ટોચનો ઝાળ : સૂક્ષ્મ જીવોના આક્રમણની અસર હેઠળ વનસ્પતિની ટોચનો ભાગ સુકાઈ જવાની પ્રક્રિયાની શરૂઆત, જેથી આ સુકાયેલા ભાગને ગરમી લાગતાં આ પાન સાવ સુકાઈ જાય છે. આંબાના પાનનો ટોચનો ઝાળ ફાયલોસ્ટીકલા મેન્જીફેરી નામની ફૂગ દ્વારા  ટોચ ઝળાઈ જવાથી થાય છે અને ભૂખરી બદામી થઈને સુકાઈ જાય છે. તેની ઉપર પાતળી છારી બાઝી જાય છે. કિનારીનો ભાગ અનિયમિત ગાઢા બદામી બને છે. શરૂઆતમાં મુખ્ય શિરા પકડાય છે, જે ગાઢી કે કાળી બદામી બને છે. પ્રથમ ફૂગ પાનની નીચેની સપાટીની નસ ઉપર આક્રમણ કરે છે અને ત્વરિત ગતિએ ટોચની દિશામાં આગળ વધે છે. ત્યારબાદ શિરાની બંને બાજુએ ધાર ઉપર સુકારો ઝડપથી વધતાં ટોચ પર ઊંધા ‘V’ આકારની રચના બનાવે છે. આવો સુકારો પાનની 2/3 ભાગ જેટલી સપાટી આવરે છે. રોગગ્રસ્ત ભાગ ઉપર ભૂખરા, રાખોડી રંગનું  ચમકતું આવરણ થયું હોય એવું ભાસે છે. જખમનો છેવટનો વિસ્તાર અને તંદુરસ્ત સપાટીના જોડાણ આગળની સીમારેખા સ્પષ્ટ રીતે ગાઢી બદામી અથવા કાળા રંગની બને છે. આ રેખાની આગળના તંદુરસ્ત ભાગ તરફની થોડીક પટ્ટી હલકા ઝાંખા રંગની બને છે. સુકાયેલા ભાગની નીચલી સપાટીનું અવલોકન કરતાં નજીક નજીક છતાં સ્પષ્ટ રીતે છૂટાં કાળા રંગનાં વલયો ઊપસી આવેલાં દેખાય છે. આવાં ઝળાયેલાં પાન અપરિપક્વ અવસ્થાએ જ ખરી પડે છે. ફૂગનું આક્રમણ ડાળીઓ ઉપર થતાં તે ચીમળાઈને સુકારાના જખમો ઉત્પન્ન કરે છે. આક્રમણ સીધું ડાળી ઉપર થતું હોય તો પાન ઝળાઈને ખરી પડતાં નથી, પરંતુ જે તે ડાળીનાં સમગ્ર પાન  એકીસાથે સુકાઈ ડાળી ક્ષીણ બની જાય છે.

આવી રોગિષ્ઠ સુકાયેલી ડાળીઓમાં ફૂગ પ્રતિકૂળ વાતાવરણમાં જીવંત રહે છે, જે સાનુકૂળ વાતાવરણ મળતાં તંદુરસ્ત પાન અને ડાળીઓને ચેપ લગાડે છે. આ રોગને મધ્યમ તાપમાન અને ભેજવાળું વાતાવરણ અનુકૂળ રહે છે.

રોગનિયંત્રણ માટે આંબાના પાકસંરક્ષણ સૂચિપત્ર મુજબ છંટકાવ કરવામાં આવે છે.

હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ