ટેનેસી : યુ.એસ.ના અગ્નિ ભાગમાં આવેલું દેશનું સંલગ્ન રાજ્ય. 35° 10´ ઉત્તર અક્ષાંશ તથા 85° 10´ પશ્ચિમ રેખાંશ આજુબાજુ તે આવેલું છે. તેની ઉત્તરે કેન્ટકી અને વર્જિનિયા, પૂર્વમાં ઉત્તર કૅરોલિના, દક્ષિણે જ્યૉર્જિયા, આલાબામા અને મિસિસિપી રાજ્યો તથા પશ્ચિમમાં મિસિસિપી નદી આવેલાં છે. આ નદી આર્કાન્સાસ (Arkansas) અને મિસૂરીને જુદાં પાડે છે. આ રાજ્યની પૂર્વપશ્ચિમ લંબાઈ આશરે 692 કિમી. તથા પહોળાઈ આશરે 344 કિમી. છે. તેનું કુલ ક્ષેત્રફળ 1,06,752 ચોકિમી. છે. તે અમેરિકાના ઉત્તર અને દક્ષિણ ભાગને જોડતી કડી છે. રાજ્યની વસ્તી 69,16,897 (2020) છે.
આ રાજ્ય પૂર્વ, મધ્ય અને પશ્ચિમ ટેનેસી – આ ત્રણ વિભાગમાં વહેંચાયેલું છે. આ રાજ્યના દરેક ભાગની આબોહવા સમાન છે. તેનું ભૂપૃષ્ઠ ઘણું વૈવિધ્યપૂર્ણ છે. તેની પૂર્વ સીમા ઉપર દુર્ગમ પર્વતમાળાઓ આવેલી છે. ટેનેસી નદી ઓહાયો નદીની સહુથી મોટી ઉપનદી છે. તેથી તે નૌકાપરિવહન માટે વધુ ઉપયોગી બને છે. પૂર્વ બાજુએ આવેલી પર્વતમાળામાંથી વહેતી બધી જ નાની નદીઓ ટેનેસીને મળે છે.
રાજ્યની આબોહવા ઘણી જ આહલાદક છે. શિયાળામાં અહીંનું તાપમાન ક્યારેક શૂન્ય અંશ સુધી નીચે ઊતરી જાય છે, જ્યારે ઉનાળાના તાપમાનમાં 16° સે.થી 22° સે. વચ્ચે વધઘટ થયા કરે છે. વસંત ઋતુમાં ટેનેસીમાં સૌથી વધુ વર્ષા થાય છે. આ રાજ્ય વિવિધ વનસ્પતિજીવન માટે પ્રખ્યાત છે. રાજ્યના અડધા ભાગમાં જંગલો આવેલાં છે.
આ રાજ્યમાં રાસાયણિક નીપજો ઉપરાંત ખાદ્યપ્રક્રમણ, પીણાં, યંત્રો તથા મોટરગાડીઓનું ઉત્પાદન થાય છે. મેમ્ફિસ નગર રાજ્યનું મહત્વનું વ્યાપારી કેન્દ્ર છે. કૃષિપેદાશોમાં માંસ, દૂધની બનાવટો, સોયાબીન તથા તમાકુનો સમાવેશ થાય છે.
આ રાજ્ય ખનિજોથી સમૃદ્ધ છે, જેમાં બિટુમેન, કોલસો તથા જસત મહત્વનાં છે.
નૅશવિલ આ રાજ્યની રાજધાની છે. વસ્તી 6,24,496 (2012). દેશના સંગીતનું તે પ્રમુખ સ્થાન ગણાય છે. નૅશવિલ ઉપરાંત, મેમ્ફિસ, નૉક્સવિલ તથા ચૅટનૂગા રાજ્યનાં મોટાં નગરો છે.
આશરે 8000 વર્ષ પહેલાંથી આ પ્રદેશમાં જનજાતિઓ રહેતી હતી. સોળમી સદીમાં ત્યાં સ્પેનના ખોજયાત્રીઓ દાખલ થયા. સત્તરમી સદીમાં ફ્રેન્ચો તથા અંગ્રેજો ત્યાં આવ્યા. 1763માં ત્યાં બ્રિટિશ શાસન દાખલ થયું. 1796માં તે અમેરિકાનું સંલગ્ન રાજ્ય બન્યું.
ગિરીશ ભટ્ટ