિદ્યાલયમાં ભરત-નાટ્યમની તાલીમનો પ્રારંભ કર્યો. ત્યાં તેમણે કુબેરનાથ તાંજોરકર, ઉમાદેવી મેનન અને મોહન ખખ્ખર જેવાં અગ્રણી શિક્ષકો પાસેથી નૃત્યની શિક્ષા પ્રાપ્ત કરી અને લગ્ન પછી બે વર્ષે 1960માં માસ્ટર ઑવ્ મ્યુઝિકની પદવી પ્રાપ્ત કરી. તેમનો નૃત્યનો પ્રથમ જાહેર કાર્યક્રમ 1960માં અમદાવાદમાં પ્રસ્તુત થયો હતો. 1960માં જ તેમણે અમદાવાદમાં નૃત્યભારતી અકાદમી ઑવ્ ડાન્સ સ્થાપી. ત્યારથી અત્યાર સુધી(2014)માં તેમણે તૈયાર કરેલાં તાલીમાર્થીઓમાંથી આશરે 800 જેટલાંએ તેમના માર્ગદર્શન હેઠળ આરંગેત્રમ્ સંપન્ન કર્યું છે. ભરતનાટ્યમ્ ઉપરાંત ગુજરાતનાં ગરબા વગેરે લોકનૃત્યો, આદિવાસી નૃત્યો, નૃત્યનિયોજન અને નૃત્ય દિગ્દર્શન જેવાં ક્ષેત્રોમાં લેખો, જાહેર વ્યાખ્યાનો, વાયુવાર્તાલાપો, કાર્યશિબિરો કે કાર્યશાળાઓ દ્વારા તેમનું નૃત્યવિષયક સંશોધન અને અધ્યાપન ચાલુ રહ્યું છે. 1975માં તેમણે અમદાવાદ ખાતે નૃત્યભારતી પરફૉર્મિંગ આર્ટ્સ નામની સંસ્થાની સ્થાપના કરી અને તે દ્વારા અમદાવાદના નૃત્યરસિકો માટે ભારતની વિવિધ અગ્રણી નૃત્યશૈલીઓના આસ્વાદની સુવિધા કરી આપી છે. 1979માં તેમણે આરંગેત્રમ્ પછીનો બે વર્ષનો ઉચ્ચતર અભ્યાસક્રમ પ્રયોજી ભરતનાટ્યમ્ માર્ગમ્ ગુજરાતીમાં રજૂ કરવાનું વિચાર્યું અને 1980માં તેની રંગમંચ પર રજૂઆત કરવાની પ્રશસ્ય પહેલ કરી, જે ખૂબ સફળ અને લોકપ્રિય સાબિત થઈ છે.
1975–95ના બે દાયકા દરમિયાન તેઓ ગુજરાત સંગીત-નૃત્ય-નાટક અકાદમીની કારોબારીના સભ્યપદે રહ્યાં હતાં.
શાસ્ત્રીય નૃત્યનાં વિવિધ પાસાંઓ પર તેમણે લખેલા લેખો અને સંશોધનપત્રો (research papers) ગુજરાતના અગ્રણી સામયિકોમાં પ્રકાશિત થતા રહેલા.
અમેરિકાના પેન્સિલ્વેનિયા રાજ્યના સ્ટ્રૉબર્સ નગરમાં પ્રતિવર્ષ આયોજિત કરવામાં આવતા હિંદુ હેરિટેજ સમર કૅમ્પના નૃત્યવિભાગમાં તેમણે 1984–90ના ગાળા દરમિયાન પ્રશિક્ષક તરીકે સેવાઓ આપી હતી. વળી, પૂર્વ આફ્રિકા, શ્રીલંકા અને અમેરિકાનાં વિવિધ નગરોમાં તેમણે ઉચ્ચ કક્ષાની કાર્યશાળાઓનું આયોજન કર્યું હતું.
શાસ્ત્રીય નૃત્યના ક્ષેત્રે તેમની પ્રદીર્ઘ સેવાઓની કદર કરવા માટે વડોદરાની જાણીતી ‘ત્રિવેણી’ સાંસ્કૃતિક સંસ્થાએ 1979માં તેમનું જાહેર સન્માન કર્યું હતું. 1981માં તેમને ગુજરાત રાજ્યનો ગૌરવ-પુરસ્કાર, 1982માં મુંબઈની અમૃતા સંસ્થા દ્વારા સર્જનાત્મક કાર્ય માટેનો ઍવૉર્ડ તથા 1999માં ટેનેસી, અમેરિકા દ્વારા પોટલુરી ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.
હાલ (2014) તેમના પુત્ર કબીર ઠાકોર તેમણે સ્થાપેલ સંસ્થાનું સંચાલન કરે છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે