ટ્રાયાએક (triac) : અર્ધવાહક ઇલેક્ટ્રૉનિક્સમાં થાઇરિસ્ટર જૂથની (થાઇરિસ્ટર = થાયરેટ્રૉન ટ્યૂબ જેવી લાક્ષણિકતાવાળી અર્ધવાહક રચનાઓનું જૂથ) ટ્રાન્ઝિસ્ટરને સમતુલ્ય એક રચના. Tri = Transistor અને A. C. = એ.સી. પરિપથના સંયોજન ઉપરથી Triac (ટ્રાયાએક અથવા ટ્રાયેક) શબ્દ રચાયો છે.
આકૃતિ 1(a)માં દર્શાવ્યા પ્રમાણે ટ્રાયાએકની રચનામાં અર્ધવાહકના ચાર સ્તરો (P1 – N2 – P3 – N4) હોય છે. આકૃતિ 1(b)માં દર્શાવ્યા મુજબ ટ્રાયાએકના ત્રણ ટર્મિનલ (1) ગેઇટ (G), (2) મેઇન ટર્મિનલ નં. 1 (MT1), (3) મેઇન ટર્મિનલ નં. 2 (MT2) છે. લાક્ષણિકતા અને કાર્યપદ્ધતિ પ્રમાણે ટ્રાયાએકના સમતુલ્ય પરિપથ(equivalent circuit)ને બે SCR (સિલિકોન કન્ટ્રોલ રૅક્ટિફાયર) વડે આકૃતિ 2માં દર્શાવેલ છે.
MT1 અને MT2 વચ્ચે બોજ અવરોધ અને એ.સી. સ્રોતને શ્રેણીમાં જોડતાં, બોજ અવરોધમાંથી પસાર થતા નિર્ગત પ્રવાહનું નિયંત્રણ, ગેઇટ (G) અને MT1 વચ્ચે પસાર થતા ગેઇટપ્રવાહ દ્વારા થાય છે. ગેઇટપ્રવાહનું મૂલ્ય શૂન્ય હોય ત્યારે નિર્ગત પરિપથનો પ્રતિબાધ (impedance) ખૂબ ઊંચો હોવાથી નિર્ગત પ્રવાહ લગભગ શૂન્ય હોય છે. ગેઇટપ્રવાહનું મૂલ્ય વધારતાં આઉટપુટ પ્રવાહનું મૂલ્ય ઓછા પ્રમાણમાં વધે છે અને અમુક મૂલ્ય પ્રાપ્ત થયા પછી નિર્ગત પ્રતિબાધ ખૂબ ઘટી જઈ નિર્ગત પ્રવાહમાં વધારો થાય છે. આ સ્થિતિને ટ્રાયાએક ‘ટ્રિગર’ કે ‘ઑન’ થયો છે, એમ કહેવાય છે; અને પ્રક્રિયાને ‘ટ્રિગરિંગ’ કહે છે. ગેઇટ અને MT1 વચ્ચે ડાયાએકનો ઉપયોગ કરી ખૂબ સારું ટિગરિંગ ઉત્પન્ન કરી શકાય છે.
પંખાની ઇલેક્ટ્રિક મોટરની ઝડપનું નિયમન કરવા ટ્રાયાએકનો ઉપયોગ કરવામાં આવે છે. આ પહેલાં ઝડપનું નિયમન કરવા માટે પંખામાં વપરાતા અવરોધક અથવા ગૂંચળાના ઉપયોગથી ઊર્જાનો ખૂબ વ્યય થતો હતો, જ્યારે ટ્રાયાએક વાપરવાથી ઊર્જાનો બચાવ થાય છે.
આ ઉપરાંત ખૂબ પ્રકાશિત ટ્યૂબલાઇટ કે ફ્લૅશલાઇટની તીવ્રતા ઘટાડવા માટે વપરાતા ડીમરમાં તેમજ સ્પીડ કન્ટ્રોલ જરૂરી હોય તેવા ઇલેક્ટ્રિક મોટરના પરિપથમાં ટ્રાયાએકનો ઉપયોગ થાય છે.
કાર્તિક જાની