ટપ્પા–રમતો : માર્ગીય ખેલકૂદ(track sports)ની વિવિધ દોડસ્પર્ધાઓ પૈકી રીલે રેસ તરીકે ઓળખાતી ટુકડીગત દોડસ્પર્ધાનો પ્રકાર, જેમાં ટુકડીના ખેલાડીઓ ધાતુની 28 સેમી.થી 30 સેમી. લાંબી તથા 12 સેમી. ઘેરાવાવાળી બૅટન હાથમાં રાખીને વારાફરતી દોડી નિયત અંતર પૂરું કરે છે. દોડનાર પોતાની દોડવાની હદ પૂરી થતાં 20 મીટરના બૅટન-બદલ-પ્રદેશમાં પછીના દોડનારને બૅટન હાથોહાથ આપે છે અને એમ ટુકડીના બધા ખેલાડીઓ પોતાની વારીમાં દોડે છે. જૂના જમાનામાં એક સ્થળેથી બીજા સ્થળે સંદેશા (ટપાલ) ખેપિયાઓની રીલે મારફતે પહોંચાડવામાં આવતા, તે રસમમાંથી આ રમતપ્રકારનો ઉદભવ થયો અને 1893માં અમેરિકામાં સૌપ્રથમ આ રમતસ્પર્ધા યોજાઈ. ટપ્પારમતોના મુખ્ય પ્રકારો નીચે મુજબ છે :

1. ટ્રૅક પરિક્રમીણ (round the track) ટપ્પારમતો : રનિંગ ટ્રૅક પર ટુકડીદીઠ અલગ ગલીમાં યોજવામાં આવે છે. દરેક ટુકડીમાં ચાર ખેલાડીઓ હોય છે, જે દરેક વારાફરતી સરખું અંતર (કુલ અંતરનો ચોથો ભાગ) દોડે છે. બૅટનની હાથોહાથ બદલીથી દોડવાની વારી બદલાય છે. ભાઈઓ અને બહેનો માટે 4 × 100 મી. અને 4 × 400 મીટર એ બે મુખ્ય અને ઑલિમ્પિક-સમાવિષ્ટ ટપ્પા-રમતસ્પર્ધાઓ છે. રંજનાત્મક વૈવિધ્ય તરીકે 4 × 200 મી. અને 4 × 400 મી. સ્પર્ધાઓ પણ યોજાય છે.

2. મિશ્ર ટપ્પારમતો (medley relay) : આ રમતો પણ રનિંગ ટ્રૅક પર ટુકડીદીઠ અલગ ગલીમાં યોજાય છે અને દરેક ટુકડીમાં ચાર ખેલાડી હોય છે, પરંતુ દરેક ખેલાડી સરખું અંતર ન દોડતાં 2 : 4 : 8 : 2 – એ પ્રમાણમાં અંતર દોડી નિયત અંતર પૂરું કરે છે. દા. ત., 1600 મી. મિડલે રીલેમાં ટુકડીના ચારેય ખેલાડી ક્રમસર 200 મી., 400 મી., 800 મી. તથા 200 મી. અંતર દોડે છે :

3. કાંઠલા ટપ્પારમતો (shuttle relay) : નાની ઉંમરનાં બાળકો માટેની આ રમતોમાં એક નિશ્ચિત માર્ગ પર 10મી.થી 20 મી. જેવા ટૂંકા અંતરમાં વારાફરતી દોડતાં આવ-જા કરવાની હોય છે. દરેક ટુકડીમાં 4થી 8 જેટલા ખેલાડીઓ હોય છે, જે દરેક વારાફરતી નિયત અંતર દોડી પાછા આવી પછીના ભિલ્લુને બૅટન યા દંડો યા ઝંડી આપતાં તે ભિલ્લુ પોતાની દોડવાની વારી શરૂ કરે છે. આ રમતોમાં દોડના વિવિધ પ્રકારો પ્રયોજવાથી રમતો વૈવિધ્યપૂર્ણ અને મનોરંજક બની રહે છે.

ચિનુભાઈ શાહ