ઠક્કર, અનુબહેન (જ. 6 સપ્ટેમ્બર 1944, અંજાર, કચ્છ; અ. 18 ડિસેમ્બર 2001, ? વલસાડ જિલ્લો) : સેવાની ધખના ધરાવતી અને જીવતરનો ઊજળો હિસાબ દેનારી એકલપંડ મહિલા-સમાજસેવિકા. પિતા ગોવિંદજી અને માતા ભગવતી – બંને ધાર્મિક વૃત્તિ ધરાવતાં હતાં અને સેવાપરાયણ રહેવા ઉત્સુક રહેતાં હતાં. કસ્ટમ-અધિકારી પિતાની બદલી સાણંદ ખાતે થતાં, મોસાળના આ ગામમાં અનુબહેનનું પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ ચાલ્યું. વર્નાક્યુલર ફાઇનલની પરીક્ષા પાસ કરી શિક્ષિકા બનવાના આશયથી નઈ તાલીમમાં જોડાયાં અને તેની પરીક્ષા પણ પાસ કરી.
સાણંદ ખાતે શિક્ષણકર્મ દરમિયાન વિવિધ જીવનચરિત્રોનું પઠન કરી, કશુંક કરી બતાવવાનાં ખ્વાબ સર્જતાં ગયાં. વિવેકાનંદનું સાહિત્ય વારંવાર વાંચવાનું બનતું, જેણે મનમાં રોપાયેલા સેવાના સંસ્કારોને ર્દઢ કર્યા. શાળામાં શિક્ષિકા બની તેમણે અન્યના જીવનઘડતરથી પોતાના સેવાકાર્યની શરૂઆત કરી. વિવેકાનંદ સાથે ગાંધીવિચારોનું પણ વાચન કર્યું. સાણંદમાં મુનિશ્રી સંતબાલજીના સંપર્કને કારણે સેવાનો મંત્ર ઘૂંટાવા લાગ્યો. બાલશિક્ષણ અને સેવામંત્રનો સમન્વય થતાં મનમાં ધરબાયેલા બીજના અંકુરો ફૂટવા લાગ્યા. રવિશંકર મહારાજના વિવિધ પ્રસંગોનું વાચન, શ્રવણ અને મનન ચાલતું હતું એથી સેવા સાથે સાદગી અને પરિશ્રમની વાત અંતરમાં ઊંડાં મૂળ નાંખતી ગઈ. મુનિશ્રી સંતબાલજીની સેવાસંસ્થા સાથેનો પ્રત્યક્ષ નાતો ઘેરો બનતો ગયો. આ અરસામાં વેડછી આશ્રમની મુલાકાત લેતાં મનમાં ધરબાયેલો સેવાનો વિચાર પ્રબળ બનવા લાગ્યો. ‘વેડછીના વડલા’ જુગતરામભાઈ દવે અને અન્ય ગાંધીવાદી નેતાઓનાં કાર્યોથી તેઓ પ્રભાવિત થયાં હતાં, તેમાં કરુણાર્દષ્ટિ ભળી.
આ અનુભવો અને વાચન સાથે અનાથ બાળકો માટે કામ કરવાનો પ્રાથમિક નિર્ધાર લેવાયો અને જાણે બત્રીસે કોઠે દીવા પ્રગટ્યા ! આ વિચારને સાકાર કરવા 1978ના વર્ષમાં મુનિ શ્રી સંતબાલજીના આશીર્વાદ લઈ તેમણે સેવાના નવા પંથે પ્રયાણ આદર્યું.
વડોદરા નજીક મુનિશ્રીએ સૂચિત ગામોની મુલાકાત લીધી અને ગોરજ ગામે આંખ ઠરી. ગામની એક-બે મહિલાઓ અને અધિકારીઓ સાથે વિચારવિમર્શ કરી સીમમાં વૃક્ષ નીચે નાનકડું ઘાસિયું હાટ બનાવી અંધારાં ઉલેચવાના સેવાકાર્યની નાની-શી શરૂઆત આ એકલપંડ મહિલાએ કરી. ન કોઈ નાણાં, ન કોઈ અનુયાયી. ‘એકલો જાને રે’ની રઢ અને સેવાની પ્રેમાળ મૂડીથી તેમના કામનો પ્રારંભ થયો. ગોરજ ગામનો ઉજ્જડ વગડો જીવંત બની ધબકવા લાગ્યો. માત્ર માનવતાથી પ્રેરાઈ શરૂ થયેલા આ કામને પ્રારંભે ગામલોકોનો અને પછીથી અધિકારીઓનો સાથસહકાર સાંપડતાં સેવાનું બીજ પાંગરવા લાગ્યું. બાળકોને શિક્ષણ, અપંગોની સેવા, ભૂખ્યાંને અન્ન અને માંદાંઓની દવા એમ કામનો વ્યાપ વિસ્તરતો ગયો. સમાજસેવાના અભિલાષીઓએ ફૂલ નહિ તો ફૂલની પાંદડી રૂપે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે આ કાર્યોમાં સહકાર આપ્યો. માનવમાં સાક્ષાત્ ઈશ્વરને અનુભવનાર અનુબહેને પરિવાર મંદિરના ચણતર સાથે પહેલું નક્કર સોપાન માંડ્યું. પછી ગૌશાળા, ઘોડિયાઘર, વાનપ્રસ્થ આશ્રમ, હાઈસ્કૂલ અને હૉસ્ટેલ – એમ નવાં નવાં સોપાનો મંડાયાં. શ્રમમંદિર, ભગિનીમંદિર, આરોગ્યમંદિર – એમ વ્યાપ વધતો રહ્યો. બાકી હતું તે 1998માં કૅન્સર-હૉસ્પિટલનો પણ આરંભ થયો. તે સાથે સીવણકામ, ખેતીકામ, પશુપાલન, ગૉબરગૅસ-પ્લાન્ટ, લોટ દળવાની ઘંટી, સૂર્યની ઊર્જાશક્તિથી કાર્યરત કૅન્ટીન – એમ અનેક કાર્યોનું ફલક વિસ્તર્યું. માવજત, મરામત, બાંધકામ સતત ચાલ્યાં જ કરે, છતાં સરસ મઝાનો બગીચો પણ ખીલતો રહે. સત્સંગ, વાચન અને મનનની પ્રવૃત્તિઓ સાથે મંદિરની શુદ્ધતા અને શુચિતા બંને જળવાય, એમ ‘ગોરજ મુનિઆશ્રમ’ એક રઢિયાળી વસાહતમાં રૂપાંતર પામતો ગયો. લોકોપયોગી પ્રવૃત્તિઓ સાથે સ્વાવલંબનનો સુમેળ સધાયો. આ તમામ પ્રવૃત્તિ છતાં અનુબહેન પ્રત્યેક આશ્રમવાસીના લાગણીતંત્રને સતત પાટાપિંડી કરતાં રહી હૂંફ પૂરી પાડે. શિક્ષકની શિસ્ત, સ્વજનની કાળજી અને માતૃપ્રેમની ઉષ્મા સાથે અનુબહેન આશ્રમની વાત્સલ્યમૂર્તિ બની રહ્યાં.
તેમની આ નિ:સ્વાર્થ સેવાની કદર રૂપે 1994નો અશોક ગોંધિયા ઍવૉર્ડ તેમને અર્પણ કરાયો. આમ છતાં સૌથી મહત્વની વાત તો એ હતી કે ડૉ. વિક્રમ પટેલ સહિત તેમણે સેવાને વરેલા કાર્યકરોની એક આખી ટીમ ઊભી કરી જે તેમની ગેરહાજરીમાં પણ પૂરી ચોકસાઈથી તેમનાં કાર્યોને આગળ ધપાવે છે. આમ અનુબહેન સેવાનું અનન્ય ર્દષ્ટાંત બની રહ્યાં.
રક્ષા મ. વ્યાસ