ટૉલૅન્ડ, ગ્રેગ (જ. 29 મે 1904, ચાર્લ્સટન, ઇલિનૉય; અ. 28 સપ્ટેમ્બર 1948, હૉલિવૂડ) : ચલચિત્રનો અમેરિકી છબીકાર. પ્રકાશછાયાના સંતુલન તથા કૅમેરાના ઊંડાણદર્શી પ્રયોગ દ્વારા ર્દશ્યમાં અદભુતતા આણનાર છબીકાર તરીકે તે જાણીતો થયો. ટૉલૅન્ડે 15 વર્ષની વયે ફૉક્સ સ્ટુડિયોના કાર્યાલયમાં પટાવાળા તરીકે કામ શરૂ કર્યું. વર્ષે દહાડે તે સહાયક કૅમેરામૅન થયો. ત્રીશીના દાયકામાં તેણે સૅમ્યુઅલ ગોલ્ડવિન તથા એવા બીજા મોટા નિર્માતાઓ માટે છબીકલાનિર્દેશક તરીકે કાર્ય કરતાં તેની કલાસૂઝની ખૂબીઓનો પરિચય આપ્યો. ‘વી લિવ અગેઇન’, ‘વેડિંગ નાઇટ’ અને  ‘ધીઝ થ્રી’ જેવાં તેનાં ચિત્રો આરંભથી જ નોંધપાત્ર રહ્યાં; પણ ‘ડેડ ઍન્ડ’ (1937), ‘ધ ગ્રેપ્સ ઑવ્ રૉથ’ (1940), ‘સિટીઝન કેન’ (1941), ‘ધ લિટલ ફૉક્સીઝ’ (1941), ‘ધ મૅગ્નિફિસન્ટ અમ્બરસન્સ’ (1942), ‘ધ આઉટલૉ’ (1943), ‘ધ બૅસ્ટ યર્સ ઑવ્ અવર લાઇવ્ઝ’ (1946) તથા ‘એન્ચૅન્ટમેન્ટ’ (1949) ચિરકાલીન છાપ મૂકી ગયાં. કૅમેરાનું યંત્રકામ ચાલે તેથી ઉત્પન્ન થતા ઘોંઘાટનું ધ્વનિઅંકન થતું નિવારવા તેણે ધ્વનિરોધક ઉપકરણની શોધ કરી. ‘વુધરિંગ હાઇટ્સ’ (1939) અને બીજા વિશ્વયુદ્ધ સમયે અમેરિકી નૌસેનામાં કામ કરતાં જ્હૉન ફૉર્ડ સાથે સહદિગ્દર્શિત ‘ડિસેમ્બર સેવન્થ’(1943)ની છબીકલા માટે તેને ઑસ્કાર પુરસ્કાર અર્પણ કરાયો હતો. તેનાં બીજાં નોંધપાત્ર ચિત્રો : ‘ધ વેસ્ટર્નર્સ’, ‘ધ લાગ વૉયેજ હોમ’, ‘બૉલ ઑવ્ ફાયર’ અને ‘એ સૉન્ગ ઇઝ બૉર્ન’.

પીયૂષ વ્યાસ