ટેન કમાન્ડમેન્ટ્સ, ધ : 1956નું ઑસ્કારવિજેતા અમેરિકન ચલચિત્ર. નિર્માણસંસ્થા : પૅરેમાઉન્ટ; નિર્માતા-દિગ્દર્શક : સેસિલ બી. દ મિલ; કલાકારો : ચાર્લ્ટન હેસ્ટર, યુલ બ્રિનર, ઍન બેક્સ્ટર, ઍડવર્ડ જી. રૉબિન્સન, ટ્વોન ડી કાર્લો, ડેબરા પેજેટ; છબીકલા : લૉયલ ગ્રિગ્સ, જ્હૉન એફ. વૉરેન, ડબલ્યૂ. વૉલેસ કેલી, પેવેરેલ માર્લી તથા સંગીત : એલ્મર બર્ન-સ્ટેન.
બાઇબલની કથાઓની પૃષ્ઠભૂમિ પર નિર્માણ થયેલ સેસિલ બી. દ મિલની આ ભવ્ય ફિલ્મ પાછળ તે જમાનામાં 1 કરોડ 35 લાખ ડૉલર જેટલી ગંજાવર રકમ ખર્ચાઈ હતી. નાણાં ઉપરાંત સખત પરિશ્રમથી તૈયાર થયેલી આ ફિલ્મને વિશ્વભરમાં અસાધારણ સફળતા સાંપડી છે. લગભગ 8 કરોડ ડૉલરની આવકનો વિક્રમ આ ફિલ્મે નોંધાવ્યો હતો.
ઇઝરાયલના લોકો ગુલામ અવસ્થામાં પોતાનું જીવન વિતાવી રહ્યા હતા. તે સમયની આ ચલચિત્રની કથા છે. ઇજિપ્તના શાસકો ત્યારે સત્તા ઉપર હતા. ઇઝરાયલની પ્રજા ઉપર તેઓ સિતમ વરસાવી રહ્યા હતા ત્યારે તેમના તારણહાર તરીકે મોઝિઝનો જન્મ થયો. ફિલ્મનાં વિસ્મયકારક ર્દશ્યો મુગ્ધ કરી દે તેવાં છે. અંધકારનો પડછાયો સમગ્ર નગર ઉપર પથરાતો જાય છે તે પ્રસંગ અને દરિયાના બે ભાગ પડી જાય છે તેનાં ર્દશ્યો સાચે જ પ્રેક્ષકોને જકડી રાખે છે.
ફિલ્મમાં લગભગ 25,000 કલાકારોએ ભાગ લીધો હતો.
1956માં નિર્માણ થયેલાં ચલચિત્રોમાંથી આ ચલચિત્રને છ જુદા જુદા કસબો માટે ઑસ્કાર નૉમિનેશન પ્રાપ્ત થયાં હતાં તે પૈકી શ્રેષ્ઠ વિઝયુઅલ ઇફેક્ટ્સ માટે આ ચલચિત્રને તે વર્ષનો ઑસ્કાર ઍવૉર્ડ એનાયત થયો હતો.
પીયૂષ વ્યાસ