ટિલ (ટિલાઇટ) : હિમનદીના વહેણ વડે તળખડકોને લાગતા ઘસારાને કારણે બરફ ઓગળે તે સ્થળે જમા થતો સ્તરબદ્ધતાવિહીન નિક્ષેપ. તેને ગોળાશ્મ મૃત્તિકા (ગોલકમૃદ-boulder clay)પણ કહે છે. સંશ્લેષિત ટિલથી ઉદભવતો ઘનિષ્ઠ જળકૃત ખડક તે ટિલાઇટ. તળખડકોના પ્રકાર તેમજ હિમનદીથી થતા ઘસારા પ્રમાણે ટિલની કણરચના ચૂર્ણ જેવા અતિસૂક્ષ્મ દ્રવ્યથી માંડીને ભિન્ન ભિન્ન પરિમાણવાળા ગોળાશ્મ કે ખડકના ટુકડાઓની બનેલી હોય છે. ટિલના આવા જથ્થા છૂટા કે ઘનિષ્ઠ અને તેમની જાડાઈ ઓછીવત્તી હોઈ શકે છે, તે હિમઅશ્માવલિ, એસ્કર, હિમનદ ટીંબા (drumlin) વગેરે નામોથી પણ ઓળખાય છે. નિક્ષેપમાંના કણો સામાન્ય રીતે ચોક્કસ દિગ્વિન્યાસ (orientation) ધરાવે છે.
ટિલમાં રહેલું દ્રવ્ય માટી, કાંપકાદવ કે રેતીનું હોય છે. હિમનદીના વહન તેમજ તળખડક પર થતા હિમજથ્થાના દબાણને કારણે ટુકડાઓ ઘસાતા જાય ત્યારે તેમના પર પાસા કે રેખાંકનો પડતાં હોય છે. ટિલની પરખ માટે આ લક્ષણો ઉપયોગી બને છે. ક્યારેક રેતીના, ગ્રૅવલના કે કાંપકાદવના વ્યવસ્થિત વીક્ષાકાર-સ્વરૂપો (lenses) ટિલના જથ્થાઓમાં જોવા મળે છે. ટિલમાં મળી આવતા ખડકના ટુકડાઓ ભૌતિક રીતે વિભંજન પામી તૂટેલા હોય છે; તે વિઘટન પામેલા હોતા નથી. અનુકૂળ આબોહવા મળે તો ટિલના જથ્થાઓ ફળદ્રૂપ જમીનમાં ફેરવાય છે.
ગિરીશભાઈ પંડ્યા