ટૅબર્નેકલ : પશ્ચિમી સ્થાપત્યમાં જોવા મળતો ચર્ચની મધ્યમાં આવેલ સુશોભિત ખાંચો, જેના પર વિતાન હોય. આ ખાંચામાં મૂર્તિ રખાય છે. પ્રૉટેસ્ટન્ટ પંથના ચર્ચના સભાખંડને માટે પણ આ શબ્દ વપરાય છે. વળી ઈ. સ. પૂ. 1490ના સમયગાળામાં ઇઝરાયલી પ્રજા દ્વારા બનાવાતા વિશાળ તંબૂને ટૅબર્નેકલ કહ્યો છે. આવો એક તંબૂ 48 મી. × 24 મી.નો હતો તેવો ઉલ્લેખ મળે છે. હિબ્રૂ ભાષામાં તેનો અર્થ સભામંડપ માટેનો તંબૂ થાય છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય તેવી રચનાઓમાં ટૅબર્નેકલનો ઉલ્લેખ સૌથી પ્રાચીન છે.
હેમંત વાળા