ટ્રાઇડેક્સ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગના એસ્ટરેસી કુળની પ્રજાતિ. તે ઉષ્ણકટિબંધીય અમેરિકાની સ્થાનિક પ્રજાતિ હોવા છતાં ઉષ્ણકટિબંધીય આફ્રિકા, ઑસ્ટ્રેલિયા અને એશિયામાં થાય છે. સમગ્ર વિશ્વમાં તેની 7 જેટલી જાતિઓ નોંધાયેલી છે તે પૈકી કેટલીક જાતિઓ શોભાની વનસ્પતિ તરીકે ઉગાડાય છે.
Tridax procumbens Linn. (પરદેશી ભાંગરો ઊંધા ફૂલી: અં. મેક્સિકન ડેઇઝી) ભારતમાં કુદરતી રીતે થતી જાતિ છે. તે કાષ્ઠમય, રોમિલ, વિસર્પી અને 60 સેમી. જેટલો ઊંચો છોડ છે. તે 2400 મી. સુધીની ઊંચાઈએ અપતૃણ તરીકે જોવા મળે છે. તેનાં પર્ણો અંડાકાર–ભાલાકાર, 2.7 સેમી. લાંબાં અને 1.4 સેમી. પહોળાં હોય છે. પર્ણદલ પક્ષવત્ નિદર (pinnati sect) પ્રકારનું છેદન ધરાવે છે અથવા ક્યારેક ત્રિખંડી હોય છે. સ્તબક પ્રકારનો પુષ્પવિન્યાસ લાંબા પુષ્પવિન્યાસદંડ પર વળેલો, તેથી તે છોડને ઊંધા ફૂલી તરીકે પણ ઓળખાય છે. કિરણ પુષ્પકો નાનાં, સફેદ અને જિહવાકાર હોય છે; જ્યારે બિંબ પુષ્પકો પીળાં અને નલિકાકાર હોય છે.
શુષ્ક પર્ણો આશરે 26.3 % અશુદ્ધ પ્રોટીન, 17.0 % અશુદ્ધ રેસા, 39.0% કાર્બોદિતો, 15.9 % રાળ, 8.4 % K2O, 4.6 % CaO, 1.1 % P2O5, 1.7 % MgO અને ફ્યુમેરિક ઍસિડ ધરાવે છે. છોડમાં b — સીટોસ્ટીરોલ અને ટૅનિન પણ હોય છે. પુષ્પો લ્યુટીઓલીન, ગ્લુકોલ્યુટીઓલીન, ક્વિર્સેટીન અને આઇસોક્વિર્સેટીન રસાયણો ધરાવે છે.
પર્ણો શાકભાજી અને પશુઓના ખોરાક તરીકે વપરાય છે. દવા તરીકે તે અતિસાર, મરડો અને વાળના પ્રત્યાનયન(restoration)માં ઉપયોગી છે. પર્ણોનો રસ કીટનાશક, પરોપજીવીનાશક અને પ્રતિરોધી ગુણધર્મો ધરાવે છે. તે ઘામાંથી થતા રક્તસ્રાવને રોકવામાં પણ ઉપયોગી છે. પુષ્પોનો પેટ્રોલિયમ-ઈથર નિષ્કર્ષ વેબિંગ, ક્લોથ ફૂદાં અને બ્લૅક કાર્પેટ ભમરાની ઇયળો માટે ઝેરી હોય છે. પરાગરજ કેટલાંક માટે પ્રત્યુર્જક (allergic) હોય છે.
ઘણા પ્રદેશોમાં આ અપતૃણ એક નાશકજીવ (pest) બની ગયો છે. દર હેક્ટરે 2 કિગ્રા. 2, 4-Dનો છંટકાવ કરવાથી આ અપતૃણનું નિયંત્રણ થઈ શકે છે.
મનીષા દેસાઈ
રા. ય. ગુપ્તે