ટેન્ડર : ખરીદનાર તરફથી માલસામગ્રીની ખરીદી અથવા જૉબ-કામને લગતી જાહેરાતના સંદર્ભમાં વેચનાર કે કૉન્ટ્રેક્ટર દ્વારા નિર્દેશિત અંદાજિત કિંમત મુજબ ભરવામાં આવતું ભાવપત્રક. ટેન્ડરની પ્રક્રિયામાં બે પક્ષકારો હોય છે. ખરીદનાર એટલે કે ટેન્ડર બહાર પાડનાર અને વેચનાર એટલે કે ટેન્ડર ભરનાર. ચીજવસ્તુ ખરીદવા અથવા સેવા મેળવવા ઉત્સુકે અખબારોમાં એની અંદાજિત કિંમત સહિત વિગતોનું વર્ણન કરતી જાહેરખબર, જાહેરનિવિદા અથવા ભાવનિવિદા આપી હોય ત્યારે તેને સંસ્થા કે વેપારી દ્વારા ભરીને મોકલવામાં આવતું ઇરાદાપત્ર ટેન્ડર તરીકે ઓળખાય છે. ટેન્ડર બહાર પાડનાર ટેન્ડરની રૂપરેખામાં સામાન્ય રીતે વસ્તુની વિગત, જથ્થો, અંદાજિત કિંમત, સમયગાળો, ધંધાકીય શરતો અને ટેન્ડર બહાર પાડનાર હોદ્દેદાર અથવા અમલદારની સહી વગેરેનો સમાવેશ કરે છે. સામા પક્ષે ટેન્ડર ભરનાર પોતે જે કિંમતથી ચીજવસ્તુ કે સેવા અમુક ચોક્કસ સમય દરમિયાન પૂરી પાડવા તૈયાર છે તેવી અંદાજિત કિંમત દર્શાવે છે. આવી અંદાજિત કિંમત નક્કી કરવામાં ટેન્ડર ભરનાર તેની આગલાં વર્ષોની (ભૂતકાળની) પડતર-કિંમત, કિંમતમાં કાળક્રમે થનારો સંભવિત વધારો અને મેળવવાપાત્ર નફો ધ્યાનમાં લે છે. ટેન્ડરમાં માલસામગ્રીની અંદાજિત કિંમત નક્કી કરવામાં જુદી જુદી પદ્ધતિનો ઉપયોગ થાય છે. સામાન્ય પદ્ધતિમાં પ્રાથમિક પડતર (prime cost), કારખાના-પડતર (factory cost), ઑફિસ-પડતર (office cost) અને વેચાણ-પડતર (selling cost) ધ્યાનમાં લઈને તથા મેળવવા પાત્ર નફો ઉમેરીને અંદાજિત કિંમત દર્શાવાય છે, છતાં ઘણી વાર સીમાન્ત પડતર (marginal cost)-પદ્ધતિ મુજબ પણ અંદાજિત કિંમત નક્કી કરવામાં આવે છે. આ પદ્ધતિમાં ખર્ચાને સીમાન્ત ખર્ચ અને પરિવર્તી ખર્ચ(variable cost)માં વહેંચવામાં આવે છે.
સીમાન્ત પડતરમાં પરિવર્તી ખર્ચમાં થવા પાત્ર ફેરફાર ધ્યાનમાં લઈને કુલ પડતર-કિંમત નક્કી કરીને અંદાજિત કિંમત દર્શાવાય છે. વિદેશી હરીફાઈ વગેરેના કારણે ભાવોમાં તેજી અથવા મંદીને લીધે ફેરફાર થાય તેવા સંજોગોમાં અને ટૂંકા ગાળા માટે સીમાન્ત પડતર પદ્ધતિ ઉપયોગમાં લેવામાં આવે છે.
ટેન્ડર ભરનારાઓમાંથી, જેઓ નિશ્ચિત કરેલા દિવસે અને સમયે નિશ્ચિત સ્થળે હાજર રહ્યા હોય, તેમની સમક્ષ બધાં ટેન્ડર ખોલવામાં આવે છે અને તેમાંથી સંતોષપ્રદ ટેન્ડરની ટેન્ડર બહાર પાડનાર પસંદગી કરે છે. તેને એક પણ ટેન્ડર સંતોષપ્રદ ન જણાય તો તે કોઈ પણ ટેન્ડર સ્વીકારવા અથવા સૌથી ઓછી અંદાજિત કિંમતનું ટેન્ડર સ્વીકારવા બંધાયેલો નથી. વળી ટેન્ડર સ્વીકારાય ત્યાર પછી જો ટેન્ડર ભરનાર ટેન્ડરની કોઈ પણ શરતનો ભંગ કરે તો તે નુકસાની આપવા બંધાયેલો છે.
સરકારી ખરીદી અથવા સરકારી બાંધકામ માટે ટેન્ડરનો ઉપયોગ વ્યાપક રીતે કરવામાં આવે છે. આની પાછળનો ઉદ્દેશ સારી ગુણવત્તાવાળી માલસામગ્રી કે સેવા વાજબી કિંમતે મેળવવાનો હોય છે.
પ્રવીણસિંહ કેસરસિંહ રાઠોડ