ટ્રોપીયોલેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગનું એક પ્રજાતીય (monogeneric) કુળ. તે એકવર્ષાયુ કે બહુવર્ષાયુ, જમીન ઉપર પથરાતી કે વળવેલ રૂપે આરોહી, પાણી જેવો તીખો રસ ધરાવતી વનસ્પતિઓનું બનેલું છે. તેની પ્રજાતિ ટ્રોપીયોલમ દક્ષિણ અમેરિકાની મૂલનિવાસી છે અને લગભગ 50 જેટલી જાતિઓ ધરાવે છે. મુખ્યત્વે મધ્ય અને દ. અમેરિકામાં તથા સમશીતોષ્ણ કટિબંધમાં તે આકર્ષક પુષ્પો અને પર્ણો માટે  ઉછેરાય છે. ભારતમાં થતી તેની ત્રણ જાતિઓ શોભન વનસ્પતિ તરીકે કૂંડાં, ક્યારી અને છાબડીમાં ઉછેરવામાં આવે છે.

તે વનસ્પતિ ભૂમિગત સાકંદ (tuberous) મૂળ ધરાવે છે. પર્ણો સાદાં, ભાગ્યે જ પીંછાકાર, સંયુક્ત, અનુપપર્ણીય, સદંડી, પર્ણદંડ છત્રાકાર, પાતળો-લાંબો, જેનાથી વનસ્પતિ આરોહણ કરે છે. પુષ્પો અનિયમિત, એકાકી, કક્ષીય (ક્વચિત્ છત્રક સ્વરૂપે), દ્વિલિંગી, અધોજાયી, પંચાવયવી અને આકર્ષક હોય છે. વજ્રપત્રો પાંચ દ્વિઓષ્ઠીય, પૃષ્ઠ વજ્રપત્ર નલિકાકાર દલપુટ(spur)માં રૂપાંતરિત; દલપત્રો 5, મુક્ત નહોરદાર, અગ્ર ત્રણ, કદમાં મોટાં અને કિનારીઓ પ્રવર્ધમયુક્ત; જ્યારે પશ્ચ બે, કદમાં નાનાં અને અગ્ર દલપત્રોની સહેજ ઉપરની તરફ ગોઠવાયેલાં કોરછાદી (imbricate); પુંકેસરો 8, દ્વિચક્રીય, પરિજાયી, મુક્ત, કલિકા અવસ્થામાં અંતર્ભૂત, પરાગાશયો દ્વિખંડી, તેમનું સ્ફોટન આયામ, સ્ત્રીકેસરો ત્રણ, યુક્ત, બીજાશય ઊર્ધ્વસ્થ, ત્રિકોટરીય; પ્રત્યેક કોટરમાં અંડક એક, લટકતું; પરાગવાહિની એક, પરાગાસન ત્રિ-શાખી. ફળ 3 બીજવાળું, ભિદુર (schizocarpic); બીજ, અભ્રૂણપોષી ભારતમાં થતી ત્રણ જાતિ Tropaeolum majus, Linn. (Indian cress, climbing Nasturtium); T. peregrinam, Linn. (canary creeper) અને T. minus, Linn. (Dwarf Nasturtium) છે.

ટ્રોપીયોલેસી

આ કુળ પહેલાં જિરાનિયેસીમાં સમાવાયું હતું; પરંતુ તે મુક્ત પુંકેસરો અને ભિદુર ફળ જેનું સ્ફોટન એક બીજમય ફલાંશક (mericarp) દ્વારા થાય છે તે લક્ષણોને લીધે જુદું પડે છે. તેના બીજાશયની ટોચ પર જિરાનિયેસીની જેમ ચાંચ ઉત્પન્ન થતી નથી.

જૈમિન વિ. જોશી