ટ્યૂરિંગ એલન મેથિસન (જ. 23 જૂન 1912, લંડન; અ. 7 જૂન 1954, વિલ્મસ્લોયેશાયર, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજ ગણિતશાસ્ત્રી અને તર્કશાસ્ત્રી. તેમણે કમ્પ્યૂટરના સિદ્ધાંત અને તેની કાર્યપદ્ધતિમાં તાત્વિક પૃથક્કરણ દ્વારા અગત્યનું પ્રદાન કર્યું હતું. 1935માં કેમ્બ્રિજની કિંગ્ઝ કૉલેજની ફેલોશિપ મેળવી અભ્યાસ કરતા હતા. તે દરમિયાન ગાણિતિક તર્કશાસ્ત્રમાં સંશોધનકાર્ય શરૂ કર્યું. ‘પરિકલનીય (computable) સંખ્યાઓ અને તેનો નિર્ણયાત્મક સમસ્યાઓમાં વિનિયોગ’ નામનું ઉત્કૃષ્ટ સંશોધનપત્ર લખ્યું જે સારો આવકાર પામ્યું. કેટલીક ગાણિતિક સમસ્યાઓનું માત્ર નિશ્ચિત રીતો દ્વારા નિરાકરણ થઈ શકે નહિ, પરંતુ આવી સમસ્યાઓનું સ્વયંસંચાલિત યંત્રો દ્વારા નિરાકરણ કરી શકાય એમ તેમાં તેમણે પ્રતિપાદિત કર્યું. પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં યુ.એસ. ગણિતશાસ્ત્રી એલોન્ઝો ચર્ચના માર્ગદર્શન નીચે ટ્યૂરિંગે તેમનું સંશોધનકાર્ય ચાલુ રાખ્યું અને 1938માં પીએચ.ડીની. ઉપાધિ મેળવી. ત્યારબાદ ઇંગ્લૅન્ડ આવી કિંગ્ઝ કૉલેજમાં ફરીથી ફેલોશિપ મેળવી. સાર્વત્રિક યંત્ર (universal machine) અંકીય ગણનયંત્ર (digital computer) માટે સૈદ્ધાંતિક આધાર પૂરો પાડે છે એમ તેમણે સાબિત કર્યું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેમણે બ્રિટિશ સરકારની વિદેશ કચેરીમાં કામ કર્યું. 1945માં રાષ્ટ્રીય ભૌતિક પ્રયોગશાળામાં તેઓ જોડાયા અને ઑટોમૅટિક કમ્પ્યૂટિંગ એંજિન(ACE)ના નામથી ઓળખાતા ઇલેક્ટ્રૉનિક અંકીય ગણનયંત્રની રચના અને ડિઝાઇનમાં ગણનાપાત્ર યોગદાન આપ્યું.
1948માં માન્ચેસ્ટર યુનિવર્સિટીમાં કમ્પ્યૂટિંગ લૅબોરેટરીના નાયબ નિયામક થયા. માન્ચેસ્ટર ઑટોમૅટિક ડિજિટલ મશીન (MADAM) નામનું મહત્તમ સ્મૃતિશક્તિ ધરાવતું કમ્પ્યૂટર તે વખતે તૈયાર થતું હતું. પ્રારંભના કમ્પ્યૂટરની રચના અને પ્રારંભિક પ્રક્રમણ (programming) પ્રવિધિ(techniques)ના વિકાસમાં તેમનું પ્રદાન બહુ મહત્ત્વનું હતું.
માનવમનની વિચાર કરવાની શક્તિને મહદંશે મળતી આવે એ રીતે વિચારી શકે તેવાં કમ્પ્યૂટર બનાવી શકાય એવા મતનું તેમણે સમર્થન કર્યું. ટ્યૂરિંગનાં આ વિષય પરનાં સંશોધનપત્રો કૃત્રિમ બુદ્ધિમત્તા અંગેના પાયારૂપ સંશોધન તરીકે વ્યાપક આવકાર પામ્યાં. 1937માં ટ્યૂરિંગે પરિકલ્પિત (hypothetical) ગણનયંત્રનું વર્ણન કર્યું, જે ટ્યૂરિંગ મશીન તરીકે ઓળખાય છે. આવું મશીન શ્રેણીબદ્ધ પરિકલ્પિત સોપાનોમાં પોતાનું કાર્ય કરે છે. અમુક ક્ષણે તે નિયત આંતરિક સ્થિતિમાંની કોઈ એક સ્થિતિ ધારણ કરે છે. સૈદ્ધાંતિક રીતે તે કોઈ પણ ગણતરી કરી શકે છે. ટ્યૂરિંગ મશીનના મુખ્ય બે કાર્યવિભાગ છે : મથાળા સાથેનું પરિમિત અવસ્થાયુક્ત યંત્ર અને લાંબી પટ્ટી હોય છે. લાંબી પટ્ટીને અનેક ચોરસોમાં વિભાજિત કરેલી હોય છે. આવા ચોરસો કાં તો કોરા હોય છે અથવા તેના પર સંકેતો (symbols) અંકિત થાય છે, જે વાંચી શકાય છે. સુષુપ્ત અવસ્થા (passive state) તરીકે ઓળખાતી અવસ્થામાં ન હોય ત્યારે યંત્ર કાર્યાન્વિત સ્થિતિમાં હોય છે. તે વખતે લાંબી પટ્ટી પરના કોરા કે સંકેત-અંકિત ચોરસનું સૂક્ષ્મ પરીક્ષણ (scanning) યંત્ર કરે છે
યંત્રનું ટેપયુક્ત મથાળું આમતેમ ફરી શકે છે, જે ચોરસોની સ્થિતિ ડાબી–જમણી બદલે છે અને ચોરસો પર નવા સંકેતો અંકિત કરે છે અથવા અગાઉ અંકિત થયેલા સંકેતોને ભૂંસી નાખે છે. સુષુપ્ત અવસ્થા પ્રાપ્ત કરે ત્યારે યંત્ર અટકે છે અને ક્રમવીક્ષણ પામેલા ચોરસો પર અંકિત સંકેતોના નિરીક્ષણ પરથી યંત્રની આંતરિક સ્થિતિનું અર્થઘટન થઈ શકે છે. કયા ક્રમમાં પ્રક્રિયા કરવી તે સૂચવતું ટેબલ પણ મશીનમાં હોય છે.
શિવપ્રસાદ મ. જાની