ટિગ્મૅટિક ગેડીકરણ : કરચલીયુક્ત શિરા કે ખડકદ્રવ્યથી ઉદભવતી ગેડરચના. મૂળ ગ્રીક શબ્દ ‘ટિગ્મા’ અર્થાત્ કરચલીવાળો પદાર્થ. મિગ્મેટાઇટ ખડકમાં સામાન્યત: જોવા મળતા પ્રવાહવત્ ગેડીકરણના પ્રકાર માટે સર્વપ્રથમ આ શબ્દ વપરાયેલો, હવે આ પર્યાય ઉગ્ર વિકૃતિ ધરાવતા પ્રદેશોમાં તેમજ ગ્રૅનાઇટની ઉત્પત્તિવાળા વિસ્તારોમાં જોવા મળતી વધુ પડતી વળાંકવાળી ક્વાટર્ઝ-ફેલ્સ્પારયુક્ત શિરાઓ માટે પણ ઉપયોગમાં લેવાય છે.
આ પ્રકારના ગેડીકરણની ઉત્પત્તિ અંગે વિવિધ મતો પ્રવર્તે છે. તે માટે બે જુદા જુદા સિદ્ધાંતો આગળ ધરવામાં આવેલા છે : (1) શિરાઓ મૂળભૂત રીતે તો સમતલ પટ રૂપે માતૃખડકમાં અંતર્ભેદિત હોય, પરંતુ પછીથી તે ખડકો વિરૂપ થવાથી આ પ્રકારનું ગેડીકરણ થયું હોય. (2) વિશિષ્ટ સંજોગો હેઠળ અંતર્ભેદિત પ્રક્રિયા દરમિયાન આ પ્રકારનું ગેડીકરણ થયું હોય.
પ્રાયોગિક રીતે એવું નિદર્શન શક્ય છે કે નબળા માતૃખડકમાં અર્ધઘટ્ટ કે સુઘટ્ય (plastic) ગુણધર્મવાળા દ્રવ્યને દબાણપૂર્વક ઘુસાડવામાં આવે અને આગળ વધતાં તે ક્યાંક ર્દઢ પડોમાં પ્રવેશ કરે ત્યારે તે વળતું જઈને કરચલીઓના સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. બરોબર આ જ રીતે ગ્રૅનાઇટ કે મિગ્મેટાઇટ ખડકોમાં પ્રવેશેલી શિરાઓનું ટિગ્મૅટિક ગેડીકરણ થયું હોય છે; તેમ છતાં, તમામ પ્રકારોમાં થયેલું ટિગ્મૅટિક ગેડીકરણ માત્ર આ જ રીતે થાય એવું નથી. ટિગ્મૅટિક ગેડીકરણ જે રીતે જોવા મળે છે તેના અભ્યાસ પરથી વિલ્સને ત્રણ મુખ્ય વિભાગો પાડ્યા છે : (1) ક્વાર્ટ્ઝો ફેલ્સ્પેથિક દ્રવ્યના નબળા પ્રાદેશિક ખડકોમાં પ્રવિષ્ટ થવાથી ઉત્પન્ન થતા વળાંકો, (2) પ્રાદેશિક ખડકોમાં થતી વિરૂપતા દ્વારા અગાઉ પ્રવેશેલી શિરાઓમાં ઉત્પન્ન થતા વળાંકો, (3) પ્રાદેશિક ખડકોમાં જોવા મળતી શિરાઓનું ગેડીકરણ ખડકોમાં રહેલા વળાંકોને અનુસરે. આ ત્રીજા પ્રકારમાં (ક) ખડકસ્તરો અગાઉથી ઘનિષ્ઠ ગેડીકરણ પામેલા હોય અને શિરાઓ તે સ્તરોને અનુસરીને પ્રવેશે, (ખ) અંતર્ભેદન થયા પછીથી વિરૂપતા થાય અને શિરાઓ તેમાં પ્રવેશે, (ગ) ગેડીકરણ થતું હોય ત્યારે ખડકોમાં શિરાઓ પ્રવેશે. આ રીતે ટિગ્મૅટિક ગેડીકરણની રચના પૂર્વકાલીન (pretectonic), સમકાલીન (syntectonic) કે પશ્ચાત્કાલીન (posttectonic) હોઈ શકે.
ગિરીશભાઈ પંડ્યા