ટર્નેરેસી : દ્વિદળી વર્ગનું 6 પ્રજાતિ અને લગભગ 110 જાતિઓ ધરાવતું મુખ્યત્વે ઉષ્ણકટિબંધીય અમેરિકન વનસ્પતિઓનું કુળ. ટર્નેરા 60 જાતિઓ ધરાવતી સૌથી મોટી પ્રજાતિ છે. તેની એક જાતિ ટૅક્સાસમાં છે. T. ulmifolia જેનો ઉદગમ વેસ્ટ ઇન્ડીઝ અને દક્ષિણનો હોવા ઉપરાંત ફ્લૉરિડામાં તેનો ઉછેર થઈ શક્યો છે. ત્રણ પ્રજાતિઓ અને ચાર જાતિઓ મેક્સિકોમાં સ્થાનિક છે.
આ કુળમાં થતી વનસ્પતિઓ શાકીય, ક્ષુપ કે વૃક્ષ-સ્વરૂપ હોય છે. પર્ણો સાદાં, એકાંતરિક, અખંડિત અથવા ખંડિત, ઘણુંખરું પર્ણતલ પાસે દ્વિગ્રંથિમય નાનાં ઉપપર્ણોની હાજરી અથવા પર્ણો અનુપપર્ણીય; પુષ્પો એકાકી અથવા ગુચ્છાકાર (fasciculate); પુષ્પ નિયમિત, દ્વિલિંગી, અધોજાઈ, ઘણુંખરું દ્વિનિપત્રિકાઓયુક્ત, હાઇપેન્થોઇડ; વજ્રપત્રો1 5, હાઇપેન્થિયમ પરથી ઉદભવે, પુષ્પીય પત્રો અને પુંકેસરચક્રના સંયોગથી ઉદભવેલા પ્યાલાકાર પુષ્પાક્ષને હાઇપેન્થિયમ કહે છે; જેના પરથી જાણે કે વજ્ર, દલપુંજ અને પુંકેસરચક્ર ઉત્પન્ન થતાં હોય તેવો દેખાવ બને છે. કોરછાદી (imbricate), શીઘ્રપાતી; દલપત્રો 5, હાઇપેન્થિયમ પરથી ઉદભવે, મુક્ત, નહોર જેવાં, વ્યાવૃત; પુંકેસરો 5, વજ્રસમ્મુખ, હાઇપેન્થિયમ પરથી ઉદભવે, પરાગાશય દ્વિખંડી, આયામ સ્ફોટન; ત્રિયુક્તસ્ત્રીકેસરી, ઊર્ધ્વસ્થ બીજાશય, જરાયુવિન્યાસ ચર્મવર્તી, કેટલેક અંશે અતિક્રમિત (intruded) અને એકકોટરીય, પ્રત્યેક જરાયુ પરથી ઘણાં અંડકોનો ઉદભવ, પરાગવાહિની ત્રણ, રેખીય કે ચપટી, પરાગાસનો ઝૂલદાર (fringed); વિવરીય પ્રાવર, બીજ બીજ-ચોલયુક્ત(arillate), ભ્રૂણ સીધો અને ભ્રૂણપોષ માંસલ અથવા અસ્થિવત્ સખત.
હાઇપેન્થિયમ, ત્રિયુક્તસ્ત્રીકેસરી ઊર્ધ્વસ્થ બીજાશય, ઝૂલદાર-અગ્રવાળાં પરાગાસનો અને બીજચોલવાળાં બીજ આ કુળનાં ખાસ લક્ષણો છે.
આ કુળની જાતિઓની કોઈ ખાસ આર્થિક અગત્ય નથી. જોકે ભારતીય T. subulataનાં મૂળનો ઉપયોગ ગૂમડા ઉપર પોટીસ તરીકે થાય છે.
બળદેવભાઈ પટેલ