ટ્વેન, માર્ક (જ. 30 નવેમ્બર 1835, મિઝુરી, ફ્લૉરિડા; અ. 21 એપ્રિલ 1910, કનેક્ટિકટ, યુ.એસ.) : અમેરિકન લેખક. મૂળ નામ સૅમ્યુઅલ લૅંગહૉર્ન ક્લૅમન્સ. ‘માર્ક ટ્વેન’ એટલે વહાણવટાની પરિભાષામાં પાણીની સહીસલામત સપાટી દર્શાવતો ઉદગાર. તખલ્લુસ તરીકે તેમણે એનો પહેલવહેલો ઉપયોગ 1863માં કર્યો. 1865માં એમની ટૂંકી વાર્તા ‘ધ જમ્પિંગ ફ્રૉગ’ને મળેલી પ્રસિદ્ધિ પછી આ તખલ્લુસ જ તેમનું નામ બની રહ્યું.
મિસિસિપી નદીને કાંઠે હૅનિબાલમાં બાળપણ વીત્યું. 12 વર્ષની ઉંમરે મુદ્રણકળા શીખી હૅનિબાલમાં અને પછી ન્યૂયૉર્ક, ફિલાડેલ્ફિયા અને વૉશિંગ્ટનના વિસ્તારમાં મુદ્રક તરીકે કામ કર્યું. નદી માટે બાળપણથી જ પ્રબળ આકર્ષણ હતું. મિસિસિપી નદીના એક નિપુણ નૌકાચાલક તરીકે નામ કાઢ્યું. આત્મકથાનકરૂપ કૃતિ ‘લાઇફ ઑન ધ મિસિસિપી’માં નદી માટેના પ્રેમ અને તેને લગતા અનુભવોનું જીવંત નિરૂપણ છે. પશ્ચિમ કિનારાના પ્રદેશોમાં ચાંદીની ખાણો શોધવામાં કેટલોક સમય વેડફ્યા પછી તેઓ ખબરપત્રી બન્યા અને 1867માં ફ્રાન્સ, ઇટાલી તથા પૅલેસ્ટાઇનનો પ્રવાસ ખેડી એકત્રિત કરેલી સામગ્રીના આધારે 1869માં ‘ધ ઇનસન્ટ્સ અબ્રૉડ’ પ્રગટ કર્યું અને તેના પ્રકાશન પછી લેખક તરીકે અને ત્યારબાદ સફળ વક્તા તરીકે નામના પામ્યા.
‘ધ ઇનસન્ટ્સ અબ્રૉડ’ તેમજ તેમની અન્ય કૃતિઓની સફળતામાં તેમની વિનોદવૃત્તિનો મોટો ફાળો છે. આ વિનોદનાં મૂળ છે અમેરિકન વસાહતીઓની ચાલી આવતી ટોળટપ્પાંની પરંપરામાં. પશ્ચિમના સીમાડા ખૂંદતાં ટ્વેનને આ પરંપરાનો પ્રત્યક્ષ અનુભવ થયેલો. એમાં અહોભાવરહિત અભિગમ અને લાક્ષણિક શૈલી ભળતાં વિશિષ્ટ પ્રકારનો વિનોદ સર્જાય છે. ટ્વેનની ભાગ્યે જ એવી કોઈ કૃતિ હશે જેમાં એમની વિનોદવૃત્તિ ન દેખાતી હોય. ‘ધ ઇનસન્ટ્સ અબ્રૉડ’, ‘રફિંગ ઇટ’ (1872), ‘અ કનેક્ટિકટ યૅન્કી ઍટ કિંગ આર્થર્સ કોર્ટ’ (1889) આ ર્દષ્ટિએ નોંધપાત્ર છે, પરંતુ અંશત: ‘પુડ્નહેડ વિલ્સન’(1894)માં અને મરણોત્તર પ્રકાશિત થયેલી ‘ધ મિસ્ટીરિયસ સ્ટ્રેન્જર’માં મહદ્અંશે કટુતા પ્રવેશી છે.
ટ્વેનની સૌથી પ્રખ્યાત કૃતિઓ ‘ધ ઍડ્વેન્ચર્સ ઑવ્ ટૉમ સૉયર’ (1876) અને ‘ધ ઍડ્વેન્ચર્સ ઑવ્ હકલબરી ફિન’ (1885) કિશોરકથા છે. બંને હૅનિબાલના બાળપણના અનુભવો પર આધારિત છે અને વિશ્વસાહિત્યની શ્રેષ્ઠ રચનાઓમાં સ્થાન પામી ચૂકી છે. સંકલનની ર્દષ્ટિએ ‘ટૉમ સોયર’ કદાચ ચઢિયાતી લાગે, પણ કિશોરાવસ્થાની તરંગલીલાની સૃષ્ટિ અને એક પ્રકારનો ભયનો ઓથાર પણ એમાં છે. ‘હકલબરી ફિન’નું મુખ્ય વસ્તુ છે હક અને તેના ગુલામ હબસી દોસ્ત જિમની એક તરાપા પર મિસિસિપી નદી પરની સફર, એ બે કિશોરો વચ્ચેની ગાઢ મૈત્રી, સફર દરમિયાન થયેલા અનુભવો અને ‘ડ્યૂક’ અને ‘ડૉફે’ જેવી અસામાન્ય વ્યક્તિઓ – આ બધું એક હળવી, તાજગીપૂર્ણ શૈલીમાં વ્યક્ત થયું છે; તેમાં તળપદી લોકબોલીનું પ્રાધાન્ય છે. આ શૈલી અને નદી તથા નદીજીવનનું કાવ્યમય નિરૂપણ ટ્વેનની મોટી સિદ્ધિ છે.
ટ્વેનની અન્ય કૃતિઓ છે : ‘ધ અમેરિકન કલેનાટ (1891), ‘ટૉમ સૉયર અબ્રોડ’ (1894), ‘ટૉમ સૉયર ડિટેક્ટિવ’ (1896), ‘ધ પર્સનલ રૅકલેક્શન્સ ઑવ્ જોન ઑવ્ આર્ક’ (1896), ‘ફોલોઇંગ ધ ઇક્વેટર’ (1897), ‘ધ પ્રિન્સ ઍન્ડ ધ પૉપર’ (1881), ‘ધ મૅન ધૅટ કરપ્ટેડ હડિલબર્ગ ઍન્ડ અધર સ્ટોરીઝ’ (1899) અને જેમાં ચાર્લ્સ ડડ્લિ વૉર્નર સહલેખક હતા તે ‘ધ ગિલ્ડેડ એઇજ’ (1893).
જીવનનાં છેલ્લાં વીસેક વર્ષ ટ્વેનને માટે કપરાં રહ્યાં. ધંધામાં નુકસાન ગયું, સ્વાસ્થ્ય ધીરે ધીરે લથડતું ગયું. તેમની સૌથી વહાલી પુત્રી સર્ઝી 1896માં ગુજરી ગઈ, 1904માં પત્ની ઑલિવિયાનું અવસાન થયું અને 1909માં બીજી પુત્રી જીન મૃત્યુ પામી. ઇંગ્લૅંડની ઑક્સફર્ડ યુનિવર્સિટીએ ‘ડૉક્ટર ઑવ્ લેટર્સ’ની માનાર્હ ડિગ્રી વડે તેમનું સન્માન કર્યું. ઉત્તરાવસ્થામાં આવી પડેલી વ્યક્તિગત-કૌટુંબિક આપત્તિનો તેમના લખાણમાં પ્રભાવ પડ્યા વિના નથી રહ્યો; એથી જ એ પછીની કૃતિઓમાં વિષાદપૂર્ણ નિરાશા ઊભરાય છે અને એનું લાક્ષણિક ર્દષ્ટાંત છે તેમની આત્મકથા (1924).
રશ્મિકાન્ત મહેતા