ટૉકન્ટીન્સ : મધ્ય બ્રાઝિલની નદી. તે ઉત્તરે વહીને ઍટલાન્ટિક મહાસાગરને મળે છે. તે આશરે 2700 કિમી.ની લંબાઈ ધરાવે છે. બ્રાઝિલના ગુરેઇસ રાજ્યમાં આવેલા દક્ષિણ-મધ્યના ઉચ્ચપ્રદેશમાંથી તે રિયોસ દાસ આલ્માસ અને મૅરનયેઉં નામના મુખ્ય જળપ્રવાહ રૂપે ઉદભવીને ઉત્તર તરફ વહે છે. આ દરમિયાન તેને રિયો મૅન્યુએલ આલ્વેસ ગ્રાન્ડ નામની નદી મળે છે. ઉત્તર તરફનો તેનો કેટલોક વહનમાર્ગ ગુરેઇસિ તથા મૅરનયેઉં રાજ્યો વચ્ચેની સીમા દર્શાવે છે. આશરે 5° 30´ દ. અક્ષાંશ વૃત્ત પર તેનો પ્રવાહ આરગ્વાઇયા નદીના પ્રવાહ સાથે ભળે છે, અને ત્યાર પછી તે વિસ્તૃત બને છે. આ પછી ઍમેઝોનના મુખત્રિકોણ પ્રદેશની નજીકમાં આવેલી પારા નદી સાથે સંગમ પામી, છેવટે તેનાં જળ ઍટલાન્ટિક મહાસાગરમાં ઠલવાય છે.
આ નદી જળમાર્ગ તરીકે ખૂબ ઓછી ઉપયોગી છે, કારણ કે તેનો વહનમાર્ગ જળધોધ અને જળપ્રપાતથી અવરોધાયેલો છે. આમ છતાં માત્ર તેના હેઠવાસમાં થોડાક પ્રમાણમાં જળવ્યવહાર થઈ શકે છે. 1988માં બ્રાઝિલની સરકારે આ નદી પર સંખ્યાબંધ જળવિદ્યુત એકમો સ્થાપવાનું આયોજન કર્યું હતું. આ પૈકીનું ટુકુરુઈ ખાતેનું 8000 મેગાવૉટ ક્ષમતાવાળું જળવિદ્યુત મથક કામ કરતું થયું છે. તેની ઉપરવાસના કેટલાક ભાગો ‘રાષ્ટ્રીય ઉદ્યાન’ માટે આરક્ષિત રાખવામાં આવ્યા છે.
બીજલ પરમાર