ટિક્કા : મગફળીના પાનને ફૂગથી થતાં ટપકાંનો રોગ. મગફળીના ટિક્કા રોગમાં જુદા જુદા સમયે બે તબક્કે છોડનાં પાન પર ટપકાં દેખાય છે. તે પેદા કરતી ફૂગની બે જુદી જુદી પ્રજાતિ છે. છોડ ચાર અઠવાડિયાંનો થાય તે પહેલાં સરકોસ્પોરા એરેચીડીકોલા નામની ફૂગથી રોગ લાગે છે અને લગભગ આઠ અઠવાડિયાં બાદ સરકોસ્પોરા પર્સોનેટા નામની ફૂગ ટપકાં અને ચાઠાં પાડે છે.
પાકનાં ચાર અઠવાડિયાં સુધીમાં પાન પર લીલો રંગ ઝાંખો પાડી નાખતાં ધાબાં પડે છે. આ ભાગમાં પછી ગોળ કે અનિયમિત આકારનાં લાલાશ પડતાં ઘેરા ભૂખરા રંગનાં ટપકાં જોવા મળે છે. આ ટપકાં નાનાં હોય ત્યારે એક મિમી. વ્યાસનાં હોય છે, જે વધીને 10 મિમી. વ્યાસ સુધીનાં મોટાં બને છે. આ ટપકાંની ફરતે આજુબાજુ પીળી કિનારી બને છે. આવાં ટપકાં સરકોસ્પોરા એરેચીડીકોલા નામની રોગકારક ફૂગને લીધે બને છે.
સરકોસ્પોરા પર્સોનેટા પ્રકારની ટિક્કા પેદા કરતી ફૂગ છોડ જ્યારે લગભગ આઠેક અઠવાડિયાંનો થાય ત્યારે રોગ લગાડે છે. આ વખતે દેખાતાં ટપકાં ગોળાકાર, ઘાટા ભૂખરા કથ્થાઈ રંગનાં કે કાળા રંગનાં હોય છે. આ રોગકારક ફૂગ પાનની નીચેની સપાટી પર બીજાણુ બનાવે છે, જે પવન વડે ફેલાઈ રોગ વધુ ફેલાવે છે.
રોગથી થતાં ટપકાં સાનુકૂળ પર્યાવરણ મળતાં એકબીજામાં જોડાઈ પાનને સૂકવી નાખે છે અને તેથી રોગિષ્ઠ પાન ખરી પડે છે અને ચારાના ઉત્પાદનમાં નુકસાન થાય છે.
આ રોગનાં ચાઠાં પર્ણદંડ, ઉપપર્ણ, થડ તેમજ પુષ્પવિન્યાસ પર પણ પડતાં હોવાથી આવા પુષ્પવિન્યાસ પર કાં તો ફળ બેસતાં નથી અને બેસે છે તો પૂરાં ભરાતાં નથી. પરિણામે મગફળીના ઉત્પાદનમાં નુકસાન થાય છે.
મગફળી વાવ્યા પછી આ રોગ પ્રથમ તો જમીનમાં પડી રહેલ આગલી સાલના છોડનાં રોગવાળાં પાન, પર્ણદંડ કે થડના ટુકડાઓના અવશેષો પરથી ફેલાય છે. શરૂઆતમાં છોડનાં નીચેનાં પાન પર ટપકાં બને છે. બીજાણુ પેદા થયા પછી ત્યાંથી હવા દ્વારા ઊડી બીજાં તંદુરસ્ત પાન અને છોડ પર પડી રોગ ફેલાવે છે. 25°થી 30° સે. તાપમાન અને ભેજ આ રોગ માટે સાનુકૂળ વાતાવરણ પેદા કરે છે.
આ રોગના નિયંત્રણ માટે નીચે જણાવેલ ઉપાયો લેવામાં આવે છે : રોગ ઓછો લાગે તે માટે ખેતરમાંથી મગફળી ઉપાડી લીધા પછી છોડના રોગિષ્ઠ અવશેષો વીણી બાળી નાખવામાં આવે છે.
મગફળીનો પાક 35 દિવસનો થાય ત્યારે કાર્બેન્ડેઝીમ દવા 0.025 %ના પ્રમાણમાં છાંટવી પડે છે. આવો બીજો છંટકાવ પહેલા છંટકાવ પછી 12થી 15 દિવસના અંતરે કરવામાં આવે છે. 50 %વાળી કાર્બેન્ડેઝીમ દવા 0.025 %નું પ્રમાણ ગણતાં એક લિટર પાણીમાં અડધો ગ્રામ દવાને હિસાબે ઓગાળીને છંટાય છે.
પાકના રોગના નિયંત્રણમાં તે રોગ આપણા વિસ્તારમાં પાકની કઈ અવસ્થામાં શરૂ થાય છે તે અવલોકન અને અનુભવ પરથી નક્કી કરી રોગ લાગવાના ધારેલ સમય કરતાં બે-ચાર દિવસ પહેલાં છંટકાવ કરવામાં આવે તો ફાયદો થાય છે.
હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ