ટાગોર, અવનીન્દ્રનાથ (જ. 1871, જોડાસાંકો, કૉલકાતા; અ. 1951, કૉલકાતા) : બંગાળશૈલીના ચિત્રકાર, કલાગુરુ અને લેખક. રવીન્દ્રનાથ તેમના કાકા. તેમના દાદા પૉર્ટ્રેટ તથા લૅન્ડસ્કેપ ચિત્રકાર હતા; તેમના પિતા સરકારી કલાશાળાના વિદ્યાર્થી હતા. એ ઉપરાંત સમગ્ર ટાગોર પરિવારમાં કલા-સંસ્કાર-સાહિત્યનું વાતાવરણ હોવાથી શૈશવથી જ સર્જનાત્મક સંસ્કારોનો પ્રારંભ. પરંતુ અવનીન્દ્રનાથનો ઉછેર કેવળ નોકરો તથા આયાના હાથોમાં અને ચુસ્ત શિસ્તમય વાતાવરણમાં થવાથી કલાપ્રવૃત્તિમાં સક્રિય ભાગ લેવાનો લાભ લઈ શકવાને બદલે તેમનું મન અંતર્મુખ બનવા લાગ્યું, જે કાળક્રમે તેમની સર્જકતાને સંકોરતું અને વિકસાવતું રહ્યું.
ચિત્રકલાના ચીલાચાલુ વર્ગો ભરવા ઉપરાંત તેમણે પોતાના પિતાની રંગપેટીની સામગ્રીનો મનગમતા સ્કૅચમાં ભરપૂર ઉપયોગ કરવા માંડ્યો તથા લોટની લાહી, ભરતગૂંથણ વગેરે દ્વારા પણ પોતાની સર્જકતાને વાચા આપતા રહ્યા. સંસ્કૃત કૉલેજના સહાધ્યાયી અનુકૂલ ચેટરજી પાસેથી પેન્સિલ ડ્રૉઇંગનું શિક્ષણ મેળવ્યું. પરંતુ તેમના વિધિસર કલાશિક્ષણનો પ્રારંભ થયો ખાનગી ઇટાલિયન શિક્ષક ગિલહાર્ડીના માર્ગદર્શન હેઠળ. તેમની પાસેથી તેઓ પેસ્ટલ વૉટર-કલર ચિત્રકામનું તથા સજીવ સૃષ્ટિનાં ચિત્રોનું શિક્ષણ પામ્યા. તૈલચિત્રો તથા પૉર્ટ્રેટની ચિત્રકલા માટે તેઓ અંગ્રેજી ચિત્રકાર ચાર્લ્સ પામરના સ્ટુડિયોમાં પણ જોડાયા હતા.
તેઓ પશ્ચિમી ઢબનો પૉર્ટ્રેટ સ્ટુડિયો સ્થાપવા માગતા હતા પરંતુ કેટલીક ઘટનાએ તેમની કલા-કારકિર્દીને નવો નિર્ણાયક વળાંક આપ્યો. અચાનક કૃષ્ણ-રાધિકાની સચિત્ર હસ્તપ્રત તેમના હાથમાં આવી. લગભગ એ જ અરસામાં તેમને લખનૌ કલમચિત્રોનો સંપુટ મળ્યો. મધ્યયુગનાં આઇરિશ ઇલ્યૂમિનેશન ચિત્રોની નકલો પણ તેમના હાથે ચડી. આ વિવિધ ચિત્રશૈલીમાં જોવા મળેલ સાર્દશ્ય તેમજ આ ચિત્રોમાંના રંગોની તેજસ્વિતા, વિગતોની સૂક્ષ્મ ઝીણવટ તથા રચનાવિધાન અંગેની કલા-વિષયક નિપુણતાને પરિણામે તેમની સમક્ષ એક નવી કલાસૃષ્ટિનો આવિષ્કાર થયો. તેમણે પણ એવી આલંકારિક શૈલીનાં થોડાં ચિત્રો કરવાનું વિચાર્યું. તેના ફળસ્વરૂપે જે ચિત્રશ્રેણી તૈયાર થઈ તે ‘કૃષ્ણ-લીલા’ (1895); એમાં યુરોપની તથા ભારતની એમ બંને ચિત્રશૈલીનું અનન્ય સંયોજન છે. અલબત્ત, અવનીન્દ્રનાથે સ્વરચિત પુસ્તક ‘શકુંતલા’ તથા ‘ક્ષીરેર પુતુલ’માં તેમજ રવીન્દ્રનાથના પુસ્તક ‘ચિત્રાંગદા’માં થોડું ચિત્રાંકન કર્યું હતું ખરું, પરંતુ પૂર્ણવિકસિત ચિત્રોનો સર્વપ્રથમ આવિષ્કાર તે આ કૃષ્ણ-લીલા શ્રેણી છે. કલાશાળાના ત્યારના પ્રિન્સિપાલ ઈ. બી. હૅવેલ અવનીન્દ્રનાથની આ મૌલિક પ્રતિભા પારખી શક્યા; તેમણે અત્યાર સુધી યુરોપિયનોના વર્ચસ હેઠળ રહેલી વાઇસ-પ્રિન્સિપાલની જગ્યાએ અવનીન્દ્રનાથની નિયુક્તિ કરી. હૅવેલના માર્ગદર્શન હેઠળ તેમણે મુઘલ તથા રાજપૂત શૈલીનો સાંગોપાંગ અભ્યાસ કર્યો. આના પરિણામે તેમની શૈલી તથા ટૅકનિકમાં જે નોંધપાત્ર ફેરફાર સર્જાયો તેનો પ્રત્યક્ષ આવિષ્કાર તે ‘ઋતુસંહાર’-શ્રેણી તથા ‘બુદ્ધ સુજાતા’ અથવા ‘વજ્રમુકુટ’ જેવાં ચિત્રો.
ભારત-જાપાનના સાંસ્કૃતિક સહયોગના ગાળા દરમિયાન તેમને તાઇકવાન પાસેથી જાપાની ટૅકનિક શીખવાનો મોકો મળ્યો. અગાઉની જેમ આ પ્રસંગે પણ તેમણે વિદેશી ટૅકનિક અત્યંત સહજતાથી આત્મસાત્ કરી લીધી. ત્યારબાદ થોડા જ વખતમાં એ સંસ્કારોમાંથી તેમણે ‘ભારત માતા’(1902)માં નિરૂપાયેલ નિજી શૈલીસ્વરૂપ પ્રયોજ્યું. એથી જ ‘ઓમર ખય્યામ’(1906–08)ની ચિત્રશ્રેણીમાં જાપાની ચિત્રકારો તથા ટૅકનિકનું પૂરેપૂરું એકીકરણ તથા તેની સ્વરૂપબદ્ધતા સ્વાભાવિક રીતે થઈ આવે છે.
હવે અવનીન્દ્રનાથની નામના નૂતન રાષ્ટ્રીય કલા-પરિભાષાના નવપ્રણેતા તરીકે બંધાઈ ચૂકી હતી. વળી ભારતનાં કલા તથા સંસ્કારનાં ક્ષેત્રોમાં પ્રવર્તતી દુર્દશા પરત્વે નવસંચાર પ્રગટાવનાર આદ્ય કલાગુરુ તરીકે તેઓ પ્રતિષ્ઠા પામ્યા હતા. એ સિદ્ધિને પરિણામે, હૅવેલ, ભગિની નિવેદિતા અને સરજૉન વુડ્રૉફ જેવા તેમના નિકટના પ્રશંસકોએ રાષ્ટ્રીય સ્તરે અવનીન્દ્ર-શૈલીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી 1907માં ‘ઇન્ડિયન સોસાયટી ઑવ્ ઓરિયેન્ટલ આર્ટ’ની સ્થાપના કરી. 1911માં દિલ્હી દરબાર ભરાવાના પ્રસંગે અવનીન્દ્રનાથને સી.આઈ.ઈ.નો ખિતાબ અપાયો.
તેમની ચિત્રકૃતિઓનું 1913માં પૅરિસ તથા લંડનમાં અને 1919માં ટોકિયોમાં પ્રદર્શન યોજાયું. કલકત્તા યુનિવર્સિટીના ઉપક્રમે તેમણે ‘બાગેશ્વરી પ્રોફેસર ઑવ્ આર્ટ’ની હેસિયતથી કલાવિષયક વ્યાખ્યાનો આપ્યાં અને તે ‘બાગેશ્વરી શિલ્પ પ્રબંધાવલિ’ (1941) નામે પ્રગટ થયાં. તેમનાં અન્ય કલાવિષયક પુસ્તકોમાં ‘બાંગ્લાર બ્રત’, ‘ભારત શિલ્પ મૂર્તિ’ તથા ‘ભારતશિલ્પ’ વગેરેનો સમાવેશ થાય છે. તેમણે ગગનેન્દ્રનાથ તથા રવીન્દ્રનાથની સાથે મળીને 1912માં સાહિત્ય-સંસ્કાર-પ્રવૃત્તિના નવજાગરણ માટે ‘વિચિત્ર સભા’ સ્થાપી હતી. સ્વદેશી આંદોલન દરમિયાન, તેનાં સંગીત, નાટ્ય તથા ‘સ્વદેશી મેળા’ જેવાં સંસ્કારલક્ષી પાસાં વિશે સક્રિય રસ લીધો. 1942માં તેઓ ‘વિશ્વભારતી’ના કુલપતિપદે નિયુક્ત થયા.
કલાશિક્ષક તરીકે અવનીન્દ્રનાથ માનતા કે કલાકારે નિજી મુદ્રા તથા શૈલી ઉપસાવવાં જોઈએ. સર્જન-ક્ષેત્રે વ્યક્તિગત મોકળાશ તથા નિર્બન્ધતાના તેઓ પુરસ્કર્તા હતા. તેમનો ગુરુમંત્ર એ હતો કે કલાશિક્ષકે એવું – એટલું સાહજિક વાતાવરણ સર્જવું જોઈએ કે દરેક વ્યક્તિ અને દરેક પ્રવૃત્તિ આપોઆપ સહજ ભાવે નિજી ક્રમમાં વિકસતી રહે. આ કારણે જ નંદલાલ બોઝ, અસિત હલધર, સુરેન ગાંગુલી, ક્ષિતિન મજમુદાર જેવા તેમના અનેક કલાર્થીઓ પોતપોતાની સૂઝ અને શક્તિ પ્રમાણે ભારતીય ચિત્રશૈલીમાં સ્ફૂર્તિલી સાંપ્રતતા પ્રગટાવતા રહીને સમગ્ર ભારતના કલાક્ષિતિજ પર છવાઈ ગયા છે. કલાકાર તરીકે અવનીન્દ્રનાથે આંતરરાષ્ટ્રીય ચિત્રકલાજગતમાં ભારતને ગૌરવવંતું સ્થાન અપાવ્યું છે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામનાર તેઓ પહેલા ભારતીય ચિત્રકાર હતા.
તેમની સર્જકતાને કલમ સાથે પણ એવી જ ફાવટ આવી. તેમની કલ્પનશક્તિ તથા ચિત્રાત્મકતાનો કસબ અહીં શબ્દો મારફત પ્રગટે છે, જે લાક્ષણિક મોહકતા જન્માવી શકે છે. તેમના કલાસંસ્કારોના પરિણામે તેમની લખાવટમાં સ્વકીય મૃદુતા અને નાજુકતા મહોરી છે. કવિસહજ ઊર્મિતંત્ર તથા કલાકારસહજ નિરીક્ષણની સૂક્ષ્મતાનું અજબ સંમિશ્રણ થવાથી લેખનક્ષેત્રે પણ તેમની પ્રતિભા પ્રભુત્વ દાખવી શકી છે. રોચક કિશોરભોગ્ય કૃતિઓ રચીને અવનીન્દ્રનાથે બંગાળના કિશોરસાહિત્યને ખરેખર સમૃદ્ધ કર્યું છે. તેમની આત્મકથનાત્મક કૃતિઓ ‘ઘરોયા’ (1941) અને ‘જોડાસાંકોર ધારે’(1944)માંની ટાગોર પરિવારની અનેક રસપ્રદ વાતો વાંચવી ગમે તેવી છે. બીજી કૃતિનો ગુજરાતી અનુવાદ રમણીક મેઘાણીએ કરેલો છે. યુવાન લેખકોને પ્રેરણા અને માર્ગદર્શન આપવા તેમણે ‘ભારતી’ સામયિક ચલાવ્યું હતું.
ચન્દ્રકાન્ત મહેતા