ટૉગલ મિકૅનિઝમ : નાના ચાલક બળ વડે મોટા પ્રતિરોધ (resistance) ઉપર પ્રભુત્વ મેળવવા માટેની યંત્રરચના. કડીઓ વચ્ચેના સપાટ ખૂણાને સીધા કરીને તે રચના પ્રાપ્ત કરવામાં આવે છે. સાથેની આકૃતિમાં ટૉગલ યંત્રરચના દર્શાવેલ છે.
આ યંત્રરચનામાં કડી 4 અને 5 સરખી લંબાઈની છે. ખૂણો a જેમ ઘટતો જાય તેમ કડી 4 અને 5 એકરૈખિક (collinear) બને છે. P અને Q વચ્ચેનો સંબંધ P/Q = 2 tan a વડે દર્શાવી શકાય છે. આ પ્રકારની યંત્રરચના, પથ્થરદળણયંત્ર (stone crusher) પકડ, ઘર્ષણ ક્લચ, વાયુચાલિત રિવેટર, પ્રેસ વગેરેમાં વપરાય છે. આકૃતિમાં વાયુચાલિત રિવેટરમાં વપરાતી યંત્રરચનાનો સિદ્ધાંત દર્શાવેલો છે. ઍર –પિસ્ટન જમણી બાજુએ ખસે છે. લિંક 4 ઝૂલે છે, જ્યારે લિંક 5 પિસ્ટનને ધક્કો મારે છે. લિંક 4 ઊર્ધ્વ દિશામાં આવે ત્યારે લિંક 3 ઉપરના નાના બળ વડે પિસ્ટન ઉપર મોટું બળ ઉત્પન્ન થાય છે.
પ્રદીપ સુરેન્દ્ર દેસાઈ