ટાગોર, જ્યોતિરિન્દ્રનાથ

January, 2014

ટાગોર, જ્યોતિરિન્દ્રનાથ (જ. 4 મે 1849; અ. 4 માર્ચ 1925) : પ્રસિદ્ધ  બંગાળી નાટ્યકાર. તે મહર્ષિ દેવેન્દ્રનાથનાં સંતાનોમાં પાંચમા અને રવીન્દ્રનાથના વડીલ બંધુ હતા. તેઓ સંગીત અને ચિત્રકલામાં નિપુણ હતા. અવેતન રંગભૂમિના સફળ અભિનેતા અને નાટ્યરચનાઓ દ્વારા ગણનાપાત્ર પ્રદાન કરનાર તરીકે તેમને સારી ખ્યાતિ મળી હતી. રવીન્દ્રનાથને બાલ્યકાળ દરમિયાન તેમના તરફથી પ્રોત્સાહન મળેલું. રવીન્દ્રનાથનાં પહેલાં બે ગીતિનાટ્યો ‘વાલ્મીકિપ્રતિભા’ (1881) અને ‘કાલમૃગયા’(1882)માં જ્યોતિરિન્દ્રનાથે સંગીતનું આયોજન કરેલું, જ્યારે રવીન્દ્રનાથે સંગીતને અનુરૂપ રચનાઓ આપેલી.

ટાગોર કુટુંબના કેટલાક સભ્યોએ તેમના નિવાસે જ ‘જોડાસાંકો’ થિયેટરની સ્થાપના કરેલી. તેમાં જ્યોતિરિન્દ્રનાથનાં નાટકો ભજવાતાં.

1864માં પ્રવેશપરીક્ષા પાસ કરીને જ્યોતિરિન્દ્રનાથે પ્રેસિડેન્સી કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. 1868માં કાદંબરીદેવી સાથે તેમનાં લગ્ન થયાં. આદિ બ્રહ્મોસમાજનું મંત્રીપદ 15 વર્ષ (1869–1884) સંભાળ્યું. 1877માં પ્રસિદ્ધ માસિક ‘ભારતી’ શરૂ કરેલું. ‘વિદ્વજ્જન સમાગમ’ (1874) અને ‘સારસ્વત સમાજ’(1882)ની સ્થાપનામાં તેમનો સહયોગ હતો. તેઓ અનેક ભારતીય ભાષાઓના જ્ઞાતા હતા. ‘વીણાવાદિની’ (1897) અને ‘સંગીતપ્રકાશિકા’ (1910) – એ બે સંગીત-સામયિકોનું સંપાદન પણ કરેલું અને તાલીમબદ્ધ સંગીતકારને નાતે ઘણાં બ્રહ્મોગીત સ્વરાંકિત કરેલાં.

બંગાળી ગીતિનાટ્યના પ્રારંભકોમાંના એક હરિમોહન રે હતા. તેમનાં ‘પર્વતકુસુમ’ (1878) અને ‘ઇન્દુમતી નાટક’ (1879) ‘જોડાસાંકો’ માટે લખાયેલ. જ્યોતિરિન્દ્રનાથનું પહેલું એકાંકી પ્રહસન ‘કિંચિત્ જલયોગ’ (1872) સફળતાથી ભજવાયું હતું. આજે  પણ અનેક નાટ્ય-સમારંભોમાં તે ભજવાતું રહ્યું છે. એમનું બીજું પ્રહસન ‘એમન કર્મ આર કરબ ના’ (1877) રંગમંચ પર સફળતા પામેલું. પાછળથી એનું શીર્ષક બદલી ‘અલીક બાબુ’ (જૂઠા બાબુ) (1900) રખાયેલું. બંગાળી પ્રહસનોમાં તેનું સ્થાન ઘણું ઊંચું છે. ‘હિતે વિપરીત’ (1896) પ્રહસન સંગીતનાટિકા છે. ‘માનમયી’ (1880) સંગીત નાટકનું પાછળથી (1899માં) ‘પુનર્વસન્ત’ નામ રાખવામાં આવ્યું હતું. ઉપરાંત ‘વસંતલીલા’ (1900), ‘ધ્યાનભંગ’  (1900) વગેરે નાટકો ખૂબ લોકપ્રિય નીવડેલાં.

જ્યોતિરિન્દ્રનાથ ટાગોર

એમનું પહેલું ગંભીર નાટક ‘પુરુવિક્રમ’ (1874) પરાભવની પરિસ્થિતિમાં પણ અણનમ રહેલી ભારતીય ચેતનાને સાહિત્યિક અભિવ્યક્તિ  અર્પે છે. તેમાં પુરુ અથવા ગ્રીક લોકો જેને પોરસ કહેતા તે ભારતીય ગૌરવનું અને સિકંદર અંગ્રેજ શાસનનું પ્રતીક છે. બીજું નાટક ‘સરોજિની વા ચિતોડ આક્રમણ’ (1875) કરુણાન્તિકા છે. તેમાં રાષ્ટ્રપ્રેમ અને પિતૃસ્નેહ વચ્ચેનો સંઘર્ષ નિરૂપાયો છે.  ત્રીજું નાટક ‘અશ્રુમતી’ (1879) અકબર સાથેના ચિતોડના મહારાણાના સંઘર્ષની પાર્શ્વભૂમાં પ્રેમ અને કર્તવ્યના દ્વંદ્વનું અસરકારક નિરૂપણ છે. એમના નાટક ‘સ્વપ્નમયી’(1882)નું વસ્તુ પણ બંગાળના ઇતિહાસમાંથી લેવામાં આવ્યું છે. એમાં પરાજિત રાજાની પુત્રી સત્યવતી આક્રમક શોભાસિંહનું ખૂન કરીને આત્મહત્યા કરે  છે. તેમાં વીર અને કરુણ રસનું સુભગ આલેખન થયું છે.

‘દર્શન’ માસિકમાં બંકિમચંદ્રે ‘કિંચિત્ જલયોગ’ અને ‘પુરુવિક્રમ’નાં અવલોકનોમાં તેમની પ્રશંસા કરેલી. સુરેખ પાત્રાલેખન અને ઊર્મિતત્વની પ્રધાનતાને તેમના ખાસ આકર્ષક અંશો ગણાવેલા. જ્યોતિરિન્દ્રનાથનાં અનેક નાટકોનાં ગુજરાતી, હિંદી અને મરાઠીમાં ભાષાંતર થયેલાં છે.

જ્યોતિરિન્દ્રનાથે અનુવાદક તરીકે પણ ખ્યાતિ મેળવેલી. ‘હઠાત્ નવાબ’ (1881) અને ‘દાયે પડે દારાગ્રહ’ (1902) એ ફ્રેન્ચ લેખક મોલિયેરની કૃતિઓ અનુક્રમે ‘લ બુઝર્વા ઝાંતી ઓમ’ અને ‘લ મારીઆઝ ફોર્સે’ના અનુવાદો છે.

‘ફરાશી-પ્રશૂન’ (1904) ઓગણીસમી સદીના ફ્રેન્ચ લેખકોની વાર્તાઓ તથા હ્યુગો અને કૉપેનાં કાવ્યોનો, ‘ઇન્ગ્રાજ બર્જિત ભારતવર્ષ’ (1909) એ લોતીના નિબંધો, ‘સત્ય, સુંદર, મંગલ’ (1911, વિક્ટર કૂઝેં), ‘શોણિત, સોપાન, અવતાર’ અને ‘મિલિતોના’ (1920, 22, 23) એ ગોત્યેની નવલકથાઓ તેમજ થિયૉફિસ્ટ ગોત્યે અને દૉદે, મોપાસાં, ઝોલા તથા બાલ્ઝેકની ટૂંકી વાર્તાઓ મૂળ ફ્રેન્ચમાંથી બંગાળીમાં ઉતારી છે.

અંગ્રેજીમાંથી શેક્સપિયરના ‘જુલિયસ સીઝર’ નાટકનું ભાષાંતર કરવા ઉપરાંત સંસ્કૃત નાટકોમાંથી કાલિદાસનાં ‘અભિજ્ઞાન શાકુન્તલ’ (1899), ‘માલવિકાગ્નિમિત્ર’ (1901) અને ‘વિક્રમોર્વશીય’ (1901); ભવભૂતિનાં ‘ઉત્તરરામચરિત’ (1900), ‘માલતીમાધવ’ (1900) અને ‘મહાવીરચરિત’ (1901); શ્રીહર્ષનાં ‘રત્નાવલિ’ (1900), ‘નાગાનંદ’ (1902) અને ‘પ્રિયદર્શિકા’ (1904) ઉપરાંત શૂદ્રકનું ‘મૃચ્છકટિક’ (1901); વિશાખદત્તનું ‘મુદ્રારાક્ષસ’ (1901); ક્ષેમેન્દ્રનું ‘ચંડકૌશિક’ (1901); ભટ્ટ નારાયણનું ‘વેણીસંહાર’ (1901); કૃષ્ણમિશ્રનું ‘પ્રબોધચંદ્રોદય’ (1902); રાજશેખરનાં ‘કર્પૂરમંજરી’ (1904) અને ‘વિદ્ધશાલભંજિકા’ (1903) – એમ અનેક મહત્વનાં નાટકોના અનુવાદ તેમણે આપ્યા છે. ‘ઝાંસીર રાણી’ (1903) અને ટિળકનું ‘ગીતારહસ્ય’ (1924) મરાઠીમાંથી અનૂદિત કરેલાં છે.

જ્યોતિરિન્દ્રનાથની અન્ય કૃતિઓમાં નિબંધસંગ્રહ ‘પ્રબંધ-મંજરી’ (1905), આત્મકથા ‘જીવનકથા’ (1920), બંગાળી સંગીતનું મૌલિક આયોજન ‘સ્વરલિપિ’ (1897) અને વિલિયમ રોધેન્સ્ટાઇને પ્રકાશિત કરેલો તેમનાં 25 ચિત્રોનો સંપુટ (1914) ગણાવી શકાય. એમનાં 2000 જેટલાં ચિત્રોમાંથી ઘણાં કૉલકાતાની રવીન્દ્રભારતી સોસાયટીમાં સંગૃહીત છે. મ્યાનમારના લોકનાટ્યની શૈલીમાં લખાયેલું એમનું નાટક ‘રજતગિરિ’ 1904માં પ્રકાશિત થયેલું.

સંગીત માટે ‘આકારમાત્રિક’ પદ્ધતિની એમણે 1905માં કરેલી શોધ આજે પણ પ્રચારમાં છે. 1889થી 1905 દરમિયાન સંગીતના સ્વરાંકન માટે એમણે કરેલા વિવિધ પ્રયોગો તેમને એ ક્ષેત્રના એક અગ્રયાયી (pioneer) તરીકે સ્થાપે છે.

ચન્દ્રકાન્ત મહેતા