ટ્રાયમ્ફલ કમાન : આવનજાવનના માર્ગ પર કોઈ પ્રસંગ કે વ્યક્તિના સંભારણા માટે બનાવવામાં આવેલી વિશાળ સ્મારકરૂપ કમાન. ઇમારતથી આ કમાન અલાયદી હોય છે. તેની રચનામાં બે અથવા ચાર વિશાળ સ્તંભ બનાવાય છે. આવા બે સ્તંભવાળી રચનામાં ઉપર એક કમાન જ્યારે ચાર સ્તંભવાળી રચનામાં વચમાં એેક મોટી અને તેની બંને બાજુ નાની એવી ત્રણ કમાનો પ્રયોજાય છે. આ કમાનની ઉપર એક વિશાળ મંચ બનાવાય છે જેના પર તે કમાન કયા કારણસર બનાવાઈ તે બાબતનું લખાણ કોતરવામાં આવે છે. આ મંચ પર ઘણી વાર પ્રસંગને અનુરૂપ શિલ્પ પણ મુકાય છે. પ્રાપ્ય માહિતી અનુસાર ટ્રાયમ્ફલ કમાન બનાવવાની શરૂઆત રોમન પ્રજાએ કરી હતી. ઇટાલીના ઑરેન્જ પરગણામાં ઈ. સ. પૂ. 30માં બનાવાયેલ ટાઇબીરિયસની કમાન સૌથી પ્રાચીન છે. તે ઉપરાંત પ્રાચીન રોમનાં એન્કોના, બેનેવેન્ટમ, સેવેરસ તથા રોમ શહેરમાં આવી ટ્રાયમ્ફલ કમાનોના અવશેષો જોવા મળે છે. મધ્યકાલીન તેમજ અર્વાચીન સમયમાં પણ નેપલ્સ, લંડન, પૅરિસ તથા વૉશિંગ્ટનમાં ટ્રાયમ્ફલ કમાનો બનાવાઈ છે.
હેમંત વાળા