ટિકિટસંગ્રહ : વિશેષ રુચિ કે શોખથી કરવામાં આવતો ટપાલટિકિટનો સંગ્રહ. આ શોખ વિશ્વના સંગ્રહશોખોમાં સૌથી લોકપ્રિય અને વ્યાપક છે. નાનામોટા, નિર્ધનધનવાન બધા વર્ગના લોકો ટિકિટોનો સંગ્રહ કરે છે. આથી આ શોખને ‘રાજાઓનો શોખ અને શોખનો રાજા’ કહે છે. ઇંગ્લૅન્ડના રાજાઓ (જેમકે, પાંચમા જ્યૉર્જ) અને યુનાઇટેડ સ્ટેટ્સના પ્રમુખો (જેમકે, ફ્રૅન્કલિન રૂઝવેલ્ટ) પણ સંગ્રાહકો તરીકે જાણીતા બન્યા છે.

ટિકિટસંગ્રહનો શોખ ક્યારે અને કેવી રીતે શરૂ થયો તે કહેવું મુશ્કેલ છે, પરંતુ સંભવત: તે એક અજ્ઞાત બ્રિટિશ મહિલા નાગરિક દ્વારા શરૂ થયો એમ માનવામાં આવે છે. આ અજ્ઞાત મહિલા- સંગ્રાહકને ટપાલટિકિટો ગમી જતાં તેમણે પોતાના ડ્રૅસિંગ રૂમને શણગારવા માટે વપરાયેલી ટિકિટો મેળવવા માટે 1841માં ‘ધ ટાઇમ્સ ઑવ્ લંડન’માં એક વિજ્ઞાપન છપાવેલ અને ત્યારથી શરૂ થયો ટિકિટસંગ્રહનો  એક અદભુત શોખ, જે આજે કલા અને સંગ્રહનો એક વિશિષ્ટ શોખ ગણવામાં આવે છે. કલા એટલા માટે કે ટપાલટિકિટ એ જે તે રાષ્ટ્રના સાંસ્કૃતિક, સામાજિક, આર્થિક, ઔદ્યોગિક વગેરે અનેક ક્ષેત્રોની પ્રગતિ દર્શાવતું પ્રતીક છે. ઉપરાંત તેની ડિઝાઇન અને છાપકામ પણ એક અત્યાધુનિક કલાનો વિષય રહ્યો છે. સંગ્રહની બાબતે તે સંગ્રાહકને જુદા જુદા રાષ્ટ્રની એેક જ વિષય પર બહાર પાડવામાં આવતી ટિકિટો દ્વારા ‘વસુધૈવ કુટુમ્બકમ્’ના સિદ્ધાંતને જાણવા અને માણવાની તક આપે છે અને સમય જતાં તેના સંગ્રહની બજારકિંમત વધતાં તે આર્થિક રીતે પણ ઉપયોગી થઈ શકે છે. આમ, ટિકિટસંગ્રહ જ્ઞાન સાથે ગમ્મત મેળવવાનું સરસ માધ્યમ છે.

ટિકિટસંગ્રહના શોખની વ્યાપકતા એટલી બધી છે કે તે ઉંમર તથા સમાજના વિવિધ વર્ગોથી પણ પર રહે છે અને ઉંમર તથા વર્ગના બાધ વગર બે ટિકિટસંગ્રાહકોને એક પળમાં ગાઢ મિત્ર બનાવી શકે છે તે તેની વિશિષ્ટતા છે.

‘સિંધ ડાક’ ભારતની પ્રથમ ટપાલટિકિટ

ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા સૌપ્રથમ બહાર પાડવામાં આવેલ લિથો-ટિકિટ

ભારત છોડો’ આંદોલન વખતે બહાર પાડેલી આ સિન્ડ્રેલા ટિકિટ પર સરકારે પ્રતિબંધ જાહેર કરેલો.

ટિકિટસંગ્રહના શોખની પ્રેરણા સામાન્યત: કોઈકના સંગ્રહને જોઈને, ક્યારેક સ્વયંસ્ફુરિત, ક્યારેક મિત્રો અથવા સંબંધીઓ દ્વારા ભેટમાં મળતાં અને ક્યારેક ટિકિટોનાં પ્રદર્શનો નિહાળી ઉદભવ પામે છે. મોટાભાગે તેની શરૂઆત શાળાની ઉંમરથી થાય છે અને જીવનપર્યંત ટકી રહે છે. કેટલીક વાર કૉલેજકાળ અથવા યૌવનકાળમાં સુષુપ્ત અવસ્થામાં રહી ઘણા લાંબા સમય બાદ તે જાગે છે.

ટિકિટસંગ્રાહકે પોતાના શોખને પાળવા અને પોષવા માટે સંગ્રહમાં વધારો કરવા ટિકિટો એકઠી કરવી પડે છે. ટિકિટો એકઠી કરવાનાં સૌથી પ્રચલિત માધ્યમો આ પ્રમાણે છે : (1) પોતાને ત્યાં આવતી ટપાલ પરની ટિકિટો, (2) પડોશીઓ, મિત્રો અને સગાસંબંધીઓને ત્યાં આવતી ટપાલ પરની ટિકિટો, (3) મિત્રો અને સંગ્રાહકો સાથે ટિકિટોની પરસ્પર અદલાબદલી, (4) ટિકિટસંગ્રાહકોની મંડળીમાં અવરજવર, (5) ટિકિટવિક્રેતા પાસેથી ખરીદી, (6) પોસ્ટ-ઑફિસ ફિલાટેલિક બ્યૂરોના સભ્યપદ દ્વારા અને (7) પત્રમૈત્રી દ્વારા વગેરે.

↑ રદ્દીકરણ               ↑ વિશિષ્ટ રદ્દીકરણ

 

↑  માત્ર સરકારી વપરાશમાં જ લેવાતી ‘સર્વિસ’ ટિકિટ

આ ઉપરાંત પોતાના વિષયને અનુરૂપ અલભ્ય અથવા મોંઘી ટિકિટો, ટિકિટોના લિલામ(stamp auctions)માં ભાગ લઈને પણ મેળવી શકાય છે.

હવે ટિકિટસંગ્રહ એક વ્યવસ્થિત શોખ બન્યો છે, જે આયોજનપૂર્વકની કાળજી, જાળવણી અને અભ્યાસ માગી લે છે. ટપાલ પર ચોંટાડેલ ટિકિટને વ્યવસ્થિત કાપી, પાણીમાં ડુબાડી, ધીરજ અને જતનપૂર્વક ઉખાડી અને ત્યારબાદ તેને સૂકવી પોતાના સંગ્રહમાં સામેલ કરવામાં આવે છે. પહેલાં સંગ્રાહકો પોતાની ટિકિટોને એકાદ નોટબુકમાં અથવા ચોપડામાં ગમે તેમ ચોંટાડી દઈ સંતોષ માનતા હતા. પણ હવે તો ટિકિટોને આયોજનપૂર્વક ગોઠવવા માટે ઘણી સહેલી રીતો ઉપલબ્ધ છે. આ માટે ત્રણ પદ્ધતિઓ જાણીતી છે : (1) ટિકિટોને  આલબમના કાગળો પર વિશિષ્ટ પ્રકારના કાગળના મિજાગરા દ્વારા ચોંટાડવી, (2) ટિકિટો માટેના વિશિષ્ટ પ્રકારના આલબમમાં ગોઠવવી. તેને stock book કહેવામાં આવે છે. તેમાં ટિકિટોને પારદર્શક પટ્ટીની નીચે ફક્ત ગોઠવી દેવાની જ હોય છે અને (3) હાવિડ માઉન્ટ તરીકે ઓળખાતી પારદર્શક પટ્ટીઓ ગોઠવી દઈ માઉન્ટને કાગળ પર ચોંટાડી દેવી. છેલ્લી પદ્ધતિ ખર્ચાળ પણ ટિકિટોની જાળવણી માટે ખૂબ જ સરળ અને વ્યવસ્થિત ઉપરાંત પ્રચલિત છે.

આયોજન : વર્ષો પૂર્વે ટિકિટો દેશવાર અથવા વર્ષવાર અથવા કોઈ બહુચર્ચિત વિષયવાર ગોઠવવામાં આવતી હતી; પણ હવે ટિકિટસંગ્રહના આયોજનમાં અભૂતપૂર્વ પરિવર્તન આવી ગયું છે. તેની સાથે જ સંગ્રાહકનાં ઊંડા અભ્યાસ અને તલસ્પર્શી જાણકારીને પણ એક વિશિષ્ટ અંગ ગણી લેવામાં આવ્યું છે. હવે ગમે તેમ ટિકિટો સંગ્રહ કરવી તેને નાણાં અને સમયના વ્યય બરાબર માનવામાં આવે છે. તેનાં મુખ્ય કારણોમાં જુદા જુદા દેશો દ્વારા વર્ષ દરમિયાન બહાર પાડવામાં આવતી ઘણીબધી ટિકિટો, તેમાંની વિવિધતા, ભારે મૂલ્ય, ગળાકાપ હરીફાઈ વગેરે છે.  આવી પરિસ્થિતિમાં કોઈ એક દેશનો સંપૂર્ણ વિગતવાર સંગ્રહ તૈયાર કરવો ધીમે ધીમે મુશ્કેલ તથા ખર્ચાળ બની રહે છે.

સૌથી વિશેષ તો ટિકિટસંગ્રહના વિષયમાં ઉમેરાયેલાં નવાં પરિમાણો છે : ટિકિટ માટે વપરાયેલ કાગળ, કાગળમાંનું જળચિહન, મુદ્રણ અને તેનો પ્રકાર, શાહી, રંગ, ટિકિટોનું રદ્દીકરણ, વિશિષ્ટ રદ્દીકરણ, ટિકિટ પર પાછળથી કરવામાં આવેલ છાપકામ (overprinting) વગેરે. આ વિશિષ્ટ પરિમાણોનો અભ્યાસ ટિકિટસંગ્રહના વિષયનું હવે અવિભાજ્ય અંગ ગણવામાં આવે છે. તે ટિકિટસંગ્રહને આયોજિત કરવામાં ઉપયોગી જ નહીં, બહુમૂલ્ય પણ છે; ઉપરાંત સંગ્રહની બજારકિંમતને ઊંચી લઈ જવામાં મહત્વનો ભાગ ભજવે છે.

સામાન્ય રીતે ટિકિટસંગ્રાહકો પોતાના સંગ્રહને નીચે મુજબના વિષયોમાં વિભાજિત કરી આગળ વધે છે : (1) એક જ દેશનો સંગ્રહ, (2) એક જ દેશનો ચોક્કસ સમય પૂરતો સંગ્રહ, (3) એક જ વિષય પરનો સંગ્રહ (thematic collection), (4) વિશિષ્ટ સંગ્રહ જેમાં જે તે દેશના ટપાલ-ઇતિહાસને આવરી લેવામાં આવે છે, (5) એક જ ટિકિટ પરનો તલસ્પર્શી સંગ્રહ, (6) વિશ્વયુદ્ધ બાદ વિશ્વયુદ્ધને સમયરેખા ગણી પહેલાંનો અને પછીનો સંગ્રહ (7) પરચૂરણ ટિકિટો જેમાં સમયાધીન સ્થાનિક ટિકિટો, ખાનગી રાહે બહાર પડાયેલી ટિકિટો, રેવન્યૂ ટિકિટો, ચેડાં કરેલી ટિકિટો, બનાવટી ટિકિટો (fakes), અલભ્ય ટિકિટોની નકલી ટિકિટો (forgeries), અજાણ્યા દેશોના નામે અથવા બનાવટી સરકારો દ્વારા બહાર પાડવામાં આવતી ટિકિટો (phantoms), પ્રચાર અર્થે બહાર પાડવામાં આવેલ ધર્માદા ટિકિટો (propaganda), ટેલિગ્રાફ, રજિસ્ટ્રેશન લેબલો, સ્ટ્રાઇક પોસ્ટ વગેરે જેને ‘સિન્ડ્રેલાઝ’ તરીકે ઓળખવામાં આવે છે, (8) ટપાલને લગતી સામગ્રી જેવી કે પરબીડિયાં, કાર્ડ અને રદ્દીકરણ મુદ્રાઓનો સંગ્રહ, (9) અતિ વિશિષ્ટ સંગ્રહ જે ટિકિટસંગ્રાહકના વિશિષ્ટ જ્ઞાન દ્વારા નિપજાવવામાં આવ્યો હોય.

ટિકિટસંગ્રહના વિશ્વમાં ભારતીય ટપાલટિકિટોનું સ્થાન ખૂબ જ ઉચ્ચ કક્ષાએ છે અને સંગ્રાહકો માટેનું અનેરું પ્રલોભન પણ. મોટાભાગનાં આંતરરાષ્ટ્રીય પ્રદર્શનો ભારતીય ટપાલટિકિટના સંગ્રહ વગર લગભગ અધૂરાં ગણાય છે. મોટાભાગના સંગ્રાહકો ભારતીય ટપાલટિકિટોના સંગ્રહને નીચે મુજબના મહત્વના વિષયોમાં વિભાજિત કરી પોતાના સંગ્રહને આગળ વધારે છે : (1) ભારતીય ટપાલનો પ્રાચીન  ઇતિહાસ, (2) ટપાલટિકિટો પહેલાંનો ઇતિહાસ, (3) ભારતીય ટપાલના આંતરરાષ્ટ્રીય માર્ગ (ટપાલટિકિટ પહેલાં), (4) ટપાલટિકિટની શરૂઆત (સિંધ ડાક), (5) પૂર્વચિત્રણ, નમૂના આદિ, (6) લિથોગ્રાફિક અને ટાઇપોગ્રાફિક, (7) ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા બહાર પાડવામાં આવેલ ટિકિટો, (8) બ્રિટિશ સામ્રાજ્ય દ્વારા બહાર પાડવામાં આવેલ ટિકિટો, (9) આઝાદી બાદ બહાર પાડવામાં આવેલ ટિકિટો, (10) સરકારી કામકાજ માટેની ટિકિટો, (11) લશ્કરી કામકાજ માટેની ટિકિટો, (12) ટપાલને લગતી સામગ્રી, (13) બનાવટી ભારતીય ટિકિટો, (14) છિદ્રણ વિનાની ટિકિટો, (15) વિત્તીય ટિકિટો, (16) ટપાલટિકિટોનું રદ્દીકરણ, (17) ભારતીય ટપાલટિકિટોનો વિદેશમાં ઉપયોગ, (18) ભારતીય રજવાડાંઓેની ટિકિટો, (19) પ્રકીર્ણ ટિકિટો, (20) ભારતમાં ફ્રેન્ચ સંસ્થાન, (21) ભારતમાં પોર્ટુગીઝ સંસ્થાન, (22) ભારતમાં ડચ સંસ્થાન, (23) ભારતમાં ડેનિશ સંસ્થાન, (24) ભારતની હવાઈ ટપાલ માટેની ટિકિટો.

ટિકિટસંગ્રાહકો માટે ટિકિટો વિશે માહિતી મેળવવી આવશ્યક હોય છે. આવી માહિતી સંગ્રાહકોને તેમના સંગ્રહના આયોજન અંગે, ટિકિટો અંગે ઘણીબધી વિગતો પૂરી પાડે છે. આવી માહિતી પ્રચારમાધ્યમો, માહિતીપત્રકો, વિજ્ઞાપનો, પાક્ષિકો દ્વારા મેળવી શકાય છે. માહિતી મેળવવાનાં પ્રચલિત માધ્યમો આ પ્રમાણે છે :

(1) ટપાલ કચેરીનાં ફિલાટેલિક બ્યૂરોનું માહિતીપત્રક, (2) ટિકિટસંગ્રહને લગતાં સામયિકો, (3) ટિકિટવિક્રેતાઓનાં ભાવપત્રકો, (4) ટિકિટ-લિલામનાં માહિતીપત્રકો, (5) વાચનાલયો, (6) પુસ્તકો અને (7) જાહેરખબરો.

ઉપરનાં માધ્યમો ટપાલ, ટપાલટિકિટો અને તેને સંલગ્ન, સંશોધન, ઐતિહાસિક માહિતી વગેરે, અનેક પ્રકારના વિષયોને લગતી માહિતી સચિત્ર પ્રદર્શિત કરી સંગ્રાહકોને ઘણી સહાય પહોંચાડે છે.

સંગ્રાહકોના વિશ્વમાં સૌપ્રથમ ટપાલટિકિટ-સૂચિ 1861માં ઓસ્કાર બર્જર લેવરૉલ્ટ દ્વારા સ્ટ્રાસબર્ગમાં અને આલ્ફ્રેડ પોટિકેટ દ્વારા પૅરિસમાં બહાર પાડવામાં આવેલ. ત્યારબાદ 1862માં ફ્રેડરિક બુટી, જે. ઇ. ગ્રે અને માઉન્ટ બ્રાઉન દ્વારા પ્રથમ કૅટલૉગ બહાર પાડવામાં આવ્યાં. બ્રિટનમાંથી દર વર્ષે બહાર પડતું સ્ટેન્લી ગિબન્સનું કૅટલૉગ, અમેરિકામાંથી બહાર પડતું સ્કૉટનું કૅટલૉગ અને જર્મનીમાંથી બહાર પડતું મિશલનું કૅટલૉગ ખૂબ જ માહિતીસભર અને આધારભૂત ગણાય છે.

ભારતમાં પ્રથમ કૅટલૉગ જાલ કૂપર દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું. અત્યારે માણેક જૈનનું કૅટલૉગ ખૂબ જ પ્રચલિત છે.

ટિકિટસંગ્રાહકો માટેની સંસ્થાઓમાં સૌપ્રથમ લા સોસાયટી ફિલાટેલી દ પારિસ (La Societe Philatelique de Paris) 1865માં સ્થાપવામાં આવી. ત્યારબાદ 1867માં ધ ન્યૂયૉર્ક ફિલાટેલિક સોસાયટીની સ્થાપના થઈ. બ્રિટનમાં રૉયલ ફિલાટેલિક સોસાયટી ઑવ્ લંડનની શરૂઆત 1869માં કરવામાં આવી. તેના દ્વારા બહાર પાડવામાં આવતું ‘લંડન ફિલાટેલિસ્ટ’ માસિક આધારભૂત અને માહિતીસભર લેખો પ્રસ્તુત કરે છે. અમેરિકામાં ‘અમેરિકન ફિલાટેલિક સોસાયટી’ 1880માં સ્થાપવામાં આવી. તેના દ્વારા ‘અમેરિકન ફિલાટેલિસ્ટ’ માસિક બહાર પાડવામાં આવે છે.

ભારતમાં 1892માં મુંબઈમાં ‘બૉમ્બે ફિલાટેલિક સોસાયટી’ની સ્થાપના કરવામાં આવી. તેના દ્વારા ‘ઇન્ડિયન ફિલાટેલિસ્ટ’ નામનું માસિક બહાર પાડવાનું ચાલુ થયું. તેના તંત્રી જુલિયો રિબેરો હતા. આ સોસાયટી 1897માં ફિલાટેલિક સોસાયટી ઑવ્ ઇન્ડિયા શરૂ થતાં બંધ થઈ ગઈ. આ જ રીતે કૉલકાતામાં 1894માં ‘બૅંગાલ ફિલાટેલિક સોસાયટી’ની સ્થાપના થઈ. તે પણ 1897માં ‘ફિલાટેલિક સોસાયટી ઑવ્ ઇન્ડિયા’ શરૂ થતાં બંધ થઈ ગઈ. ‘ધ ફિલાટેલિક સોસાયટી ઑવ્ ઇન્ડિયા’ 1897થી આજ પર્યંત ચાલુ છે. 1997માં તેનાં 100 વર્ષ પૂરાં થયાં. તેના દ્વારા ‘ફિલાટેલિક જરનલ ઑવ્ ઇન્ડિયા’ બહાર પાડવામાં આવે છે. તેના સૌપ્રથમ તંત્રી સી. સ્ટુઅર્ટ-વિલ્સન હતા. આ માસિક ભારતમાં ઘણું જ પ્રચલિત છે. ભારતના ટપાલ ઇતિહાસની માહિતી મેળવવા માટે ઉપયોગી છે. તેના તંત્રી ધીરુભાઈ મહેતા છે. આ સંસ્થાએ નામાંકિત સંગ્રાહકો આપ્યા છે.

‘એમ્પાયર ઑવ્ ફિલાટેલિક સોસાયટી’ (મુંબઈ) પણ ઘણી જૂની સંસ્થા છે, જે જાલ કૂપર દ્વારા 1937માં સ્થાપવામાં આવેલ. સંસ્થા દ્વારા ‘ઇન્ડિયા સ્ટૅમ્પ જરનલ’ બહાર પાડવામાં આવે છે. તંત્રી વિસ્પી દસ્તૂર છે. આ સિવાય ફિલાટેલિક કૉંગ્રેસ ઑવ્ ઇન્ડિયા પણ છે, જે 1977માં સ્થાપવામાં આવી હતી. અત્યારે આ સંસ્થા ભારતીય સંગ્રાહકોનું આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરે છે.

ગુજરાતમાં ‘ગુજરાત ફિલાટેલિક ઍસોસિયેશન’ અમદાવાદ ખાતે કાર્યરત છે જે નિરંજન ઝવેરી દ્વારા 1972માં સ્થાપવામાં આવેલ. તેના પ્રમુખ વી. ડબલ્યૂ. કર્ણિક છે. આ ઉપરાંત વડોદરા ખાતે ‘વડોદરા ફિલાટેલિક સોસાયટી’ પણ નોંધપાત્ર સેવાઓ આપી રહેલ છે.

ટિકિટવિક્રેતાઓ : સંગ્રાહકો માટે તેમના સંગ્રહને લગતી જરૂરી ટિકિટો, ટપાલને લગતી તમામ પ્રકારની સ્ટેશનરી ઉપરાંત સંગ્રહને સુઆયોજિત કરવા માટેની સામગ્રી સામાન્યત: ટિકિટવિક્રેતાઓ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવે છે. વિક્રેતાઓ સંગ્રાહકોને તેમની ખૂટતી માહિતી અને અન્ય વિગતો પૂરી પાડવામાં ઘણા જ ઉપયોગી રહે છે અને તે થકી સંગ્રાહકોનો શોધખોળ કરવામાં ઘણો કીમતી સમય બચી જાય છે. આ વિક્રેતાઓ દ્વારા તેમની પાસેના સંગ્રહની અથવા તેમની પાસે બીજાના વેચાવા આવેલ સંગ્રહની નિયમિત સૂચિ બહાર પાડવામાં આવે છે. સંગ્રાહકો આવી સૂચિઓ મેળવી પોતાની જરૂરિયાત મુજબની ખરીદી તેમની પાસેથી કરી શકે છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે બ્રિટનના સ્ટેન્લી ગિબન્સ હાર્મર અને રોબ્સન લૉવ મુખ્ય વિક્રેતા છે. ઉપરાંત જર્મનીના કોર્ન ફિલા, સ્વિટ્ઝરલૅન્ડના ડેવિડ ફિલ્મેન અને અમેરિકાના સ્કૉટ આગળ પડતા વિક્રેતાઓ  ગણાય છે.

ભારતમાં પ્રથમ વિક્રેતા તરીકે 1880માં એન. ડી. બાટલીવાલાએ મુંબઈ ખાતે શરૂઆત કરી. એ જ રીતે 1890માં કૉલકાતા ખાતે અહમદ આબગરે શરૂઆત કરી. હાલમાં કૉલકાતાના એમ. સી. સુખાની, એચ. સી. સુખાની, મુંબઈના એ. એમ. મુખી, બૉમ્બે ફિલાટેલિક કંપની તથા  ગુલામ મુખ્ય છે.

ટિકિટસંગ્રહના વ્યાપક શોખને કારણે પુસ્તકાલયો પણ અસ્તિત્વમાં આવેલ છે, જ્યાં સંગ્રાહકોને સંગ્રહ સંબંધી ઉપયોગી સાહિત્ય ઉપલબ્ધ થઈ શકે છે. આવાં પુસ્તકાલયો સંગ્રાહકોને જરૂરી માહિતી મેળવવા, અભ્યાસ કરવા તથા સંશોધન કરવામાં ઘણાં ઉપયોગી થાય છે. આંતરરાષ્ટ્રીય સ્તરે બ્રિટનની રૉયલ ફિલાટેલિક સોસાયટીનું પુસ્તકાલય, નૅશનલ ફિલાટેલિક સોસાયટીનું પુસ્તકાલય, અમેરિકાના ન્યૂયૉર્ક ખાતેની કલેક્ટર્સ ક્લબ લાઇબ્રેરી, અમેરિકન ફિલાટેલિક રિસર્ચ લાઇબ્રેરી, ફિલાડેલ્ફિયા વગેરે મુખ્ય છે. ભારતમાં નવી દિલ્હી ખાતેની નૅશનલ ફિલાટેલિક લાઇબ્રેરી અને મુંબઈનું ફિલાટેલિક સોસાયટીનું પુસ્તકાલય પણ સમૃદ્ધ છે. આ સિવાય ઘણા સંગ્રાહકો પોતાનું ખાનગી પુસ્તકાલય પણ ધરાવે છે. સ્ટેન્લી બાયરમૅન (અમેરિકા), એન. ડી. ટેઇલર (બ્રિટન) વગેરે તેનાં ષ્ટાંત છે. ભારતમાં ડી. એન. જટિયા, જી. બી. પાઈ, એચ. સી. સુખાની, મધુકર જિંગન, પી. ગુપ્તા, ધીરુભાઈ મહેતા, સુકેતુ ઝવેરી, ધનંજય દેસાઈ આદિ પોતાનાં આગવાં ફિલાટેલિક પુસ્તકાલયો ધરાવે છે.

વિશ્વનું સૌથી મોટું સંગ્રહપુસ્તકાલય બર્ન (જર્મની) ખાતે આવેલ છે. ભારત અને ભારત ઉપખંડ વિશેનું સમૃદ્ધ પુસ્તકાલય ઇન્ડિયા સ્ટડી સર્કલ, બ્રિટન પાસે છે.

ટપાલટિકિટ પ્રદર્શનો : સામાન્ય રીતે આવાં પ્રદર્શનો ચાર સ્તરે આયોજિત કરવામાં આવે છે : (1) સ્થાનિક : સ્થાનિક સમિતિઓ દ્વારા યોજવામાં  આવે છે, (2) રાજ્યસ્તરે રાજ્યના ટપાલવિભાગ દ્વારા યોજવામાં આવે છે, (3) રાષ્ટ્રીય સ્તરે રાષ્ટ્રના ટપાલવિભાગ દ્વારા યોજવામાં આવે છે અને (4) આંતરરાષ્ટ્રીય સ્તરે આંતરરાષ્ટ્રીય ટપાલ-સમિતિ દ્વારા યોજવામાં આવે છે.

સ્થાનિકથી લઈ આંતરરાષ્ટ્રીય કક્ષાનાં પ્રદર્શનોમાં એમના જે તે નિયમોને અધીન રહીને ભાગ લેવાનો રહે છે, જેમાં સંગ્રાહકના સંગ્રહ જ નહિ પરંતુ તેનાં જ્ઞાન, આયોજન, પ્રદર્શન, વિવિધતા, અલભ્યતા વગેરે અનેક પાસાંઓની પણ ચકાસણી કરવામાં આવે છે. આવાં પ્રદર્શનો સંગ્રાહકના માનસિક, બૌદ્ધિક અને વૈજ્ઞાનિક અભિગમના વિકાસમાં ઘણો મોટો ફાળો આપે છે. ઉચ્ચ કક્ષાનાં પ્રદર્શનોમાં મળેલ ઇનામો સંગ્રાહકના સંગ્રહનું આર્થિક મૂલ્યાંકન પણ વધારે છે.

વિશ્વનું સૌપ્રથમ ટપાલટિકિટ પ્રદર્શન 1890માં લંડન ખાતે યોજવામાં આવ્યું હતું. આ પ્રદર્શન વિશ્વની પ્રથમ ટિકિટની પ્રસિદ્ધિના વર્ષ(1840)ની સુવર્ણજયંતી નિમિત્તે યોજવામાં આવ્યું હતું. ભારતનું પ્રથમ પ્રદર્શન 1898માં કૉલકાતા ખાતે યોજવામાં આવ્યું હતું. ત્યાર બાદ 1907માં રાષ્ટ્રીય કક્ષાનું પ્રદર્શન PSI દ્વારા કૉલકાતામાં યોજવામાં આવેલ. ભારતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય પ્રદર્શન 1954માં ભારતીય ટપાલટિકિટની  શતાબ્દી નિમિત્તે દિલ્હી ખાતે યોજવામાં આવેલ. ગુજરાતમાં રાજ્યસ્તરનું પ્રથમ પ્રદર્શન (GUJPEX) 1972માં અમદાવાદ ખાતે યોજવામાં આવ્યું હતું.

જેમના સંગ્રહ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ પામેલ છે એવા ભારતના નામાંકિત સંગ્રાહકો છે : (1) ડી. એન. જટિયા, (2) જી. બી. પાઈ, (3) પી. ગુપ્તા, (4) શ્રીમતી સીતા ભટીજા, (5) અશોક બયાનવાલા, (6) અજિત સિંગી, (7) ડી. એસ. વિર્ક વગેરે.

ગુજરાત પણ આ બાબતમાં પાછળ નથી. ગુજરાતી સંગ્રાહકોમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ નામના મેળવનાર સંગ્રાહકોમાં સી. ડી. દેસાઈ, અરવિંદ પકવાસા, ધીરુભાઈ મહેતા, દિલીપ શાહ, ધનંજય દેસાઈ, અશોક બયાનવાલા, વિસ્પી દસ્તૂર વગેરે છે.

આમ તો ટિકિટસંગ્રાહકો માટે ચોક્કસ અભ્યાસવર્ગો હોતા નથી, પરંતુ વિશ્વના ઘણા દેશોમાં શાળા તથા કૉલેજોમાં સંગ્રહ એક વિષય તરીકે ભણાવવામાં આવે છે. વળી યુનિવર્સિટીઓમાં પણ સ્નાતક અને અનુસ્નાતક સ્તરે તેનો અભ્યાસ કરી શકાય છે. બ્રિટનમાં આ વિષયમાં સંશોધન અંગેનો મહાલેખ રજૂ કરીને FRPSL (Fellow of Royal Philatelic Society of London) મેળવી શકાય છે. જે સંગ્રાહકોએ આ વિષયમાં વિશેષ યોગદાન આપેલ છે તેઓને ‘રૉયલ ડિસ્ટિંગ્વિશ્ડ પર્સનાલિટી’નો વિશેષ ખિતાબ પણ બ્રિટન દ્વારા આપવામાં આવે છે. ભારતમાંથી ડી. એન. જટિયા અને બ્રિગેડિયર ડી. એસ. વિર્કને આ બહુમાન મળેલ છે. ફ્રાન્સ દ્વારા પણ આવી માનાર્હ પદવી આપવામાં આવે છે.

ઇલ્યાસ પટેલ

ધનંજય દેસાઈ