ટ્રૅવરટીન : કૅલ્ક ટ્યૂફા કે કૅલ્કસિન્ટરનો પ્રકાર. જ્વાળામુખીની શક્યતા દર્શાવતા વિસ્તારોમાં ગરમ પાણીના કેટલાક ઝરાઓમાંથી અવક્ષેપ પામતો આછા રંગવાળો, કૅલ્શિયમ કાર્બોનેટના રાસાયણિક બંધારણવાળો, ક્યારેક ઘનિષ્ઠ, ક્યારેક પટ્ટીદાર કે સછિદ્ર કે કાંકરીમય કે તંતુમય દ્રવ્યનો નિક્ષેપ. કૅલ્ક ટ્યૂફા, કૅલ્કસિન્ટર, ઝરાનિક્ષેપ એ બધાં ટ્રૅવરટીનના સ્વરૂપભેદવાળાં નામ છે. ઘનિષ્ઠ પટ્ટાવાળી જાત ‘ઓનિક્સ માર્બલ’ (પટ્ટીરચનાવાળું કૅલ્શાઇટ) તરીકે ઓળખાય છે, જેને ઘસીને ચમક આપી શકાય છે. ચૂનાખડકોના વિસ્તારોમાં જોવા મળતી ગુફાઓ, બખોલો કે કોટરોમાં CaCO3નાં દ્રાવણબિંદુઓના ટપકતા રહેવાથી છત પર કે ફરસ પર અધોગામી – ઊર્ધ્વગામી સ્તંભ રચાય છે, તે પણ ટ્રૅવરટીનનો જ પ્રકાર ગણાય છે. ગુફાઓની નમેલી–ઢળેલી ભીંતો પર સંતૃપ્ત દ્રાવણના પ્રસરણથી – ઝમવાથી જામેલા પોપડા પણ આ જ પ્રકારના બંધારણવાળા હોય છે. ગરમ પાણીના ઝરાવાળા પ્રદેશોમાં બાષ્પદાબથી ઉપર તરફ આવતું અતિસંતૃપ્ત દ્રાવણ બાષ્પીભવન બાદ ટ્રૅવરટીનની જમાવટ  છોડી જાય છે. (જુઓ ટ્યૂફા, અધોગામી-ઊર્ધ્વગામી સ્તંભ, કૅલ્કસિન્ટર.) ગરમ પાણીના ઝરાઓની નીચેની નલિકાઓની દીવાલો પર પણ તે પોપડી સ્વરૂપે અવક્ષેપ પામે છે તેમજ કેટલીક જગાએ શિરાપૂરણી તરીકે પણ જોવા મળે છે.

ગિરીશભાઈ પંડ્યા