ટેક્ટાઇટ : 1. ટેક્ટાઇટ (tektites) : કાચમય બંધારણવાળી ઉલ્કાઓ. શંકાસ્પદ અવકાશીય ઉત્પત્તિજન્ય વિવિધ ગોળાઈવાળા આકારો ધરાવતા લીલાથી કાળા કાચમય દ્રવ્યથી બનેલા પદાર્થો માટે આ શબ્દ વપરાય છે. તેમની ઉલ્કાજન્ય ઉત્પત્તિ માટે નિષ્ણાતો શંકા સેવે છે  અને સૂચવે છે કે પૃથ્વી કે ચંદ્ર પર થયેલી ઉલ્કા-અથડામણને કારણે તૂટીને છૂટું પડેલું દ્રવ્ય ગલન પામવાથી અને તરત જ ઠરી જવાથી આ પ્રકારનાં ગોળાકાર સ્વરૂપોમાં ફેરવાતું હોય છે. ટેક્ટાઇટનાં વિશિષ્ટ સ્વરૂપોને ઑસ્ટ્રેલાઇટ, મોલ્ડવાઇટ વગેરે નામો અપાયાં છે અને  ઉપર ઉપરથી તે ઑબ્સિડિયન જેવા દેખાય છે પરંતુ રાસાયણિક બંધારણ  ઑબ્સિડિયનથી જુદું પડે છે અને મૃણ્મય નિક્ષેપોને વધુ મળતું આવે છે. તેમાં 68થી 82 % સિલિકાનું બંધારણ અને પાણીનું અલ્પ પ્રમાણ હોય છે. તે જર્મની, ચેક પ્રજાસત્તાક, ઘાના અને આઇવરી કોસ્ટમાંથી પ્રાપ્ત થાય છે.

2. ટેક્ટાઇટ (tactites) : ‘સ્કાર્ન’ને લગભગ મળતા આવતા ખડક માટે ઉપયોગમાં લેવાતો સમાનાર્થી શબ્દ. કાર્બોનેટ ખડકો પર થતી સંપર્ક વિકૃતિ (contact metamorphism) અને કણશ: વિસ્થાપન ક્રિયા (contact metasomatism) દ્વારા ઉદભવતા જટિલ ખનિજ બંધારણવાળા ખડકો માટે વપરાતો શબ્દ; દા. ત., કૅલ્ક સિલિકેટ હૉર્નફેલ્સ, ઉષ્ણબાષ્પ જનિત હૉર્નફેલ્સ, કૅલ્ક ફ્લિન્ટા, વગેરે ખડકોને સ્કાર્ન પર્યાય હેઠળ આવરી લેવાય છે. મોટાભાગના હૉર્નફેલ્સ ખડકો અશુદ્ધ ચૂનાખડકો કે અશુદ્ધ ડોલોમાઇટ પર થતી ઉષ્ણતા-વિકૃતિને કારણે તૈયાર થાય છે. આ પ્રક્રિયામાં સામેલ થતા જૂના ખડકો પુન: સ્ફટિકીકરણ પામે છે અને અસર હેઠળ આવતો ખડકવિભાગ વિવિધ કૅલ્શિયમ-મૅગ્નેશિયમધારક સિલિકેટ ખનિજોમાં પરિવર્તિત થાય છે; એટલું જ નહિ, તેમાં Si, Al, Fe અને Mg ઠીક ઠીક પ્રમાણમાં ઉમેરાય છે. આ પ્રકારના ખડકોમાં વૉલેસ્ટોનાઇટ, ફૉર્સ્ટેરાઇટ (ઑલિવીન), ગ્રૉસ્યુલરાઇટ (ગાર્નેટ), ડાયોપ્સાઇડ, ઇડોક્રેઝ જેવાં ખનિજોની હાજરીથી હૉર્નફેલ્સ ખડકો ઓળખાઈ આવે છે.

ગિરીશભાઈ પંડ્યા