ટાયર (Sur-Tyre) : દક્ષિણ ભૂમધ્ય સમુદ્રને કિનારે સિડોનથી 40 કિમી. અને બૈરુતથી નેર્ઋત્યે 250 કિમી. દૂર આવેલું પ્રાચીન ફિનિશિયન બંદર. ભૌ. સ્થાન : 33o 16’ ઉ. અ. અને 35o 11’ પૂ. રે.. ઈ. સ. પૂ. 11માથી 7મા શતક દરમિયાન તે ફિનિશિયાની રાજધાની હતી. હાલ મોટા વેપારીકેન્દ્ર તરીકે તે જાણીતું છે.
નવેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન શિયાળામાં અહીં વરસાદ પડે છે. અહીં ભૂમધ્ય સમુદ્રના પ્રદેશ જેવી આબોહવા છે. શિયાળામાં આશરે 750 મિમી. વરસાદ પડે છે. ઉનાળો લાંબો અને સૂકો હોય છે. વાર્ષિક સરેરાશ તાપમાન 21° સે. રહે છે, જ્યારે શિયાળામાં આ તાપમાન 13° સે. રહે છે. બદામ, ખાટાં ફળો, નારંગી, ઑલિવ, ઘઉં વગેરે ખેતીના પાકો છે. લોકોનો મુખ્ય ધંધો ખેતી તથા ગૌણ ધંધો પશુપાલન છે.
શહેરનો કેટલોક ભાગ મુખ્ય ભૂમિ ઉપર હતો અને બારું કાંઠાથી થોડે દૂર આવેલ બે ખડકાળ ટાપુઓ ઉપર હતું. ટાયર ખડકાળ ટાપુ ઉપર હોવાથી સેમિટિક ભાષાનું ‘El Sur’ નામ મળ્યું. ‘sur’ શબ્દનો અર્થ ખડક છે. હાલ ‘ટાયર સુર’ તરીકે ઓળખાય છે. આ ‘સુર’ નામ ઉપરથી સમગ્ર પ્રદેશને ‘સીરિયા’ નામ મળ્યું છે. આ સ્થળે ઉત્પન્ન થતો જાંબલી રંગ ‘ટિરિયન પર્પલ’ તરીકે ઓળખાતો હતો.
પ્રારંભમાં તેની સિડોનના સંસ્થાન તરીકે સ્થાપના થઈ હતી. ઈ. સ. પૂ. 450માં હેરોડોટસે મેલકાર્થના પૂજારીઓના કથનને આધારે આ શહેરની ઈ. સ. પૂ. 2300 કે ઈ. સ. પૂ. 2750માં સ્થાપના થઈ હતી એમ મનાતું હતું. ટેલ એલ. અપર્ણાના મંદિરના ઈ. સ. પૂ. 1400ની મુદ્રા (tablet) ઉપરના લેખમાં તેનો સૌપ્રથમ ઉલ્લેખ મળે છે. ટાયરના સૂબા અબી મિલ્કીએ ફેરોને સંબોધીને લખેલા આ કાળના દસ પત્રોમાં પણ તેનો ઉલ્લેખ છે તે ઇજિપ્તનું ટાયર ઉપરનું આધિપત્ય સૂચવે છે. ઇજિપ્તના અઢારમા વંશના શાસનકાળ દરમિયાન (ઈ. સ. પૂ. 1570–1320) ટાયર ઇજિપ્તના તાબે હતું.
ઇજિપ્ત અને નજીકની પૂર્વની દરિયાઈ સત્તાઓ નબળી પડતાં ટાયર સ્વતંત્ર થયું હતું અને સિડોન તેના કબજા નીચે હતું. ટાયરના રાજા હિરામે નાના ટાપુને મોટા ટાપુ સાથે પુલ દ્વારા જોડી દીધો હતો. તેણે મેલકાર્થના મંદિરને સોનાનું અને સુવર્ણસ્તંભનું દાન કર્યું હતું, જે તેની સમૃદ્ધિનું સૂચક છે.
સૉલોમનના નૌકાકાફલાના ખલાસીઓ પણ ટાયરના હતા. હિરામ અને પૂર્વેના રાજાઓના સમયમાં ટાયરનો સાયપ્રસ અને સ્પેન સાથે વેપાર હતો. યુટિકા અને કાર્થેજ આ બંને ટાયરે સ્થાપેલાં સંસ્થાનો હતાં. ઈ. સ. પૂ. 538થી 332 સુધી ટાયર ઓરગેરિયન, તિઓ-બૅબિલોનિયન અને ઈરાની શાસન નીચે હતું. નેબુકાડનઝરે (બૅબિલોન) આ શહેરને તેર વરસ સુધી ઘેરો ઘાલ્યો હતો. ઈરાનીઓના સામ્રાજ્યમાં ટાયરનો પાંચમા સૂબા તરીકે સમાવેશ કરાયો હતો.
ઈ. સ. પૂ. 332માં સિકંદરે સાત માસના ઘેરા બાદ ટાપુ અને મુખ્ય ભૂમિને જોડતો પુલ બાંધીને તે કબજે કર્યું હતું. ઍલેક્ઝાન્ડર પછી ટૉલેમી, સેલ્યુસીડ, રોમન અને આરબોનું મામલુક શાસન ત્યાં (ઈ. સ. 634–1124) હતું.
જિસસે ટાયરના સરહદી પ્રદેશની મુલાકાત લીધી હતી અને સેન્ટ પૉલના સમયમાં અહીં ખ્રિસ્તી ધર્મ ફેલાયેલો હતો. ઈ. સ. 316માં અહીં ભવ્ય કેથીડ્રલ (દેવળ) બંધાયું હતું અને ઈ. સ. 335, 449, 514 કે 515માં ખ્રિસ્તી ધર્મની મહત્વની સભાઓ અહીં ભરાઈ હતી. ઈ. સ. 628થી 724 સુધી તે ક્રુઝેડરોને તાબે હતું. ત્યારબાદ મામલુક આરબોએ તેનો કબજો લીધો હતો. અને તેરમી સદી દરમિયાન જેરૂસલેમના લૅટિન રાજ્યનું તે મુખ્ય શહેર હતું. ઈ. સ. 1291માં તુર્કોએ તેની ઉપર ચડાઈ કરી તેનો નાશ કર્યો હતો. ઈ. સ. 1799માં ઇજિપ્તે કબજે કર્યા બાદ ટાયર થોડા સમય માટે નેપોલિયન બોનાપાર્ટના નેજા હેઠળના ફ્રેન્ચ શાસન નીચે આવ્યું હતું. ઈ. સ. 1516થી 1918 સુધી તે ઑટોમન સામ્રાજ્યના ભાગરૂપ હતું. જનરલ એલેનબીએ પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન 1918માં તેને કબજે કર્યું હતું. ઈ. સ. 1920માં તે ફ્રેન્ચોના શાસનાદિષ્ટ નીચે તો બીજા વિશ્વયુદ્ધ બાદ તે લેબેનોનના સ્વતંત્ર રાજ્ય નીચે મુકાયું હતું.
શિવપ્રસાદ રાજગોર