ઠાકરશી, પ્રેમલીલા (લેડી) (જ. 1894; અ. 1977) : તન-મન અને ધનથી મહિલા-કેળવણી જેવાં સમાજસેવાનાં ક્ષેત્રોમાં મોટું પ્રદાન કરનાર જાજરમાન મહિલા. કાપડ-ઉદ્યોગપતિ વિઠ્ઠલદાસ દામોદરદાસ ઠાકરશીનાં પત્ની. પતિ વિઠ્ઠલદાસ મુંબઈમાં ચાર કાપડમિલોના માલિક હતા. વેપારઉદ્યોગના ક્ષેત્રે તેમની ભારે પ્રતિષ્ઠા હતી; એટલું જ નહિ, મુંબઈ વિધાન પરિષદના સભાસદ રૂપે રાજકાજ તથા સાર્વજનિક ક્ષેત્રોમાં સક્રિય હતા. ધોંડો કેશવ કર્વે મહિલાશિક્ષણક્ષેત્રે વ્યાપક કાર્ય કરી રહ્યા હતા. પુણેમાં તેમણે મહિલાઓ માટે આરંભેલી યુનિવર્સિટી માટે વિઠ્ઠલદાસે તે સમયનું સૌથી મોટું રૂ. 15 લાખનું દાન આપ્યું. ત્યારથી સંસ્થા શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરશી મહિલા યુનિવર્સિટી કહેવાઈ. નાથીબાઈ એટલે વિઠ્ઠલદાસનાં માતા. પતિની આ ઉમદા સેવાવૃત્તિ પ્રેમલીલાબહેનને પણ ચેપી રોગની જેમ વળગી ! યરવડા ટેકરી પર વિઠ્ઠલદાસે મહેલ જેવું સુંદર નિવાસસ્થાન બંધાવેલું. પ્રેમલીલાબહેને તેને નિવાસી શાળામાં ફેરવી નાંખ્યું. તેમની અંગત દેખરેખ હેઠળ શાળાએ પ્રગતિ કરી.
વિઠ્ઠલદાસને પરણ્યાં ત્યારે પ્રેમલીલાબહેન શાળાશિક્ષણના સ્તરે જ હતાં; પરંતુ તેઓ એવા પુરુષને પરણ્યાં હતાં, જેને દેશની પ્રગતિ માટે મહિલા-કેળવણીની આવશ્યકતામાં ઊંડી શ્રદ્ધા હતી. પતિના સંસ્કારે તેમનું એક શિક્ષિત, અર્વાચીન મહિલામાં રૂપાંતર કર્યું. તેમણે બીજાંની પ્રતિભાનું સન્માન કરવા સાથે પોતાની આગવી પ્રતિભા વિકસાવી. સાચા અર્થમાં તેઓ પતિનાં સહધર્મચારિણી બની રહ્યાં.
પ્રેમલીલાબહેન 31 વર્ષનાં જ હતાં, ત્યાં 1922માં વિઠ્ઠલદાસનું અવસાન થયું. મનની વિશાળતા, ર્દષ્ટિબિંદુની ઉદારતા, કંઈક આપી છૂટવાની ભાવના, વ્યવહારમાં ધર્મનું આચરણ – આ બધાંના કારણે એકલાં પડવા છતાં તેઓ ભર્યું ભર્યું જીવન જીવતાં રહ્યાં. ઠાકરશી પરિવારની ઊજળી પરંપરા અને પ્રતિષ્ઠા વિશે તેઓ સભાન રહ્યાં. ગાંધીજી પ્રત્યે તેમણે ઊંડો આદરભાવ સેવ્યો. અસ્પૃશ્યતાનિવારણ અર્થે ગાંધીજીએ 21 ઉપવાસ કર્યા ત્યારે તેમને પોતાને બંગલે રાખી, વ્રત પાર પાડવામાં બધી રીતે સગવડ પૂરી પાડીને તેમની ઉત્તમ સેવા કરી.
કસ્તૂરબા ગાંધી રાષ્ટ્રીય સ્મારક ન્યાસની 1952માં રચના થઈ, તેનાં તેઓ અધ્યક્ષ વરાયાં. 20 વર્ષ સુધી આ પદે રહી તેમણે અનુકરણીય સેવાવ્રત નિભાવ્યું.
1972માં શોભનાબહેન રાનડેએ વિનોબાજીના જન્મસ્થળ ગાગોંદે ગામે એક સેવાસંસ્થા ઊભી કરવા કસ્તૂરબા ન્યાસ પાસે સહાય માગી. નાણાભીડના કારણે ન્યાસે તેમની માગણી સ્વીકારવામાં અશક્તિ દર્શાવી. છેવટે પ્રેમલીલાબહેનના સૂચનથી શોભનાબહેનની માગણી સ્વીકૃતિ પામી. પ્રેમલીલાબહેને વ્યક્તિગત રૂપે અનેક બાલાશ્રમોને સહાય કરી. બાળકોને શુદ્ધ પોષક દૂધ મળે તે માટે તેમણે જર્સી ગાય પણ આપી. સહાયની આશામાં સેવાવ્રતધારી કાર્યકરો અવારનવાર ઠાકરશી કુટુંબના નિવાસ ‘પર્ણકુટિ’ના અતિથિ બનતા. તેમનું હૂંફાળું સ્વાગત થતું. તેમની આકાંક્ષાઓ પૂર્ણ કરાતી.
83 વર્ષની વયે તેમણે જીવનલીલા સંકેલી. તેમની જીવનરીતિ એવી હતી કે દારિદ્રયમાંથી મુક્તિ અને પવિત્રતાનો સંદેશો તે દ્વારા સૌને મળતો હતો.
બંસીધર શુક્લ