ટ્રેમા : દ્વિદળી વર્ગના અલ્મેસી કુળની સદાહરિત વૃક્ષો અને ક્ષુપ ધરાવતી પ્રજાતિ. તેનું વિતરણ ઉષ્ણકટિબંધીય અને ઉપોષ્ણ પ્રદેશોમાં થયેલું છે. તેની લગભગ 20 જાતિઓ થાય છે. ભારતમાં ત્રણ જાતિઓ Trema orientalis, Blume. (ખારગુલ, ગોલ), T. politoria, (Planch) Blume અને T. cannabina, Lour થાય છે.
T. orientalis ઝડપી વૃદ્ધિ પામતું અલ્પાયુષી સદાહરિત વૃક્ષ કે મોટું ક્ષુપ છે અને 10 મી.ની ઊંચાઈ અને 1.5 મી. પરિઘ ધરાવે છે. તેનાં મૂળ કેટલીક વાર નાઇટ્રોજનનું સ્થાપન કરતા જીવાણુઓ ધરાવે છે. તેની છાલ લીસી, સફેદ કે ભૂરાશ પડતી લીલીથી લીલાશ પડતી બદામી હોય છે. પર્ણો લાંબાં, અંડાકાર; પુષ્પો એકગૃહી, નાનાં, સફેદ કે લીલા રંગનાં હોય છે. ફળ અષ્ઠીલાં, અરોમિલ; પરિપક્વતાએ કાળા રંગનું બને છે. તે મીઠાં અને ખાદ્ય હોય છે. તેનું કાષ્ઠ આછું રતાશ પડતું ભૂખરું, વાદળી જેવું પોચું અને વજનમાં હલકું હોય છે તેથી ચાની પેટી માટે, દીવાસળી તથા દીવાસળીની પેટી બનાવવામાં ઉપયોગી છે. વળી તે તરાપા બનાવવામાં તથા કાગળના માવા માટે પણ ઉપયોગી છે. છાલમાંથી (16 %) ટૅનિન મળે છે અને તે રેસાયુક્ત હોતાં તેનાં દોરડાં પણ બને છે. મૂળનો ઉકાળો અતિસાર (diarrhoea) અને મૂત્રમાં લોહી પડતું હોય તો ઉપયોગી ગણાય છે. પર્ણોનો ચારા તરીકે ઉપયોગ થાય છે.
T. cannabina લગભગ 24 મી. ઊંચું વૃક્ષ છે. તેની છાલ રેસામય હોય છે. તે દેખાવમાં T. orientalis સાથે સામ્ય ધરાવે છે. તેનાં પર્ણો ચારા તરીકે વપરાય છે પરંતુ તેના વધારે ઉપયોગથી ઢોર અને ઘેટાંમાં રક્તસ્રાવી જઠરાંત્રશોથ (haemorrhagic gastroentritis) થાય છે. પર્ણો ખરબચડાં હોવાથી તેનો કાચ-કાગળની અવેજીમાં ઉપયોગ થાય છે. તેની છાલ મચ્છી જાળ માટે સ્થાનિક લોકો વાપરે છે. મૂળનો ઉકાળો જીભ પરનો સોજો મટાડવા વપરાય છે.
T. politoria 9 મી. ઊંચું અને 60 સેમી.થી 90 સેમી. પરિઘ ધરાવતું નાનું વૃક્ષ છે. તેનાં પર્ણો ખરબચડાં હોવાથી સ્થાનિક લોકો તેનો કાચ-કાગળ તરીકે ઉપયોગ કરે છે. કુમળાં પર્ણો ઢોરના ખાણ માટે પણ વપરાય છે. તેનું લાકડું બંદૂકના દારૂના કોલસા માટે ઉપયોગી જણાયું છે. તેનાં ફળનો મુરબ્બો બનાવવામાં આવે છે અને તેની છાલ રેસાયુક્ત હોવાથી તેમાંથી દોરડાં બનાવવામાં આવે છે અને ઊલટી અટકાવવા માટે વપરાય છે. તે ભૂમિના યોજક (binder) તરીકે અને વનીકરણ (afforestation) માટે ઉપયોગી છે.
મૃગેન્દ્ર વૈષ્ણવ