ટ્રેવથિક રિચાર્ડ (જ. 13 એપ્રિલ 1771, ઇલ્લોજન, કૉર્નવૉલ, ઇંગ્લૅન્ડ; અ. 22 એપ્રિલ 1833, ડાર્ટફૉર્ડ, કૅન્ટ) : ઊંચા દબાણવાળી વરાળનો ઉપયોગ કરી વરાળયંત્રનું કદ અને વજન ઘટાડીને, વરાળથી ચાલતી આગગાડીને શક્ય બનાવનાર અંગ્રેજ યાંત્રિક ઇજનેર અને સંશોધક. વરાળયંત્રોના વિકાસમાં ગણનાપાત્ર ફાળો આપનારમાંના તેઓ એક હતા.
કૉર્નવૉલમાં કોલસાની ખાણો નહિ હોવાને કારણે બહારથી કોલસો લાવવો ઘણો મોંઘો પડતો હતો. તેથી ત્યાં આવેલી અન્ય ખનિજોની ખાણમાંથી ખનિજ બહાર કાઢવા માટે ખાણના કામદારોને બળતણમાં અત્યંત કરકસર કરવાની ફરજ પડતી. તેથી કૉર્નવૉલના ઇજનેરો માટે વરાળયંત્રની કાર્યદક્ષતામાં વધારો કરવાનું અનિવાર્ય બનેલું. તે વખતે જેમ્સ વૉટે શોધેલાં ઓછા દબાણવાળાં ગંજાવર કદનાં એંજિન ઉપયોગમાં લેવાતાં હતાં. જેમ્સ વૉટ પોતે વરાળયંત્રના શોધક હોવા છતાં તે દબાણવાળા એંજિનનો ઉચિત ઉપયોગ જોખમી ગણતા. તે માનતા હતા કે પ્રબળ વરાળને ઉપયોગમાં લેવી ભયજનક છે. ટ્રેવથિક એમ માનતા નહોતા.
ટ્રેવથિકે 1797માં ઊંચા દબાણવાળી વરાળથી ચાલતા અચળ (stationary) ચલિત (locomotive) એંજિનની કાર્યકારી પ્રતિકૃતિઓ બનાવી. તેની સફળતાથી પ્રેરાઈને તેમણે ઊંચા દબાણે કાર્ય કરતું સંપૂર્ણ કદનું એંજિન બનાવ્યું જેનો ઉપયોગ ખાણમાંથી ખનિજને બહાર કાઢવામાં થવા લાગ્યો.
તેમણે તેમનું પ્રથમ વરાળથી ચાલી શકે તેવું એંજિન બનાવ્યું અને 1801ની નાતાલની પૂર્વસંધ્યાએ પ્રથમ વાર ચલાવ્યું. પછીના માર્ચ માસમાં તેમણે તેમના પિતરાઈ ઍન્ડ્રૂ વીવિયા સાથે મળીને ઊંચા દબાણવાળા અચળ ને ચલિત એંજિનની પેટંટ મેળવી. ઈ. સ. 1803માં તેમણે બીજું એંજિન બનાવીને લંડનની શેરીઓમાં ચલાવ્યું અને દક્ષિણ વેલ્સમાં આવેલ સેમ્યુઅલ હોમ્ફ્રેના લોખંડના કારખાનામાં વરાળથી ચાલતું પ્રથમ રેલવે લોકોમોટિવ બનાવ્યું. 27 ફેબ્રુઆરી, 1804ના રોજ તે એંજિન વડે 70 યાત્રિકો અને દસ ટન લોખંડને 10 માઈલ સુધી લઈ જવામાં આવ્યાં. તેવું બીજું એંજિન 1805માં ગેટશેડ ખાતે બનાવ્યું અને 1808માં ત્રીજું એંજિન બનાવીને લંડનના યુસ્ટન રોડની નજીક ગોળાકાર પાટા ઉપર ચલાવીને પ્રદર્શિત કર્યું.
તેમણે આવાં કુલ 30 એંજિન બનાવ્યાં. તે કદમાં એટલાં નાનાં હતાં કે એક સાદા ફાર્મ વૅગનમાં તેમનું કૉર્નવૉલની ખાણો માટે પરિવર્તન થઈ શકે.
ઈ. સ. 1816માં તેઓ પેરુ ગયા, જ્યાં તેમનાં બનાવેલ ઘણાંબધાં એંજિન ખાણમાં કાર્ય કરતાં હતાં. દસ વર્ષ બાદ ત્યાં આઝાદીની લડત ફાટી નીકળતાં, તેમની બધી જ સંપત્તિ નષ્ટ થઈ ગઈ. થોડો સમય રૉબર્ટ સ્ટીફન્સન સાથે મધ્ય અમેરિકામાં કાર્ય કરીને તેઓ 1827માં ઇંગ્લૅન્ડ પાછા ફર્યા. પોતાની અનેક શોધોને માન્યતા તથા પુરસ્કાર આપવા માટે તેમણે સરકારને વિનંતીઓ કરેલી પણ તે પર ધ્યાન અપાયું નહિ, તેથી દારુણ ગરીબીમાં તેમનું અવસાન થયું હતું.
હરેશ જયંતીલાલ જાની