ટોપાઝ : ઍલ્યુમિનિયમ ફ્લોસિલિકેટ બંધારણવાળું ખનિજ ને સોસિલિકેટ. રાસા. બંધા. : Al2SiO4(F.OH)2; સ્ફ. વ. : ઑર્થોરૉમ્બિક; સ્ફ. સ્વ. : ટૂંકાથી લાંબા સુવિકસિત પ્રિઝમૅટિક સ્ફટિકો, ઓછાવત્તા ફલકોના ફેરફારવાળા, ક્યારેક ઘણા મોટા સ્ફટિકો — સેંકડો કિગ્રા. વજનવાળા, દળદાર સ્થૂળથી સૂક્ષ્મ દાણાદાર કે સ્તંભાકાર સ્વરૂપોમાં પણ પ્રાપ્ય. પારદર્શકથી પારભાસક; સં. : (001) પૂર્ણ; ભં.સ. : આછી વલયાકારથી ખરબચડી, બરડ; ચ. : કાચમય; રં. : રંગવિહીન, સફેદ, રાખોડી, આછો ભૂરો, આછો લીલો, આછો પીળો, પીળાશ પડતો, કથ્થાઈ, કેસરી, ગુલાબીથી રતાશ પડતો; ચૂ.રં. : રંગવિહીન, શ્વેત; ક. : 8; વિ.ઘ. 3.49થી 3.57; પ્ર. અચ. : α = 1.606થી 1.629, β = 1.609થી 1.631, γ = 1.616 – 1.638; પ્ર.સં. : + ve; 2V = 48°–68°.
પ્રા.સ્થિ. : પેગ્મેટાઇટમાં બહોળા પ્રમાણમાં તેમજ ઊંચા તાપમાને તૈયાર થયેલી ક્વાટર્ઝ શિરાઓ સાથે; ગ્રૅનાઇટ અને રહાયોલાઇટમાં મળતાં કોટરોમાં; ખડકોના સંપર્કવિભાગોમાં અને કાંપમય નિક્ષેપોમાં ઉષ્ણબાષ્પ પ્રક્રિયાથી તે ઉત્પન્ન થાય છે.
પ્રાપ્તિસ્થાનો : યુ.એસ., મેક્સિકો, બ્રાઝિલ, આયર્લૅન્ડ, નૉર્વે, સ્વીડન, જર્મની, યુરલ પર્વતો, નાઇજીરિયા, નૈર્ઋત્ય આફ્રિકા, શ્રીલંકા, મ્યાનમાર, જાપાન, ઑસ્ટ્રેલિયા, ટાસ્માનિયા.
ઉપયોગ : પારદર્શક સ્ફટિકો રત્ન તરીકે ઉપયોગમાં લેવાય છે. તે ચિનાઈ માટીનાં વાસણો પર ઓપ આપવા માટેના મસાલામાં ઉમેરાય છે.
સહયોગી ખનિજો : કૅસિટરાઇટ, ટુર્મેલીન, ક્વાટર્ઝ, ફ્લોરાઇટ, એપેટાઇટ, બેરીલ, અબરખ, શિલાઇટ, વુલ્ફ્રેમાઇટ, ઝર્કોન.
ટોપાઝ રત્ન તરીકે : ઍલ્યુમિનિયમ ફ્લોસિલિકેટ. બ્રાઝિલ, રશિયા (યુરલ), આયર્લૅન્ડ(મૉર્ન પર્વતો)માંથી સારા સ્ફટિકો મળી રહે છે. બ્રાઝિલમાંથી મળી રહેતા મદ્યસમ પીળા રંગના પારદર્શક સ્ફટિકો મૂલ્યવાન હોઈ તેની ઘણી માગ રહે છે. તે ગ્રૅનાઇટ કે સમકક્ષ પેગ્મેટાઇટનાં ડાઇક અંતર્ભેદનો સાથે સંકળાયેલાં હોય છે. ટોપાઝનો ઉપયોગ મુખ્યત્વે રત્ન તરીકે અલંકારોમાં થાય છે. ક્વાર્ટ્ઝ (7) કરતાં તે વધુ કઠિન (8) હોવા છતાં સંભેદનશીલ હોઈને ઓછું ર્દઢ હોય છે. તે ક્યારેક અનેકરંગિતા પણ બતાવે છે. ગુરુના નંગ તરીકે તેનો બહુધા ઉપયોગ થાય છે. પશ્ચિમના દેશોમાં એવી માન્યતા પ્રવર્તે છે કે તે નવેમ્બર માસનું નંગ છે અને તે મહિનામાં પહેરવાથી વફાદારી પ્રાપ્ત થાય છે. પીળા રંગના ક્વાર્ટ્ઝ સિટ્રિન ટોપાઝ તરીકે ખપે છે. આવા જ રંગવાળાં કોરંડમ પણ ઓરિયેન્ટલ ટોપાઝ તરીકે ટોપાઝને નામે વેચાય છે. રાસાયણિક રીતે કૃત્રિમ પોખરાજ હવે બનાવી શકાય છે અને પ્રકાશીય ગુણધર્મ દ્વારા તેની પરખ કરી અલગ તારવી શકાય છે.
ગિરીશભાઈ પંડ્યા