ટુર્મેલીનીકરણ

January, 2014

ટુર્મેલીનીકરણ : ફેલ્સ્પારની ટુર્મેલીનમાં ફેરવાવાની પ્રક્રિયા. ગ્રૅનાઇટ બંધારણવાળા મૅગ્માનાં અંતર્ભેદનો સાથે સંકળાયેલી ઉષ્ણબાષ્પ-ખનિજ પ્રક્રિયાને ત્રણ પ્રકારોમાં વહેંચેલી છે : (1) ટુર્મેલીનીકરણ, (2) ગ્રાયસેનીકરણ અને (3) કેઓલિનીકરણ. ટુર્મેલીનીકરણમાં ગ્રૅનાઇટના સ્ફટિકીકરણની અંતિમ સ્થિતિ વખતે મૅગ્માજન્ય અવશિષ્ટ દ્રાવણમાં જલબાષ્પ, બોરોનબાષ્પ અને ફ્લોરિનબાષ્પ જો સંયુક્તપણે સંકેન્દ્રિત થયેલી હોય અને તે મુક્ત બનીને ઘનીભૂત થયેલા ગ્રૅનાઇટ પરથી પસાર થાય તો તેમાંનો ઑર્થોક્લેઝ ફેલ્સ્પાર પરિવર્તિત થાય છે. ફેલ્સ્પારનું અંશત: પરિવર્તન થતાં લક્ઝુલિયેનાઇટ અથવા ટુર્મેલીન ગ્રૅનાઇટ નામનો ખડક તૈયાર થાય છે જેનું ખનિજબંધારણ મુખ્યત્વે ક્વાર્ટ્ઝ, ફેલ્સ્પાર અને ટુર્મેલીનથી બનેલું હોય છે; ફેલ્સ્પારનું પૂર્ણ પરિવર્તન થતાં શૉર્લ નામનો ખડક તૈયાર થાય છે, જેનું ખનિજબંધારણ માત્ર ક્વાટર્ઝ અને ટુર્મેલીનથી બનેલું હોય છે. ફેલ્સ્પારનું ટુર્મેલીનમાં પરિવર્તન થવાની પ્રક્રિયાને ટુર્મેલીનીકરણ કહે છે. (જુઓ, ઉષ્ણબાષ્પ ખનિજપ્રક્રિયા.) જ્યાં ગ્રૅનાઇટનું  અંતર્ભેદન થયેલું હોય ત્યાંના પ્રાદેશિક ખડકોનું ગ્રૅનાઇટિક મૅગ્માના સંસર્ગથી વિકૃતીકરણ થયું હોય છે – એક વિકૃતિજન્ય મંડલ (auriole) રચાતું હોય છે. (જુઓ : મંડળ, ભૂસ્તરીય.) આ પ્રાદેશિક ખડક પર પણ ટુર્મેલીનીકરણની અસર થતી હોય છે, જેને પરિણામે પ્રાદેશિક ખડકોના પ્રકાર અને કણરચના મુજબ ટુર્મેલીન હૉર્નફેલ્સ (જુઓ : હૉર્નફેલ્સ), ટુર્મેલીન શિસ્ટ અથવા ટુર્મેલીન સ્લેટ બને છે. આ ઉપરાંત અહીં ટુર્મેલીનની સાથે સાથે ઍન્ડેલ્યુસાઇટ અને કૉર્ડિરાઇટ જેવી વિકૃતિજન્ય ખનિજપેદાશો પણ તૈયાર થતી હોય છે.

ગિરીશભાઈ પંડ્યા