ટ્રૂમૅન સિદ્ધાંત : વિશ્વમાં સામ્યવાદ અને આપખુદશાહી વિરુદ્ધ લોકશાહી અને સ્વાતંત્ર્યના જતનની ઝુંબેશને સક્રિય પ્રોત્સાહન આપવા માટેની પશ્ચિમના દેશોની વ્યૂહરચનાને નક્કર સ્વરૂપ આપતો સિદ્ધાંત. અમેરિકાના પ્રમુખ હૅરી ટ્રૂમૅને (કાર્યકાળ : 1945–53) 12 માર્ચ, 1947માં ગ્રીસ માટે 250 મિલિયન ડૉલર અને તુર્કી માટે 150 મિલિયન ડૉલર અમેરિકી આર્થિક સહાય માટે મંજૂરી મેળવવા કૉંગ્રેસને આપેલો સંદેશ પાછળથી ‘ટ્રૂમૅન સિદ્ધાંત’ તરીકે ઓળખાયો. આ સંદેશમાં તેમણે વિશ્વમાં જ્યાં જ્યાં લોકશાહી અને સ્વાતંત્ર્ય વિરુદ્ધ સામ્યવાદી અને આપખુદશાહી પરિબળો તરફથી ભય હોય ત્યાં પોતાની લોકતાંત્રિક સંસ્થાઓ અને રાષ્ટ્રીય એકતાનું જતન કરવા માટે તથા આવા વિસ્તારોમાં રાજકીય સ્થિરતા પ્રસ્થાપિત કરવા માટે તે દેશોને અમેરિકાની આર્થિક સહાય મળે તે માટે પ્રબળ હિમાયત કરી. આ સિદ્ધાંત અમેરિકાના આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નિ:સંગતતાવાદ- (isolationism)ના અંતની અને લોકશાહી માટેના અને સામ્યવાદ વિરુદ્ધના તેના વિશ્વવ્યાપી આંદોલનની શરૂઆતનો સૂચક હતો. ટ્રૂમૅન વિશ્વયુદ્ધ બાદના તબક્કાને સામ્યવાદી અને લોકશાહી જીવનપ્રણાલીઓ વચ્ચેના ખુલ્લા યુદ્ધ તરીકે જોતા હતા. શીતયુદ્ધની મન:સ્થિતિ અંગે અને વિશ્વયુદ્ધ પછીની અમેરિકાની વિદેશનીતિના વિકાસ અને અમલ પરત્વે ‘ટ્રૂમૅન સિદ્ધાંત’નું પાયાનું પ્રદાન છે.
હકીકતમાં ‘ટ્રૂમૅન સિદ્ધાંત’ મૉસ્કો ખાતેના અમેરિકી રાજદૂતાવાસમાં કાર્યરત જ્યૉર્જ કેનને પ્રસ્થાપિત કરેલા સામ્યવાદને સીમિત રાખવાના સિદ્ધાંતનું પરિણામ હતો. ગ્રીસ અને તુર્કીની જમણેરી સરકારો સામે આડકતરી રીતે સોવિયેત સંઘ અને સીધી રીતે યુગોસ્લાવિયા અને બલ્ગેરિયા પાસેથી સહાય મેળવતાં ગેરીલા સામ્યવાદી જૂથો દ્વારા છેડાયેલા આંતરયુદ્ધથી ટ્રૂમૅન ચિંતિત હતા. ગ્રીસ કે તુર્કીમાં લોકશાહી સરકાર ન હતી, પરંતુ મૂળભૂત રીતે ટ્રૂમૅન જે રીતે યુરોપીય દેશોની વિશ્વયુદ્ધ બાદની નિર્બળતાનો લાભ ઉઠાવી સોવિયેત સંઘે પૂર્વ યુરોપમાં સામ્યવાદને ફેલાવ્યો હતો તેનું પુનરાવર્તન ન થાય અને બાકીના દેશોમાં અમેરિકાનાં આર્થિક, વ્યૂહાત્મક અને લશ્કરી હિતો જળવાય તે નિશ્ચિત કરવા માગતા હતા. ગ્રીસ અને તુર્કીને પ્રણાલિકાગત રીતે સહાય કરતા બ્રિટનની નાણાકીય સ્થિતિ યુદ્ધ બાદ આ સહાય ચાલુ રાખી શકાય તેવી ન રહી. ટ્રૂમૅન સિદ્ધાંતની ઘોષણાથી યુરોપનું આંતરરાષ્ટ્રીય નેતૃત્વ બ્રિટન પાસેથી અમેરિકાના હાથમાં સરી ગયું. ઉત્તર ઍટલાંટિક સંધિ સંગઠન (‘નાટો’), 34 અબજ ડૉલરની યુરોપના આર્થિક અને ઔદ્યોગિક પુનર્નિમાણ માટેની માર્શલ યોજના, યુરોપીય આર્થિક સહકાર સંગઠન અને દક્ષિણ કોરિયામાં અમેરિકાની લશ્કરી દરમિયાનગીરી ‘ટ્રૂમૅન સિદ્ધાંત’ની જ નીપજ હતી.
અમિત ધોળકિયા