ટાયસન, માઇક (જ. 30 જૂન 1966) : માઇકલ ગેરાર્ડ ટાયસન એ એનું આખું નામ. માત્ર વીસ વર્ષ, ચાર મહિના અને બાવીસમા દિવસે હેવીવેઇટ બૉક્સિંગના WBC, WBA અને IBF જેવી ત્રણ સ્પર્ધાઓમાં સૌથી નાની વયે વિજેતા બન્યા. પ્રથમ 19 વ્યવસાયી બૉક્સિંગ મુકાબલાઓમાં નોક-આઉટથી જીતનાર અને એમાંથી 12 તો પ્રથમ રાઉન્ડમાં જીતનાર બૉક્સર તરીકે ખ્યાતિ પામ્યો.

અત્યંત ગરીબાઈમાં જન્મેલો માઇક ટાયસન કુસાકા આમાતો નામના કોચને કારણે બૉક્સિગં શીખ્યો. માઇક સ્પીંક્સ, લેરી હૉલ્મસ્ અને ફ્રેન્ક બ્રૂનોને હરાવનાર ટાયસન જેમ્સ ‘બસ્ટર’ ડગ્લાસના હાથે 1990માં પરાજિત થયો. 1992માં બળાત્કારના આરોપ હેઠળ છ વર્ષની

માઇક ટાયસન

સજા થઈ પણ ત્રણ વર્ષ બાદ એણે ફરી હેવીવેઇટ ચૅમ્પિયનશિપનો ખિતાબ જીત્યો. 2006માં વારંવાર પરાજય પામવાને કારણે નિવૃત્ત થયો. પોતાની કારકિર્દી દરમિયાન 300 મિલિયન ડૉલરની કમાણી કરનાર અને કેટલીક બોક્સિંગ સ્પર્ધા માટે 30 મિલિયન ડૉલરની રકમ લેનાર માઇક ટાયસને 2000માં દેવાળું ફૂંક્યું. એની આક્રમક, ભયાવહ અને વિરોધીને ગભરાવનારી શૈલીને કારણે તેમજ બૉક્સિંગની ‘રિંગ’માં અને ‘રિંગ’ની બહારના વિવાદોને કારણે એ સતત ચર્ચામાં રહ્યો. અત્યંત જોરથી મુક્કા મારનાર તરીકે આજે પણ હેવીવેઇટ બૉક્સિંગના ઇતિહાસમાં એ પ્રસિદ્ધ છે.

કુમારપાળ દેસાઈ