ટ્રેગિયા : વનસ્પતિના દ્વિદળી વર્ગના યુફોરબિયેસી કુળની શાકીય પ્રજાતિ. તેનું સ્વરૂપ આરોહી (climber) કે વેલામય (twiner) હોય છે અને તે દંશીરોમ (stinging hairs) ધરાવે છે. તે વિશ્વના ઉષ્ણકટિબંધીય અને ઉપોષ્ણ પ્રદેશોમાં મુખ્યત્વે અમેરિકામાં મળી આવે છે. ભારતમાં તેની લગભગ 10 જેટલી જાતિઓ નોંધાયેલી છે. Tragia involucrata, Linn. (સં. घुस्पर्शा, હિં. बरहंटा, बिच्छु बुट्टी, બં. બીચુટી, મ. खाजकोल्ती). T. bicolor, miq. T. cannabiana, Linn. T. hispida, willd; T montana, Muell Arg. અને T. muelleriana, Pax & Hoffm. var. unicolor (Muell. Arg). Pax & Hoffm દ્વારા ત્વચાશોથ (dermatitis) થાય છે. દંશીરોમને તીક્ષ્ણ સિલિસિયસ અગ્ર હોય છે, જે ત્વચામાં પ્રવેશતાં તૂટી જાય છે અને ઍસિડિક સ્રાવ કરે છે. તેથી ઉગ્ર દાહ અને શોથ (inflammation) થાય છે.
T. cannabiana, Linn. ટટ્ટાર કે આરોહી ક્ષુપ છે. ભારતના વધારે ઉષ્ણ પ્રદેશોમાં થાય છે. તેનાં પર્ણો ત્રિખંડી પાણિવત્ વિદર (Palmatipartite) છેદન ધરાવે છે અને 9.0 સેમી. લાંબા ખંડો હોય છે. મૂળ પ્રસ્વેદક (diaphoretic) અને પરિવર્તક (alterative) હોય છે. તે તાવમાં પરસેવો ઉત્પન્ન કરવા વપરાય છે. તેનો ઉકાળો ખાંસી તેમજ ગળાની તકલીફોમાં ઉપયોગી ગણાય છે. તે મૂત્રલ અને ધાતુવર્ધક ગણાય છે.
T. involucrata, Linn. બહુવર્ષાયુ સદાહરિત વેલ છે, જે ઢલોમી (hispid) દંશી રોમ ધરાવે છે. તેનાં પર્ણો 2.5થી 10.0 સેમી. લાંબાં, લંબગોળ, ભાલાકાર(oblonglanceolate)થી માંડી પહોળાં અંડાકાર (ovate) અને રોમિલ હોય છે. પુષ્પો એકગૃહી, પીળાં અને શોમિલ કલગીમાં ગોઠવાયેલાં હોય છે. પ્રાવર (capsule) ત્રિખંડી અને બીજ ગોળ-લીસાં હોય છે. તેના ઔષધીય ગુણધર્મો T. cannabianaમાં દર્શાવ્યા મુજબના છે. તેના મૂળમાંથી બનાવેલો મલમ વાળા(guinea worm)ને બહાર કાઢવા લગાડાય છે. આ મૂળના મલમ સાથે તુલસીનો રસ મિશ્ર કરી ખૂજલીના પ્રસ્ફોટ (eruption) પર લગાડાય છે. મૂળ રક્તશુદ્ધિ માટે ઉપયોગી છે. પર્ણો માથાના દુખાવામાં વપરાય છે. ફળનો ‘ક્ષારગુડ’ ઔષધના ઘટક તરીકે ઉપયોગ થાય છે. આ ઔષધ વધી ગયેલી બરોળની ચિકિત્સામાં અપાય છે. પાણી સાથે તેના ફળને માથામાં ઘસતાં ટાલ વધતી અટકે છે. આ જાતિ ભારતમાં બધે જ વિતરણ પામેલી છે.
મૃગેન્દ્ર વૈષ્ણવ