ટૉલ્યુઈન (મિથાઇલ બેન્ઝિન) : ઔદ્યોગિક રસાયણોના ઉત્પાદનમાં ખૂબ વપરાતો ઍરોમૅટિક રંગવિહીન પ્રવાહી હાઇડ્રોકાર્બન. કોલટારના હળવા (light) તેલના ઘટક-વિભાગમાં તે 15 %થી 20 % જેટલો હોય છે. પેટ્રોલિયમમાં તે અલ્પ પ્રમાણમાં હોય છે. ઔદ્યોગિક ઉપયોગ માટે તે બંનેમાંથી ટૉલ્યુઈન મેળવાય છે પરંતુ મોટાભાગનું ટૉલ્યુઈન પેટ્રોલિયમ નેફ્થાના ઉદ્દીપન વડે કરાતી ભંજન (cracking) પ્રક્રિયાથી મેળવવામાં આવે છે.
ઉદ્યોગમાં ટૉલ્યુઈન ટ્રાઇનાઇટ્રો ટૉલ્યુઈન(TNT)ના ઉત્પાદન માટે તથા બેન્ઝોઇક ઍસિડ, સૅકરિન રંગકો, ફોટોગ્રાફી માટેનાં રસાયણો તેમજ અનેકવિધ ઔષધો બનાવવા મધ્યસ્થી તરીકે વપરાય છે. આ ઉપરાંત દ્રાવક તરીકે પણ તેનો વપરાશ થાય છે. શુદ્ધ ટૉલ્યુઈનનું ગ. બિં. −95° સે. અને ઉ. બિં. 110.6° સે. છે. તે રંગવિહીન, જ્વલનશીલ, વિષાળુ અને પાણીમાં અદ્રાવ્ય પરંતુ સામાન્ય કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે. તેનું સૂત્ર C6H5CH3 છે.
જ. પો. ત્રિવેદી