ઠાકરે, ઉદ્ધવ (જ. 27 જુલાઈ 1960, મુંબઈ) : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી, શિવસેનાના પ્રમુખ, ‘સામના’ના પૂર્વતંત્રી.
મહારાષ્ટ્રમાં મરાઠાવાદના પ્રણેતા બાળ ઠાકરે અને મીના ઠાકરેના ઘરે 1960માં ઉદ્ધવનો જન્મ થયો હતો. બાળ ઠાકરે કાર્ટૂનિસ્ટમાંથી રાજકારણમાં પ્રવેશ્યા હતા. ઉદ્ધવ ઠાકરે પણ ફોટોગ્રાફર હતા. તેઓ સર જે. જે. ઇન્સ્ટિટ્યૂટ ઑફ અપ્લાઇડ આર્ટમાંથી ફોટોગ્રાફીમાં સ્નાતક થયા હતા. 40-41 વર્ષની ઉંમરે ઉદ્ધવ સક્રિય રાજકારણમાં આવ્યા હતા. 2002માં ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાના ચૂંટણી ઇનચાર્જની જવાબદારી નિભાવી હતી. 2006માં તેમને શિવસેનાના મુખપત્ર અને મરાઠી ભાષાના દૈનિક અખબાર ‘સામના’ના મુખ્યતંત્રી બનાવાયા હતા. તેઓ 2003થી 2013 સુધી શિવસેનાના કાર્યકારી પ્રમુખ હતા. બાળસાહેબ ઠાકરેના અવસાન પછી ઉદ્ધવ ઠાકરે 2013માં શિવસેના પ્રમુખ બન્યા હતા.
શિવસેનામાં બાળસાહેબ ઠાકરેના ભત્રીજા રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે વચ્ચેનો વિવાદ બહુ જાણીતો છે. રાજ ઠાકરેને શિવસૈનિકો એક તબક્કે બાળસાહેબ ઠાકરેના રાજકીય ઉત્તરાધિકારી માનતા હતા. ઉદ્ધવની સક્રિયતા પછી બંને વચ્ચે ટકરાવ થતો હતો. 2006માં રાજ ઠાકરેએ શિવસેના છોડીને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના નામના નવા રાજકીય પક્ષની રચના કરી હતી. ઉદ્ધવ ઠાકરે 2013માં શિવસેનાના પ્રમુખ બન્યા તે પછી 2014માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપના નેતૃત્વમાં એનડીએને ઐતિહાસિક સફળતા મળી. શિવસેનાને 18 બેઠકોમાં વિજય મળ્યો હતો. નરેન્દ્ર મોદીની સરકારમાં શિવસેનાના સાંસદોનો કેન્દ્રીય મંત્રાલયમાં સમાવેશ થયો.
2019માં મહારાષ્ટ્રમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં શિવસેનાને 56 બેઠકો મળી હતી. ભાજપની સ્થાનિક નેતાગીરી સાથે મતભેદો થતાં શિવસેનાએ 2019માં એનડીએ ગઠબંધનથી અલગ થઈને કૉંગ્રેસ-રાષ્ટ્રવાદી કૉંગ્રેસ સાથે મળીને ‘મહા વિકાસ અઘાડી’ નામનું નવું ગઠબંધન બનાવ્યું. મહારાષ્ટ્રમાં એ ગઠબંધને 2019માં સરકાર બનાવી અને ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બન્યા. ઉદ્ધવ ઠાકરે મહા વિકાસ અઘાડી ગઠબંધનના પ્રમુખ પણ છે. ઠાકરે પરિવારની પરંપરા હતી કે સત્તામાં કોઈ પદ સંભાળવું નહીં, પરંતુ ઉદ્ધવ ઠાકરેએ બદલાતા સમયને પારખીને એ પરંપરા તોડી. ઉદ્ધવ ઠાકરે ઉપરાંત તેમના પુત્ર આદિત્ય ઠાકરે પણ મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી છે. અગાઉ મહારાષ્ટ્રમાં શિવસેના-ભાજપના ગઠબંધનની બે વખત સરકાર બની હતી, એ વખતે પણ ઉદ્ધવ ઠાકરે કે એ સિવાયના પરિવારના કોઈ સભ્યએ સરકારમાં એક પણ પદ સ્વીકાર્યું ન હતું. ઉદ્ધવ ઠાકરે તે પહેલાં ક્યારેય કોઈ ચૂંટણી લડ્યા ન હતા.
ઉદ્ધવ ઠાકરેએ બિઝનેસમૅન માધવ પાટંકરની પુત્રી રશ્મિ સાથે 1989માં લગ્ન કર્યાં હતાં. રશ્મિ ઠાકરે શિવસેનાનાં મુખપત્ર ‘સામના’ અને સાપ્તાહિક સામયિક ‘માર્મિક’ના તંત્રી છે. તેમનો મોટો પુત્ર આદિત્ય મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી ઉપરાંત શિવસેનાની યુવા પાંખનો પ્રમુખ છે. બીજો પુત્ર તેજસ ઠાકરે વન્ય જીવનનો સંશોધક છે. રાજનેતા બન્યા તે પહેલાં ઉદ્ધવ ઠાકરે એક ઉમદા ફોટોગ્રાફર રહી ચૂક્યા છે. ધાર્મિક-સાંસ્કૃતિક અને વન્ય જીવનની તસવીર કલામાં તેમને ઊંડી રુચિ છે. તેમની તસવીરોનાં મહારાષ્ટ્રમાં ઘણાં પ્રદર્શનો યોજાઈ ચૂક્યાં છે. 2010માં ‘મહારાષ્ટ્રદેશ’ નામની પ્રથમ ફોટો-બુક પ્રસિદ્ધ થઈ હતી. 2011માં ફોટોગ્રાફીનું બીજું પુસ્તક ‘પહાવા વિઠ્ઠલ’ પ્રસિદ્ધ થયું હતું.
હર્ષ મેસવાણિયા