ટ્રિફિન યોજના

January, 2014

ટ્રિફિન યોજના : આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ (IMF) હેઠળની નાણા-વ્યવસ્થામાં સુધારા દાખલ કરવાના હેતુથી 1960માં રજૂ કરવામાં આવેલ યોજના. યેલ યુનિવર્સિટીના પ્રોફેસર રૉબર્ટ ટ્રિફિને રજૂ કરેલ આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય વિનિમયની તરલતાની સમસ્યાનું નિરાકરણ કરવાનો હતો. આંતરરાષ્ટ્રીય નાણાભંડોળની સ્થાપના(1944)ના કેટલાક મહત્વના ઉદ્દેશોમાં સભ્ય દેશો વચ્ચે આર્થિક સહકાર દ્વારા આંતરરાષ્ટ્રીય વ્યાપારને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ હતો. ભિન્ન ભિન્ન ચલણ-વ્યવસ્થા ધરાવતા દેશો વચ્ચે વ્યાપાર થાય ત્યારે તેની ચુકવણી કયા માધ્યમ દ્વારા કરવી એ પ્રશ્ન અગત્યનો બને છે. સોનું આંતરરાષ્ટ્રીય વિનિમયનું સર્વસ્વીકૃત માધ્યમ હોવાથી સોનાની હેરફેર દ્વારા આંતરરાષ્ટ્રીય વ્યાપારની ચુકવણી કરવામાં આવતી; પરંતુ સોનાધોરણની પડતી (1931) પછી ઘણા સમય સુધી (1931–44) આ બાબતમાં શૂન્યાવકાશ થયો હતો. તેનું નિરાકરણ કરવા માટે 1944માં આયોજિત બ્રેટન વુડ્ઝ પરિષદમાં આંતરરાષ્ટ્રીય નાણાભંડોળની સ્થાપના કરવામાં આવી અને તેના ઉપક્રમે સોના ઉપરાંત ડૉલર અને પાઉન્ડ સ્ટર્લિંગને અનામત ચલણ (reserve currency) ગણવામાં આવ્યાં. 1958માં પાઉન્ડ સ્ટર્લિંગ અન્ય ચલણ પરત્વે પરિવર્તનીય થયું ત્યાર પછીનાં લગભગ પંદર વર્ષ દરમિયાન સોનાના ઉત્પાદનમાં વધારો કરવો તથા ડૉલર અને પાઉન્ડના પુરવઠામાં ઉમેરો કરવો – આ બે જ ઉપાયો દ્વારા વધતા જતા આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં ઉદભવતી ચુકવણીની સમસ્યાનું નિરાકરણ શક્ય હતું; પરંતુ એક તરફ આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં ધરખમ વધારો થવા લાગ્યો, તો બીજી તરફ સોનાના ઉત્પાદનમાં ઓટ આવતી ગઈ તથા કેટલાક બનાવોને લીધે ડૉલર અને પાઉન્ડ સ્ટર્લિંગની અનામત ચલણ તરીકેની વિશ્વસનીયતાને પડકાર ઝીલવો પડ્યો. આમાંથી ઊભી થયેલ આંતરરાષ્ટ્રીય તરલતાની કટોકટીના ઉકેલ રૂપે જે કેટલીક વૈકલ્પિક યોજનાઓ રજૂ કરવામાં આવી તેમાં ટ્રિફિન યોજનાનો સમાવેશ થાય છે.

ટ્રિફિન યોજનામાં બે મુખ્ય બાબતો પર ભાર મૂકવામાં આવ્યો હતો : (1) બૅન્કોર નામ ધરાવતા નવા આંતરરાષ્ટ્રીય ચલણનું સર્જન કરવું, (2) આંતરરાષ્ટ્રીય મધ્યસ્થ બૅંકની સ્થાપના કરવી. આ મુખ્ય ઉદ્દેશોના સંદર્ભમાં ટ્રિફિને તેની યોજનાના ભાગ રૂપે કેટલાંક સૂચનો કર્યાં હતાં : (ક) આંતરરાષ્ટ્રીય નાણાભંડોળના બધા સભ્ય દેશો તેમની પાસે એકત્રિત થયેલ ડૉલર તથા પાઉન્ડનો કબજો આં. ના. ભંડોળને સોંપી દે. (ખ) દરેક સભ્ય  દેશ તેની પાસેની આંતરરાષ્ટ્રીય ચલણ અનામતોના 20 % જેટલી ચલણ અનામતો ભંડોળને થાપણ તરીકે સોંપે જેના પર ભંડોળ દ્વારા વ્યાજ ચૂકવવામાં આવે તથા તે થાપણોને અવમૂલ્યન સામે આં. ના. ભંડોળ દ્વારા રક્ષણ આપવામાં આવે. (ગ) ભંડોળ પાસે આ રીતે ભેગી થયેલ ચલણ અનામતોનો ઉપયોગ આં. ના. ભંડોળ શાખ સર્જન એટલે કે સભ્ય દેશોને ધિરાણ આપવા માટે કરી શકે. (ઘ) નાણાભંડોળ વૈશ્વિક સ્તર પર જામીનગીરીઓનું ખરીદ-વેચાણ પણ કરી શકે. આમ થયેથી નાણાભંડોળ સભ્ય દેશની મધ્યસ્થ બૅંક બની શકે અને તે દ્વારા આંતરરાષ્ટ્રીય તરલતાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શકાય તેવી યોજનાના પ્રવર્તક રૉબર્ટ ટ્રિફિનને શ્રદ્ધા હતી.

ટ્રિફિન યોજના વધુ પડતી ક્રાંતિકારી જણાતાં તે સ્વીકારવામાં આવી ન હતી.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે