ટ્રાયફોરિયમ : ચર્ચની મધ્યવીથિ સન્મુખ, ઉપરના કમાનવાળા છાપરા કે છત નીચે ત્રણ સ્તરે ખૂલતા ઝરૂખા. રોમનેસ્ક સ્થાપત્યશૈલીમાં તે ચર્ચનું મહત્વનું અંગ બની રહ્યું હતું પણ ગૉથિક સ્થાપત્યમાં તે લુપ્ત થયું. લૅટિન ભાષામાં tresનો અર્થ ત્રણ અને foresનો અર્થ વાતાયન (openings) થાય છે. તેથી ટ્રાયફોરિયમ શબ્દ સામાન્ય રીતે ત્રણ માળના ખૂલતા ઝરૂખાઓ માટે વપરાય. આ પ્રકારની સૌપ્રથમ રચના કૅન્ટરબરીના ચર્ચ માટે કરાઈ હતી, જેમાં પાર્શ્વવીથિ પર ત્રણ માળના ઝરૂખા બનાવાયેલા. આ શબ્દ પાછળથી આવા અન્ય ઝરૂખાઓ માટે પણ પ્રયોજાયો છે. ટ્રાયફોરિયમની રચના માત્ર વિશાળ ચર્ચમાં જ શક્ય હોય છે કારણ કે તેને માટે ચર્ચની આંતરિક ઊંચાઈ ત્રણ માળ જેટલી હોવી જરૂરી બને છે. ઈ. સ. 1211માં રીમ્સમાં તથા ઈ. સ. 1220–47માં એમિએન્સમાં બનેલ ચર્ચમાં ટ્રાયફોરિયમની રચના નોંધપાત્ર છે.

હેમંત વાળા