ટોલૂ (balsam of tolu અથવા tolu balsam) : માયરોક્સિલોન બાલ્ઝામમ(myroxylon balsamum Linn; myroxylon toluifera)ના પ્રકાંડ(stem)માં છેદ મૂકીને મેળવાતો રસ. કુળ લેગ્યુમિનોસી. કોલંબિયામાં મેઝેલિના નદીના કિનારે તથા વેસ્ટ ઇન્ડીઝ, ક્યૂબા અને વેનેઝુએલામાંથી મળે છે. કોલંબિયાના ઉત્તર કાંઠા ઉપર આવેલ ટોલૂ પાસેથી મળતું હોવાને લીધે તેને ટોલૂ નામ આપવામાં આવેલું છે.
તાજો ટોલૂ બાલઝામ મૃદુ, ચીકણો, પીળો, અર્ધઘન પદાર્થ છે. તે ધીમે ધીમે કઠણ બની બદામી રંગના બરડ ઘનમાં ફેરવાય છે. તેને ગરમ કરી પિગાળી સ્લાઇડ ઉપર મૂકી સૂક્ષ્મદર્શક વડે જોવામાં આવે તો સિનેમિક ઍસિડના સ્ફટિક જોઈ શકાય છે. તે રુચિકર અને સુગંધિત છે. ચાવવાથી તે સુઘટ્ટ (plastic) બને છે.
ટોલૂ બાલ્ઝામમાં 75 %થી 80 % રેઝિન હોય છે. આ રેઝિનમાં બેન્ઝોઇક ઍસિડ અને સિનેમિક ઍસિડ વડે એસ્ટરીકૃત ટોલૂરેઝિનોટેનોલનો રેઝિન એસ્ટર અને બેન્ઝિલ બેન્ઝોએટ અને બેન્ઝિલ સિનેમેટના મિશ્રણવાળો 7.8 % સિનેમિન હોય છે. લગભગ 20 % મુક્ત બાલ્ઝામિક ઍસિડ જોવા મળે છે. તે ઉપરાંત તેમાં વેનિલિન અને સ્ટાયરોલ પણ હોય છે. ઔષધમાં મુક્ત અને સંયોજિત રૂપે રહેલા બાલ્ઝામિક ઍસિડનું પ્રમાણ 35 %થી 50 % જેટલું હોય છે.
ટોલૂ બાલ્ઝામનું આલ્કોહૉલમય દ્રાવણ લિટમસ પ્રત્યે ઍસિડિક પ્રક્રિયા દર્શાવે છે. આ દ્રાવણમાં ફેરિક ક્લોરાઇડના દ્રાવણનાં થોડાંક ટીપાં ઉમેરતાં તે ટોલૂરેઝિનોટેનોલના કારણે લીલું બને છે. 1 ગ્રા. ટોલૂને 5 મિલી. પાણી સાથે ગરમ કરી, ગાળી, ગાળણમાં પોટૅશિયમ પરમૅંગેનેટનું 1 %નું દ્રાવણ ઉમેરી ગરમ કરતાં સિનેમિક ઍસિડના ઉપચયનથી બેન્ઝાલ્ડિહાઇડ ઉત્પન્ન થઈ કડવી બદામ જેવી વાસ આપે છે.
ટોલૂ જંતુનાશક અને કફ-નિસ્સારક (expectorant) છે. તે ખાંસી અથવા ઉધરસમાં કફોત્સારક તરીકે વપરાય છે. સુગંધી પદાર્થો બનાવવામાં પણ તે વપરાય છે. અપમિશ્રક (adulterant) તરીકે સિનેમિક ઍસિડ કાઢી લીધેલો ટોલૂ વપરાય છે. તેમાં કોલોફોની પણ ભેળવવામાં આવે છે.
કૃષ્ણકુમાર નરસિંહભાઈ પટેલ