ટ્રાયટર્પિનૉઇડ ઔષધો : ત્રણ ટર્પિન એકમો હોય એટલે કે 30 કાર્બન પરમાણુવાળી રચના હોય એવાં ઔષધો. તે વનસ્પતિમાંથી વધુ મળે છે. વનસ્પતિમાં ટ્રાયટર્પિન મુખ્યત્વે સૅપોનિન, ગ્લાયકોસાઇડ રૂપમાં હોય છે. સૅપોનિન ધરાવતી આવી વનસ્પતિ માનવી પુરાણકાળથી સાબુની માફક વાપરતો આવ્યો છે. કારણ કે તે પાણી સાથે સાબુની માફક ફીણ ઉત્પન્ન કરે છે. (લૅટિનમાં ‘સૅપો’નો અર્થ સાબુ થાય છે.) સૅપોનિનનું ઍસિડ દ્વારા જળવિભાજન કરવાથી અગ્લાયકોન (સૅપોજેનિન) અને શર્કરા મળે છે. અગ્લાયકોનના તેની સંરચના પ્રમાણે બે પ્રકાર છે : (1) સ્ટીરૉઇડલ સૅપોજેનીન સામાન્ય રીતે ચતુર્વલયી (tetracyclic) ટ્રાયટર્પિનૉઇડ અને (2) પંચવલયી (pentacyclic) ટ્રાયટર્પિનૉઇડ સૅપોજેનીન.
(1) સ્ટીરૉઇડલ સૅપોનિનવાળાં ઔષધો; સ્ટીરોઇડલ સૅપોનિન કુદરતમાં પંચવલયી ટ્રાયટર્પિનૉઇડ કરતાં ઓછાં જોવા મળે છે. તે મુખ્યત્વે ડાયોસ્કોરિયાસી, અમેરીલીડાસી, લીલિયેસી જેવી એકદળ વનસ્પતિના કુટુંબમાં તથા લેગ્યુમીનોસી, સોનાલાસી અને એપોસાયનેસી જેવી દ્વિદળી વનસ્પતિના કુટુંબમાં જોવા મળે છે. સ્ટીરૉઇડલ સૅપોનિનવાળી વનસ્પતિ ખાસ કરીને સીધી જ દવા તરીકે વપરાતી નથી પણ તેમાં રહેલા ડાયોસ્જેનીન, યામોજેનીન, જીટોજેનીન, સારસૅપોજેનીન, હેકોજેનીન, સ્ટીગ્માસ્ટીરૉલ, સોલાસોડીન સારમેન્ટોજેનીન જેવા સૅપોજેનીન ઉપર રાસાયણિક પ્રક્રિયા કરીને સ્ત્રીપુરુષના જાતીય અંત:સ્રાવો (hormones) જેવા કે ટેસ્ટૉસ્ટરોન, ઇસ્ટ્રાડાયોલ, પ્રોજેસ્ટેરોન વગેરે તથા કૉર્ટિકોઇડ્ઝ જેવા કે કૉર્ટિઝોન એસિટેટ, બીટામિથાઝોન વગેરે તેમજ નોરઇથિસ્ટીરોન, મેસ્ટ્રાનોલ જેવાં ગર્ભનિરોધકો તથા સ્પાઇનોલેક્ટોન જેવાં મૂત્રલ ઔષધો બનાવવામાં તે વપરાય છે. આ ઔષધો બજારમાં વેચાતી ઔષધિના લગભગ 25 % જેટલો હિસ્સો ધરાવે છે.
ડાયોસ્જેનીન : ઉપરની ઔષધિઓ બનાવવામાં મુખ્યત્વે ડાયોસ્જેનીન નામનું સ્ટીરૉઇડલ સૅપોજેનીન વપરાય છે. આ અગ્લાયકોન મહદંશે ડાયોસ્કોરિયા(કુટુંબ-ડાયોસ્કોરિયાસી)ની જુદી જુદી જાતોમાંથી મેળવવામાં આવે છે. તે મોટા પ્રમાણમાં મેક્સિકોમાંથી ડાયોસ્કોરિયા મેક્સિકોના અને ડાયોસ્કોરિયા કૉઓઝિટામાંથી મેળવવામાં આવે છે. ચીનમાં પણ તે ડાયોસ્કોરિયા ફ્લોરીબન્ડા વગેરેમાંથી મેળવવામાં આવે છે. ભારતમાં તે ટ્રાઇગોનેલા અને ડાયોસ્કોરિયા ડેલ્ટોઇડિયામાંથી બનાવવામાં આવે છે.
હેકોજેનીન : પૂર્વ આફ્રિકામાં અગેવ સીસાલા(કુટુંબ-અમેરીલીડાસી)નાં પાંદડાંમાંથી રેસા બનાવતી વખતે પડતા કચરામાંથી હેકોજેનીન સારા એવા પ્રમાણમાં મેળવવામાં આવે છે. આ સ્ટીરૉઇડલ સૅપોજેનીન મુખ્યત્વે કૉર્ટિઝોન બનાવવામાં વપરાય છે.
સોલાસોડિન : સોલાનમ ખાસિયાનમ એટલે કે ઊભી ભોંયરીંગણી (કુટુંબ-સોલાનાસી)ના ફળ તથા સોલાનમની અન્ય જાતોમાંથી સોલાસોડિન નામનો સ્ટીરૉઇડલ અગ્લાયકોન મળે છે. તે આલ્કલૉઇડ પણ છે. તે સ્ટીરૉઇડલ ઔષધોના સંશ્લેષણમાં વપરાય છે.
સ્ટીગ્માસ્ટીરૉલ : ગ્લાયસીન મૅક્સ એટલે કે સોયાબીન(કુટુંબલેગ્યુમીનોસી)ના બીજના તેલમાં સ્ટીગ્માસ્ટીરૉલ અને સીટોસ્ટીરૉલ રહેલાં છે, જે પ્રોજેસ્ટેરોન અને અન્ય સ્ટીરૉઇડના સંશ્લેષણમાં વપરાય છે.
સારમેન્ટોજેનીન : સ્માઇલેક્સ એરિસ્ટોલોયી ફોલિયા (કુટુંબ-સ્માઇલેકાસી) તથા તેની અન્ય જાતોમાંથી સારસૅપોજેનીન મળે છે જે કૉર્ટિઝોન અને બીજા સ્ટીરૉઇડના સંશ્લેષણમાં વપરાય છે.
જિનસેંગ : પેનેક્સ જિનસેંગ તથા પેનેક્સ ક્વિન્કવેફોલિયમ(કુટુંબ-એરેલાસી)નાં મૂળ જિનસેંગ તરીકે વપરાય છે. પેનેક્સ જિનસેંગ ચીન, કોરિયા, જાપાન અને સાઇબીરિયામાં થાય છે. પેનેક્સ કિન્કવેફોલિયમ અમેરિકા અને કૅનેડામાં થાય છે. એશિયામાં આ ચીની ઔષધિ પાંડુરોગ, મધુપ્રમેહ, જઠરશોથ તથા અનિદ્રાના ઉપચારમાં તથા વાજીકર અને વાતાનુલોમક તરીકે પણ વપરાય છે. પશ્ચિમમાં હમણાંથી આ ઔષધિ શક્તિ વધારવા, એકાગ્રતા વધારવા માટે તેમજ તનાવશામક તથા રોગપ્રતિરોધક તરીકે વપરાય છે. જિનસેંગમાં અસરકારક ઘટક જિનસેંગોસાઇડ્સ પેનેક્સોસાઇડ્ઝ અને યિકુસેટસુ સૅપોનિન છે જે ટ્રાયટર્પિન સ્ટીરૉઇડલ સૅપોજેનીન છે.
રસ્ક્મ એક્યુલિયેટસ : રસ્ક્મસ એસ્ક્યુલિયેટસ(કુટુંબ-લીલિયાસી)ના ભૂમિગત પ્રકાંડમાં રસ્કોજેનીન નામનું સ્ટીરૉઇડલ સૅપોનિન છે જે સોજામાં ઉપયોગી છે તથા રક્તવાહિનીઓને સાંકડી બનાવે છે.
(2) પંચવલયી ટ્રાયટર્પિનૉઇડ સૅપોનિન ઔષધો : આ સૅપોનિન મુખ્યત્વે દ્વિદળ વનસ્પતિમાં જોવા મળે છે ખાસ કરીને કેરિયોફાયલાસી, સેપીન્ડાસી, પોલીગેલાસી અને સેપોટાસી તથા ફાયટોલેકાસી, ચીનોપૉડિયાસી, રાનનક્યુલાસી, બરબેરીડાસી, પપાવરાસી, લીનાસી, ઝાયગોફાયલાસી, રુટાસી, મીરટાસી, કુકુરબીટાસી, એરાલાસી, અમ્બેલીફેરી, પ્રિમ્યુલાસી, ઓલિયાસી, લોબેલિયાસી, કેન્થેન્યુલાસી, રૂલિયાસી કૉમ્પોઝિટી વગેરેમાં મળે છે. તેમને ત્રણ વર્ગમાં વહેંચવામાં આવી છે : આલ્ફા અમાયરિન, બીટા-અમાયરિન, અને લ્યુપિયોલ. ટ્રાયટર્પિનૉઇડ સૅપોનિન ધરાવતી મુખ્ય ઔષધિઓ ક્વિલાયા છાલ, જેઠીમધ, સેનેગાનાં મૂળ, બુપ્લેરમ ફલકેટમ, એસ્ક્યુલસ ચેસ્ટનટ વગેરેમાં હોય છે.
ક્વિલાયા છાલ (સોપ બાર્ક, પાનામા વૂડ) : ક્વિલાયા છાલ એ ક્વિલાયા સૅપોનારિયા(કુટુંબ-રોઝાસી)ની આંતરછાલ છે. તે ચીલી, પેરૂ અને બોલિવિયામાં થાય છે. હવે નીલગિરિ પહાડોમાં પણ તે ઉગાડવામાં આવે છે. તેમાં 10 % જેટલું સૅપોનિન હોય છે. તેનું જળવિભાજન (hydrolysis) થતાં ક્વિલાઇક ઍસિડ સૅપોજેનીન અને શર્કરા મળે છે. ક્વિલાયનો ઉપયોગ ડામર તેમજ બાષ્પશીલ તેલના પાયસ બનાવવામાં થાય છે. તે દંતમંજન, ટૂથપેસ્ટ, હૅર-લોશન વગેરેમાં પણ વપરાય છે.
જેઠીમધ (લિકોરીસ રૂટ; ગ્લસર્હીઝા) : જેઠીમધ એ ગ્લિસર્હીઝા ગ્લેબ્રા(કુટુંબ-લેગ્યુમિનાસી)નાં મૂળ અને ભૂમિગત પ્રકાંડ છે. તે રશિયા, ચીન, સ્પેન, ઇટાલી, ફ્રાન્સ, જર્મની, અમેરિકા, ઈરાન ઇરાક, ભારત વગેરેમાં થાય છે. જેઠીમધનો ગળ્યો સ્વાદ ગ્લિસર્હીઝીનના કારણે હોય છે. ગ્લિસર્હીઝીન એ ગ્લિસર્હીર્ઝિક ઍસિડનો કૅલ્શિયમ અને પોટૅશિયમ ક્ષાર છે. ગ્લિસર્હીર્ઝિક ઍસિડનું જળવિભાજન કરતાં ગ્લિસહીટિનિક ઍસિડ (કે ગ્લિસર્હીટિનિક ઍસિડ) અને ગ્લુક્યુરોનિક ઍસિડ મળે છે. ગ્લિસર્હીટિનિક ઍસિડ એ બીટાઅમાયટિન જાતનો સૅપોજેનીન છે. આ ઉપરાંત જેઠીમધમાં લિક્વિરિટીન અને આઇસોલિક્વિરિટીન નામના ફ્લેવેનૉઇડ હોય છે. જેઠીમધનો ઉપયોગ સુગંધી માટે, ગળપણ માટે, કફઉત્સારક તરીકે તથા સંધિવા, એડીસનના રોગમાં અને સોજામાં થાય છે.
સેનેગાનાં મૂળ : તે પૉલિગેલા સેનેગા(કુટુંબ-પૉલિગેલાસી)નાં મૂળ છે, જે પૂર્વ કૅનેડા, પૂર્વ અમેરિકા તથા જાપાનમાં થાય છે. સેનેગામાં સક્રિય ઘટક ટ્રાયટર્પિનૉઇડ સૅપોનિન સેનેગીન છે. તેનું જળવિભાજન કરતાં ગ્લુકોઝ અને પ્રિસેનેગીન, સેનેગેનીન, સેનેગીનિક ઍસિડ અને પોલીગૅલિક ઍસિડ મળે છે. સેનેગા કફઉત્સારક તરીકે તેમજ શ્વાસનળીના સોજામાં ઉપયોગી છે. જોકે વધુ માત્રામાં લેવાથી ઝાડા-ઊલટી થાય છે.
બુપ્લેરમ ક્લકેટમ : બુપ્લેરમ ક્લેકેટમ(કુટુંબ-અમ્બેલીફેરી)નાં મૂળ ચીનમાં ઔષધ તરીકે વપરાય છે, ખાસ કરીને યકૃત કે પિત્તાશયની વિકૃતિમાં. આ ઉપરાંત તે સોજો ઓછો કરે છે. તેમાં સૅપોનિન સાઇકોસૅપોનિન છે.
એસ્ક્યુલસ ચેસ્ટનટ : એસ્ક્યુલસ હીપોકેસ્ટેનમ(કુટુંબ-હીપોકેસ્ટેનાસી)નાં બીજ ઔષધ તરીકે વપરાય છે. બીજમાંથી 13 % જેટલો એસ્કીન સૅપોનિન મળે છે. તેના જળવિભાજનથી પ્રોટોએસ્કીજેનીન અને બેરિંગટોગેનોલ મળે છે. આ ઉપરાંત ફ્લેવોન, કેમ્ફેરોલ અને ક્વેર્સેટીન તથા અસ્ક્યુલીન છે. એસ્કીન પ્રતિનિસ્રાવી અને શોથરોધી ગુણ ધરાવે છે.
(3) હૃદયબલ્ય ઔષધો : આ ઔષધોમાં સ્ટીરૉઇડલ સંરચનાવાળા ઘટક હોય છે, જેના 17મા કાર્બન ઉપર પાંચ કે છ સભ્યોનું બનેલ લૅક્ટોન વલય હોય છે. જો લૅક્ટોન વલય પાંચ સભ્યનું હોય તો તે કાર્ડિયાક ગ્લાયકોસાઇડને કાર્ડેનોલાઇડ કહે છે અને જો લૅક્ટોન વલય છ સભ્યનું હોય તો તે કાર્ડિયાક ગ્લાયકોસાઇડને બુફાનોલાઇડ કે બુફાડાયેનોલાઇડ કહે છે. આ ગ્લાયકોસાઇડમાં ત્રીજા સ્થાને ઓછા ઑક્સિજનવાળી ડિજિટોક્સોઝ, સાયમારોઝ કે ડિજિટાલોજ જેવી શર્કરા જોડાયેલી હોય છે. કાર્ડેનોલાઇડ મુખ્યત્વે ડિજિટાલીસ, સ્ટ્રોફેન્થસ, કરેણ વગેરેમાં હોય છે. બુફાનોલાઇડ જંગલી ડુંગળી, કાળી હીરાબોર, ટોડની ચામડી વગેરેમાં હોય છે.
ડિજિટાલિસ : ડિજિટાલિસ પુરપુરિયા(કુટુંબ-સ્ક્રોફ્યુલેરિયાસી)નાં સૂકાં પાન (ભેજ < 5 %) ઔષધ તરીકે વપરાય છે. તે ઇંગ્લૅન્ડ, ઉ. અમેરિકા, હોલૅન્ડ, જર્મની, ફ્રાન્સ, ભારત વગેરે દેશોમાં થાય છે. તેમાં કાર્ડેનોલાઇડસ પુરપુરિયા ગ્લાયકોસાઇડ એ, પુરપુરિયા ગ્લાયકોસાઇડ – બી તથા ગ્લુકોગીટાલોક્સીન વગેરે હોય છે. આ ઔષધ હૃદયબલ્ય ઔષધ તરીકે વપરાય છે.
ડિજિટાલિસ લેનેટાનાં પર્ણ પણ હૃદયબલ્ય ઔષધ તરીકે વપરાય છે. તે ડિજિટાલિસ પુરપુરિયા કરતાં વધુ ક્રિયાશીલ છે. તે હોલૅન્ડ, ઇક્વાડોર, અમેરિકા, ભારત વગેરે દેશોમાં થાય છે. તેમાં ઉપયોગી રસાયણ લેનેટોસાઇડ – એ, બી, સી, ડી અને ઇ હોય છે. લેનેટોસાઇડ – સી અને તેનો દ્વિતીય ગ્લાયકોસાઇડ ડીગૉક્સીન વધુ અસરકારક છે.
સ્ટ્રૉફેન્થસ : સ્ટ્રૉફેન્થસ એ સ્ટ્રૉફેન્થસ કોમ્બે(કુટુંબ–એપોસાયનાસી)નાં બીજ છે અને પૂર્વ આફ્રિકામાં મળે છે. તેમાં કે સ્ટ્રૉફેન્થોસાઇડ, કે સ્ટ્રૉફેન્થીન–બી અને સાયમારિન નામના કાર્ડિયાક ગ્લાયકોસાઇડ હોય છે. તે અગાઉ ડિજિટાલિસની જેમ વપરાતું હતું.
સ્ટ્રૉફેન્થસ ગ્રેટસના બીજમાં 4 %થી 8 % વાબેન (ouabain) છે. તેને જી-સ્ટ્રૉફેન્થીન પણ કહે છે. આ કાર્ડિયાક ગ્લાયકોસાઇડ પ્રાણીઓ ઉપરના પ્રયોગોમાં માનક તરીકે વપરાય છે. વાબેન ઇંજેક્શન દ્વારા અપાય છે. આ ઉપરાંત એકોકેન્થેરા આયાબેઇઓ(કુટુંબ-એપોસાયનસી)ના લાકડામાંથી પણ વાબેન મળે છે.
લાલ કરેણ : નેરિયમ ઓલિયેન્ડર(કુટુંબ–એપોસાયનસી)નાં પાંદડાં પણ ડિજિટાલિસની જેમ હૃદયબલ્ય તરીકે વપરાય છે. તેમાં ઓલીએન્ડ્રીન, ડિજિટાલિનમ વેરમ, જીટોક્સીજેનીન, ડિજિટોક્સીજેનીન વગેરે કાર્ડિયાક ગ્લાયકોસાઇડ છે.
પીળી કરેણ : થેવેટિયા પેરુવિયા(કુટુંબ-એપોસાયનેસી)નાં બીજમાંથી કાર્ડિયાક ગ્લાસકોસાઇડ થેવેટીન–એ મળે છે. તે ડિજિટાલિસની જેમ હૃદયબલ્ય તરીકે વપરાય છે.
સ્ક્વિલ (squill) : સ્ક્વિલ એ ડ્રીમિયા મેરીટિમા અથવા ઉર્જિનિયા મેરીટિમા(કુટુંબ–લીલીઆસી)ના કંદમાંથી આડા કાપેલ સૂકવેલ ટુકડા છે. તે માલ્ટા, ઇટાલી વગેરે દેશોમાંથી મળે છે. આ ઔષધમાં છ સભ્યોવાળા લૅક્ટોન વલયવાળા કાર્ડિયાક ગ્લાયકોસાઇડ બુફાડાયેનોલાઇડ સીલ્લારેન–એ અને સીલ્લારેન–બી છે. આ ઔષધ મુખ્યત્વે ઉધરસમાં ઓછી માત્રામાં વપરાય છે.
ઇન્ડિયન સ્ક્વિલ અથવા ઉર્જિનિયા અથવા જંગલી ડુંગળી : ઇન્ડિયન સ્ક્વિલ એ ડ્રીમિયા ઇન્ડિકા અથવા ઉર્જિનિયા ઇન્ડિકા(કુટુંબ-લીલીઆસી)ના કંદમાંથી ઊભા કાપીને સૂકવેલા ટુકડા છે. તેમાં ડ્રીમિયા મેરીટિમા જેવા જ રાસાયણિક ઘટકો છે પણ શ્લેષ્મક (mucilage) વધુ માત્રામાં હોય છે. તે ડિજિટાલિસની જેમ હૃદયબલ્ય તરીકે તથા ઓછી માત્રામાં ઉધરસમાં વપરાય છે.
બ્લૅક હીરાબોર રાઇઝોમ : તે હીરાબોર નાઇજર(કુટુંબ-રાનનક્યુલાસી)નું ભૂમિગત પ્રકાંડ છે. તે મધ્ય યુરોપમાં થાય છે. તેમાં બુફાનોલાઇડ હેલ્લેબોરીન, હેલ્લેબોરેઇન અને હેલીબીન છે. તે મુખ્યત્વે પશુરોગ માટે વપરાય છે.
અન્ય સ્ટીરૉઇડ : વિધાનોલાઇડ : આ સ્ટીરાઇડ લેક્ટોન સોલાનાસી કુટુંબના અમુક સભ્યોમાં જોવા મળે છે. તે મુખ્યત્વે વિધાનીઆ સોમ્નીફેરાનાં મૂળમાં હોય છે. આ વનસ્પતિ ભારતમાં ઊગે છે. ભારતમાં મગજને શાંત પાડવા, ઊંઘ લાવવા તથા ચેપનાશક (antiseptic) તરીકે વપરાય છે. વનસ્પતિમાં સ્ટીરૉઇડલ લેક્ટોન વિધાફેરીન – એ તથા વિધાનોલાઇડ છે જે કૅન્સરમાં ઉપયોગી છે.
કૃષ્ણકુમાર નરસિંહભાઈ પટેલ