ટેરિલીન (પૉલિઇથિલીન ટરફ્થેલેટ) : પૉલિએસ્ટર પ્રકારનો બહુલક પદાર્થ. ‘ટેરિલીન’ તેનું વેપારી નામ છે. બ્રિટનની ઇમ્પીરિયલ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ નામની પેઢીનો તે ટ્રેડમાર્ક છે. તેના વિજ્ઞાનીઓ વિનફિલ્ડ અને ડિક્સને 1941માં ટેરિલીનની શોધ કરી. તે ડેક્રોન તથા માયલાર તરીકે પણ જાણીતો છે. ઇથિલીન ગ્લાઇકૉલ અને ટેરફ્થેલિક ઍસિડના અમ્લ ઉદ્દીપકીય ઍસ્ટરીકરણ દ્વારા તે મેળવાય છે.
અન્ય એક રીત મુજબ એક એસ્ટરનું બીજા એસ્ટરમાં રૂપાંતર એટલે કે ટ્રાન્સ-એસ્ટરીકરણ કરીને પણ તે મેળવી શકાય છે. વ્યાવસાયિક ઔદ્યોગિક સંશ્લેષણ રીતમાં બે ટ્રાન્સ-એસ્ટરીકરણ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે. પ્રથમ સોપાનમાં ડાયમિથાઇલ ટેરફ્થેલેટ તથા વધુ પ્રમાણમાં ઇથિલીન ગ્લાઇકૉલને બેઝિક ઉદ્દીપકની હાજરીમાં 200° સે. તાપમાને ગરમ કરી, મિશ્રણનું નિસ્યંદન કરતાં મિથેનોલ (ઉ. બિં. 65° સે.) દૂર થઈને નવો એસ્ટર – બે મોલ ઇથિલીન ગ્લાઇકોલ તથા એક મોલ ટેરફ્થેલિક ઍસિડ દ્વારા – મળે છે. આ નવો એસ્ટર ઊંચા તાપમાને (~ 280° સે.) ગરમ કરતાં ઇથિલીન ગ્લાઇકોલ ઉ. બિં. 198° સે.નું નિસ્યંદન થતાં તે નીકળી જાય છે. તથા (ટ્રાન્સ-એસ્ટરીકરણનું બીજું સોપાન) બહુલીકરણ પ્રક્રિયા થાય છે.
આ સંકલન-બહુલીકરણ પ્રક્રિયા છે. આ રીતે મળતું ટેરિલીન ~ 270° સે. તાપમાને પીગળે છે. પિગાળીને તેનું રેસામાં રૂપાંતર કરવાથી ટેરિલીન કે ડેક્રોન મળે છે. તેનું ફિલ્મ તરીકે પણ રૂપાંતર કરી શકાય છે જે માયલાર નામે ઓળખાય છે.
જ. પો. ત્રિવેદી